Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

નિષ્કાળજીથી મજૂરનું મોતઃ આર્યકૃતિ એપાર્ટમેન્ટના બિલ્ડર, મજૂર કોન્ટ્રાકટર, સુપરવાઇઝર અને એન્જિનીયર સામે ગુનો

મોરબી રોડ શિવધારા પાસે છઠ્ઠા માળે પાણી છાંટતી વખતે મુળ દાહોદનો મહેશ (ઉ.૨૦) પટકાતાં અમદાવાદમાં સારવાર બાદ મોત થયુ હતું: સરકારના સલામતિના ધોરણો મુજબ સેફટી બાસ્કેટ, સેફટી નેટ, સેફટી બેલ્ટ તથા જરૂરી સુપરવિઝન સહિતની કોઇ સુવિધા સાઇટ પર નહિ રાખ્યાનો આરોપઃ મૃતકના પિતાની ફરિયાદ પરથી બી-ડિવીઝન પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૨૨: શહેરના મોરબી રોડ પર શિવધારા સોસાયટી ૪૦ ફુટ રોડ આર્યકૃતિ એપાર્ટમેન્ટની સાઇટ પર પોણા બે મહિના પહેલા કડીયા કામ ચાલતું હોઇ ત્યાં કામ કરતાં મુળ દાહોદના જાલોદ તાબેના ધેસવા ગામના મજૂર મહેશ કડકીયાભાઇ ભુરીયા (ઉ.૨૦)નું છઠ્ઠા માળેથી પડી જતાં મોત નિપજ્યું હતું. બાંધકામના સ્થળે મજુરોની સુરક્ષા સલામતિની વ્યવસ્થા કે સુપરવિઝન અધિકારી ન રાખી સરકારના સલામતિના ધોરણોનો ભંગ કરવા બદલ બિલ્ડર, મજૂરોના કોન્ટ્રાકટર તથા સાઇટના સુપરવાઇઝર અને એન્જિીનીયર સામે પોલીસે ગુનો નોંધ્યો છે.

બનાવ અંગે બી-ડિવીઝન પોલીસે મૃત્યુ પામનાર મજુરના પિતા કડકીયાભાઇ સોમાભાઇ ભુરીયા (ઉ.૪૮)ની ફરિયાદ પરથી આર્યકૃતિ એપાર્ટમેન્ટના બિલ્ડર શૈલેષભાઇ પટેલ, મજૂર કોન્ટ્રાકટર અશ્વિનભાઇ સભાયા, સુપરવાઇઝર ચેતનભાઇ તથા એન્જિનીયર (જેનુ નામ આવડતું નથી) તેની સામે આઇપીસી ૩૦૪, ૧૧૪ તથા એટ્રોસીટી એકટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

કડકીયાભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે મારે સંતાનમાં ત્રણ પુત્રો અને બે પુત્રી છે. તે પૈકી પુત્ર મહેશ ત્રીજા નંબરે હતો. તેની પત્નિનું નામ ચંદ્રીકા છે અને સંતાનમાં દોઢ માસનો પુત્ર આરવ છે. મારો દિકરો મહેશ બે વર્ષથી રાજકોટમાં બિલ્ડર શૈલેષભાઇ પટેલની આર્યકૃતિ એપાર્ટમેન્ટની સાઇટ શિવધારા ૪૦ ફુટ રોડ પર ચાલુ હોઇ ત્યાં મજૂરી કરતો હતો. હોળીના તહેવારમાં રજા પર મહેશ વતન આવ્યો હતો અને ૨૦/૫/૧૯ના તે તથા પડોશી વિપુલ કટારા ૨૧મીથી કામે ચડવાનું હોઇ પરત રાજકોટ આવ્યા હતાં. ૨૯મીએ હું ઘરે હતો ત્યારે દિકરા રસિકે આવી વાત કરી હતી કે ૨૮મીએ મહેશ રાજકોટમાં બિલ્ડીંગની સાઇટ પર છઠ્ઠા માળે પાણી છાંટતી વખતે પડી ગયો છે અને તેને માથા-હાથે-પગે-શરીરે ઇજા થતાં તે બેભાન છે અને ગોકુલ હોસ્પિટલમાં લઇ ગયા છે, તેની સારવાર ચાલુ છે.

આ વાત પછી અમે ૩૦મીએ રાજકોટ આવ્યા હતાં. ત્યારે પણ સારવાર ચાલુ હતી. ૮/૬ના મારા દિકરા મહેશને વધુ સારવાર  માટે અમદાવાદ લઇ ગયા હતાં. ૯/૬ના અમદાવાદ ખાતે સિવિલ હોસ્પિટલમાં મારા દિકરા મહેશનું મોત થયું હતું. અમે અંતિમવિધી માટે મૃતદેહ વતન લઇ ગયા હતાં.

મારો દિકરો મહેશ જ્યાં કામ કરતો હતો તે શિવમ્ પાર્કના આર્યકૃતિ એપાર્ટમેન્ટની સાઇટ પર સેફટી બાસ્કેટ, સેફટી નેટ, સેફટી બેલ્ટ તથા મજૂરો માટેની કોઇપણ સુવિધા કે સુરક્ષા સલામતિની વ્યવસ્થા નહોતી. જરૂરી સુપરવિઝન પણ નહોતું. બિલ્ડર, મજૂર કોન્ટ્રાકટર, એન્જિનીયર અને સુપરવાઇઝરની બેદરકારી નિષ્કાળજીને કારણે મારા દિકરાનું મોત થયું હોઇ તમામ સામે ફરિયાદ નોંધાવી છે.

પી.આઇ. વી. જે. ફર્નાન્ડીઝની રાહબરીમાં પીએસઆઇ એન. જે. જાડેજાએ વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:54 am IST)