Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

રાજકોટ સિવિલ હોસ્પિટલના તબિબોની ઘોર બેદરકારીઃ હાર્ટએટેકનો દુઃખાવો હતો અને હાથે પાટો વીંટાળી દીધો!: નેપાળી આધેડનું મોત

જામનગર રોડ પર રહેતાં સદ્દગત પોલીસ કર્મચારીના પુત્ર જયપ્રકાશભાઇ સોની (ઉ.૪૮)ને રાતે ૯:૩૦ ઇમર્જન્સીમાં લઇ જવાયા તો દવા આપી ઘરે મોકલી દેવાયાઃ ૧૧:૩૦ ફરી ગયા તો હાડકાના વોર્ડમાં દાખલ કરવાનું કેસમાં લખી આપ્યું: એ વોર્ડમાં ઇન્જેકશન આપી હાથમાં પાટો બાંધી દઇ ૧૫ દિ' પછી આવવાનું કહ્યું: રાત્રીના ૧:૦૦ વાગ્યે બેભાન થતાં ફરી સિવિલ હોસ્પિટલે લાવતાં મૃત જાહેર કરાયા : જ્યાં સુધી બેદરકારી દાખવનારા સામે પગલા ન લેવાય ત્યાં સુધી લાશ નહિ સ્વીકારવાનો નિર્ણય કરાયા બાદ બપોરે લાશ સ્વીકારીઃ મૃતકના નાના ભાઇ પ્રતાપભાઇએ કહ્યું- ફોરેન્સિક પોસ્ટ મોર્ટમમાં હળવો હાર્ટએટેક હોવાનું જણાવાયું છે પરંતુ પાક્કો રિપોર્ટ ૧૫ દિવસ બાદ અમને અપાશે ત્યાર પછી અમે ફરિયાદ નોંધાવશું: જયપ્રકાશભાઇ સોનીના મોતથી પુત્ર-પુત્રી-પત્નિ-વૃધ્ધ માતા નોધારા થઇ ગયા

જયપ્રકાશભાઇ સોનીનો નિષ્પ્રાણ દેહ અને ડોકટરની બેદરકારીથી તેમનું મોત નિપજ્યાનો આક્ષેપ કરનાર તેમના ભાઇ પ્રતાપભાઇ સોની (ટી-શર્ટમાં) જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨૨: શહેરની સિવિલ હોસ્પિટલ કે જ્યાં શહેર ઉપરાંત અલગ-અલગ જીલ્લાઓમાંથી પણ રોજબરોજ સેંકડોની સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવે છે. અહિ અદ્યતન સારવાર આપી શકાય તેવી લગભગ તમામ સુવિધાઓ છે. પરંતુ અમુક વિભાગોના સ્ટાફની બેદરકારી કે પછી બેધ્યાનપણાને લીધે દર્દીઓને ભારે યાતના ભોગવવી પડતી હોવાની ફરિયાદો અવાર-નવાર ઉઠતી રહે છે. આવા અનેક કિસ્સા અગાઉ બહાર આવી ચુકયા છે. ત્યાં હવે ઘોર બેદરકારીને કારણે જામનગર રોડ પર રહેતાં નેપાળી આધેડનું મોત નિપજતાં તેમના સ્વજનોએ જ્યાં સુધી જવાબદારો સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વીકારવાનો નિર્ણય કરી ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયું છે. મૃતક આધેડના ભાઇએ ચોંકાવનારા આક્ષેપ સાથે કહ્યું હતું કે-મારા મોટા ભાઇને હાર્ટએટેક આવ્યો હોય તેવું લાગતું હતું અને  તેનો દુઃખાવો હતો. પરંતુ બબ્બે વખત સિવિલ હોસ્પિટલમાં આવવા છતાં કોઇએ ઇસીજી પણ કાઢ્યું નહિ, દુઃખાવો હાડકાનો હશે...તેમ કહી ટ્રોમા સેન્ટરમાં મોકલી દીધા, ત્યાં ઇન્જેકશન આપી હાથે પાટો બાંધી રવાના કરી દીધા અને મોડી રાતે મારા ભાઇનું મોત નિપજ્યું હતું!...દરમિયાન પોસ્ટમોર્ટમ બાદ પ્રાથમિક રીતે હળવો હાર્ટએટેક હોવાનું જણાવાયું હતું. પરંતુ વિસેરા લેવામાં આવ્યા હોઇ પાક્કો રિપોર્ટ પંદર દિવસ પછી આવશે ત્યારે પોતે ફરિયાદ નોંધાવશે તેમ મૃતકના ભાઇએ જણાવી મૃતદેહ બપોરે સ્વીકારી લીધો હતો.

