Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

ભંગારના ફેરીયાઓનું પોતીકુ સંગઠન : 'મહાવીર સ્ક્રેપ'

હસમુખભાઇ પરમાર નાના માણસોની વહારે : માત્ર રૂ. ૧ ના માર્જીનથી ધંધો : નાના ભુલકાઓનું સંચાલન

રાજકોટ તા. ૨૨ : દુર દુરના વિસ્તારોમાંથી ભંગાર એકત્ર કરતા ફેરીયાઓ રેકડી ભરીને ભંગારના મોટા વેપારી પાસે પહોંચે ત્યારે વેપારી પોતાનો મોટો નફો રાખીને આવો ભંગારનો માલ ખરીદી ફેરીયાઓને ઓછો લાભ આપતા હોય છે. જેથી નાના ફેરીયાઓને વધુ નફો થાય તેવા વિચાર સાથે નંદનવન સોસાયટીના હસમુખભાઇએ ખાસ ફેરીયાઓ માટે  જ એક સંગઠન બનાવી 'મહાવીર સ્ક્રેપ' નામથી ફેરીયાઓનો પોતીકો વ્યવસાય શરૂ કરેલ છે.

હસમુખભાઇએ પહેલા તો જુદા જુદા વિસ્તારના ભંગારના ફેરીયાઓનો સંપર્ક કર્યો. ચાર વર્ષ તેમના પર અભ્યાસ કર્યો. ત્યાર બાદ માત્ર રૂ.૧ ના માર્જીનથી નફો મળે અને બાકીનો નફો ફેરીયાઓના હીસ્સે જાય તેવી ગણત્રી સાથે 'મહાવીર સ્ક્રેપ( ભંગાર) નામનો ડેલો નંદનવન સોસાયટીમાં જ શરૂ કરેલ છે.

હજુ અન્ય વિસ્તારમાં પણ ફેરીયાઓના હીતમાં આવો બીજો ડેલો શરૂ કરવાની પણ તેમની ધારણા છે. ફેરીયાને વધુમાં વધુ ભાવ મળે તેવો તેમનો આશય છે.

તેમના આ કાર્યમાં સોસાયટીના લોકો પણ સહયોગી બને છે. ધનરાજસિંહ જયપાલસિંહ વાઘેલા (ઉ.વ.૧૩), રાજદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.૧૦), ધીરજ યશપાલસિંહ ચાહર (ઉ.વ.૮), લકકીરાજસિંહ પૃથ્વીસિંહ પરમાર (ઉ.વ.૧૪), દક્ષરાજસિંહ જયપાલસિંહ વાઘેલા (ઉ.વ.૮), જુનેદ (ઉ.વ.૧૬), નમ્રતાબેન જીતુભા ઝાલા (ઉ.વ.૧૬), એકતાબા કીરીટસિંહ જાડેજા (ઉ.વ.૧૧), શ્રેયાંશીબા મુળાજસિંહ વાઘેલા (ઉ.વ.૬), હેતાંશીબા મુળાજસિંહ વાઘેલા (ઉ.વ.૩) સહીતના ભુલકાઓની ટીમ પણ આ કાર્યમાં જોડાયા છે. જો કે અભ્યાસ બાદના સમયનો ઉપયોગ આ નહી નફો નહી નુકશાનના પરહીતના ધંધામાં કરવા હંમેશા હસમુખભાઇની તેમને સલાહ હોય છે.

અહીં ઉલ્લેખનીય છે કે ગાંધી દર્શન ટી.વી. સીરીયલનું નિર્માણ કાર્ય પણ હસમુખભાઇ પરમાર (મો.૯૩૭૦૫ ૪૭૯૬૭) અને પૂજાબેન સંભાળી રહ્યા છે. જો કે લોકડાઉનમાં આ કાર્ય વિલંબિત થયાનો તેમને અફસોસ છે.

(3:59 pm IST)