ઘટનાની વિગતો જોઇએ તો જામનગર રોડ પર પોલીસ હેડકવાર્ટરની મસ્જીદ સામેના ભાગે રહેતાં જયપ્રકાશભાઇ લાલબહાદુર સોની (નેપાળી) (ઉ.૪૮) રાત્રીના એકાદ વાગ્યે તેના ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેણે દમ તોડી દીધાનું જાહેર કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને રાજદિપસિંહે

પ્ર.નગરમાં જાણ કરતાં એએસઆઇ હરેશભાઇ રત્નોતર અને રામજીભાઇ પટેલે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક જયપ્રકાશભાઇના નાના ભાઇ પ્રતાપભાઇ સોનીએ પોતાના ભાઇનું મોત સિવિલના ડોકટરોની બેદરકારીથી થયાનું કહી જ્યાં સુધી જવાબદારો સામે પગલા ન લેવાય ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વીકારીએ તેવો નિર્ણય કરી ફોરેન્સિક પોસ્ટ મોર્ટમની માંગણી કરી હતી.

મૃત્યુ પામનાર જયપ્રકાશભાઇપાંચ ભાઇ અને ત્રણ બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર દેવરાજ (ઉ.૧૪) અને પુત્રી ખુશી (ઉ.૧૬) છે. જયપ્રકાશભાઇ રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં હતાં. તેમના પિતા લાલબહાદુર ધનબહાદુર સોની અગાઉ રાજકોટ પોલીસ હેડકવાર્ટરના એમટી સેકશનના કર્મચારી હતાં. જે હાલ હયાત નથી. જયપ્રકાશભાઇ પર વૃધ્ધ માતા શાંતાબેન, પત્નિ કલાવતીબેન અને બે સંતાનોની જવાબદારી હતી.

મૃતકના નાના ભાઇ પ્રતાપભાઇ સોની કે જે સ્પોર્ટસ ટીચર તરીકે કામ કરે છે. તેણે ચોંકાવનારા આક્ષેપો સાથે જણાવ્યું હતું કે હું મારા જયપ્રકાશભાઇથી અલગ રહુ છું. તેને રવિવારે ડાબા ખભાથી નીચેના ભાગે છાતી તરફ દુઃખાવો ઉપડ્યો હતો તેમજ કાનની ઉપરના ભાગે દુઃખાવો ઉપડતાં સાંજે સાડા પાંચેક વાગ્યે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. અહિ ઇમર્જન્સી વોર્ડમાં દુઃખાવો શાનો છે તેની યોગ્ય તપાસ કર્યા વગર દવા લખી આપી રજા આપી દેવામાં આવી હતી.

રાત્રીના સાડા દસ પછી ભાઇની તબિયત વધુ બગડતાં મને ભત્રીજીએ ફોન કરતાં હું મારા ભાઇને લઇને ફરીથી સિવિલના ઇમર્જન્સી વોર્ડમાં આવ્યો હતો. અહિ દુઃખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી છતાં ઇસીજી કાઢીને તપાસ કરવાને બદલે હાડકાનો દુઃખાવો લાગે છે...ટ્રોમા કેર સેન્ટરમાં દાખલ કરી દ્યો...તેમ કહી કેસમાં દાખલ કરવાની નોંધ કરી દેવામાં આવી હતી.

અમે ટ્રોમા કેર સેન્ટરમાં ગયા તો ત્યાં હાજર તબિબે દાખલ પણ કર્યા નહોતાં. દુઃખાવો ખુબ વધી ગયાનું કહેવાતાં એક ઇન્જેકશન આપ્યું હતું. ઇન્જેકશન અપાયા પછીના અડધા-પોણા કલાક સુધી પણ દુઃખાવો ઓછો થયો નહોતો. મેં સતત ડોકટરને ફરિયાદ કરી હતી કે ઇન્જેકશન પછી પણ ફેર પડ્યો નથી. એક તરફ મારા ભાઇ તરફડીયા મારતા હતાં તો બીજી તરફ ડોકટર તેના પરિચીત આવ્યા હોઇ તેની સાથે હાય હેલ્લો કરવામાં વ્યસ્ત હતાં!...મેં ફરીથી ડોકટરને જાણ કરતાં તેણે દુઃખાવો મટાડવા માટે (તસ્વીરમાં દેખાય છે એ રીતે) કોણીથી હાથ છાતી તરફ રાખી પાટો બાંધી દીધો હતો. ત્યારબાદ અમને '૧૫ દિવસ પછી આવજો' તેમ કહી ઘરે જવાનું કહી દેવામાં આવ્યું હતું.

કેસમાં દાખલ કરવાની ઇમર્જન્સી વિભાગમાંથી નોંધ કરી દેવામાં આવી હોવા છતાં મારા ભાઇને દાખલ ન કરી પાટો વીંટાળી દઇ ઘરે રવાના કરાયા હતાં. અમે ઘરે પહોંચ્યા પછી મારા ભાઇએ દવા લેવાની હોઇ જેથી થોડી ખીચડી ખાધી હતી. પરંતુ દુઃખાવો બંધ જ નહોતો થયો. છેલ્લે રાતે એકાદ વાગ્યે તે અચાનક બેભાન થઇ ઢળી પડ્યા હતાં...અમે ફરીથી તેમને સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડમાં લાવ્યા હતાં...ત્યારે ત્યાંના સ્ટાફે 'આમને તો દાખલ કરવાનું કહ્યું હતું, કેમ દાખલ ન કર્યા?' તેવો સવાલ કરતાં મેં જણાવ્યું હતું કે ટ્રોમા કેરમાં દાખલ કરવાને બદલે પાટો બાંધી ઘરે મોકલી દેવાયા હતાં....ઇમર્જન્સીમાં તબિબે તપાસ કરી મારા ભાઇને રાતે ૧:૪૧ કલાકે મૃત જાહેર કર્યા હતાં.

આમ મારા ભાઇને હાર્ટએટેકનો દુઃખાવો હતો છતાં કોઇએ ઇસીજી કાઢવાની પણ તસ્દી ન લીધી અને અહિથી તહિ દોડાદોડી કરાવી હતી. છેલ્લે વોર્ડમાં દાખલ પણ ન કરી ઘરે જવાનું કહી દેવાયું હતું અને મારા ભાઇનું મોડી રાત્રે હૃદય બેસી ગયું હતું. જો ગંભીરતા દાખવી દુઃખાવો ખરેખર શાનો છે તે તપાસવા ઇસીજી કર્યુ હોત તો કદાચ મારા ભાઇને હાર્ટએટેક આવ્યાની ખબર પડી હોત અને તેમનો જીવ બચી ગયો હતો. તેમ વધુમાં પ્રતાપભાઇ સોનીએ જણાવી મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવવાની માંગણી કરી હતી. તેમજ બેદરકારી દાખવનારા સામે પગલા નહિ લેવાય ત્યાં સુધી પોતે મૃતદેહ નહિ સ્વીકારે તેવો નિર્ણય કર્યો હતો. સિવિલ હોસ્પિટલે મોટી સંખ્યામાં નેપાળી સમાજના લોકો ભેગા થયા હતાં.

તપાસનીશ એએસઆઇ હરેશભાઇએ કહ્યું હતું કે હળવો હાર્ટએટેક હોવાનું મોૈખિક રીતે જણાવાયું છે. વિસેરા લઇને ફોરેન્સિક લેબમાં મોકલાયા છે. તેના રિપોટની મૃતકના સ્વજનો રાહ જોઇ રહ્યા છે.

મારા ભાઇ તરફડીયા મારતા'તા ને ડોકટર મિત્ર સાથે હાય-હેલ્લોમાં વ્યસ્ત હતાં: કોઇએ ઇસીજી કાઢવાની તસ્દી પણ લીધી નહિઃ નાનાભાઇ પ્રતાપભાઇનો આક્રોશ

. મૃત્યુ પામનાર જયપ્રકાશભાઇ સોની (નેપાળી)ના નાના ભાઇ પ્રતાપભાઇ સોનીએ સજળ આંસુએ જણાવ્યું હતું કે એક તરફ મારા મોટાભાઇ દુઃખે છે...દુઃખે છે...તેવું બોલી તરફડીયા મારતા હતાં તો બીજી તરફ ટ્રોમા સેન્ટરમાં એક તબિબ તેના મિત્ર આવતાં તેની સાથે હાય હેલ્લો કરવામાં વ્યસ્ત હતાં. કોઇએ ઇસીજી કાઢવાની તસ્દી પણ લીધી નહોતી. એક ઇન્જેકશન અપાયું એ પછીના અડધા કલાક પછી પણ કોઇ ફરક ન પડતાં મેં ડોકટરને હજુ સુધી કોઇ ફેર પડ્યો નથી તેમ કહેતાં છેલ્લે હાથ પર લાલ પાટો બાંધી દીધો હતો અને થોડીવારમાં મટી જશે...ઘરે જાવ અને પંદર દિવસ પછી આવજો તેમ કહી અમને ઘરે મોકલી દેવાયા હતાં. બાદમાં રાતે એક વાગ્યે મારા ભાઇ બેભાન થઇ જતાં અમે ફરીથી સિવિલમાં લાવ્યા હતાં ત્યારે તેમને મૃત જાહેર કરાયા હતાં. હાર્ટએટેક આવ્યો હતો છતાં કોઇએ ગંભીરતા ન દાખવી તેની સારવાર ન કરી અને ટ્રોમા સેન્ટરમાં મોકલી દીધા હતાં.

આરોગ્ય મંત્રી પગલા લે તેવી માંગણી

. ઘોર બેદરકારીને કારણે નેપાળી આધેડનું સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યાની ઘટનાથી મૃતકના સ્વજનો ઉંડા આઘાતમાં ગરકાવ થઇ ગયા છે અને ડોકટરોની બેદરકારીના પોતાની પાસે પુરાવા હોવાનું જણાવી આ કેસમાં આરોગ્ય મંત્રીશ્રી નિતીન પટેલ પગલા લે તેવી માંગણી કરી છે.

દુઃખાવો કોઇ ઇજાથી થતો હતો કે કેમ? ઇસીજી શા માટે નથી કાઢ્યો... તેની તપાસ કરાવીશઃ

તબિબી અધિક્ષક મનિષ મહેતા

. દરમિયાન આ ઘટનાની જાણ તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતાને થતાં તેમણે જણાવ્યું હતું કે દર્દીને કેવા પ્રકારના દુઃખાવા સાથે લાવવામાં આવ્યા હતાં? હાર્ટએટેક હતો તેની જાણ તબિબને કરવામાં આવી હતી કે કેમ? ઇસીજી શા માટે કાઢવામાં ન આવ્યો? કોની નોકરી હતી? તે સહિતના મુદ્દે તપાસ કરવામાં આવશે. તેમજ પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ શું આવે છે? તેના આધારે આગળ તપાસ કરીશું.

(3:24 pm IST)