Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

પદ્મશ્રી નગીનદાસ સંઘવીનું શતાયુ સન્માન

નગીનબાપા જ્ઞાનનો વીરડો છે, આપણે ઉલેચતા રહેવાનું છેઃ પૂ. મોરારીબાપુ : નગીનદાસ સંઘવીમાં સંઘર્ષ નોતરવાની ક્ષમતા છેઃ પુરૂષોતમ રૂપાલાઃ નગીનબાપા મારા ગાઇડઃ અજય ઉમટ પત્રકારત્વના ગૌરવનો દિવસઃ કુંદન વ્યાસ

લેખક, ચિંતક શ્રી નગીનદાસ સંઘવીનું મોરારીબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે સન્માન કરાયું હતું. આ પ્રસંગે કેન્દ્રીય રાજયમંત્રી પુરૂષોતમ રૂપાલા, નવગુજરાત સમયના તંત્રી અજય ઉમટ, જન્મભુમી જુથના મેનેજીંગ તંત્રી કુન્દનભાઇ વ્યાસ, ચિત્રલેખા ગૃપના ચેરમેન મૌલીકભાઇ કોટક, શતાયુ સન્માન સમીતીના સદસ્યો ઉદ્યોગપતિ જયંતીભાઇ ચાંદ્રા, ચિત્રલેખાના તંત્રી ભરત ઘેલાણી અને ફુલછાબના તંત્રી કૌશીકભાઇ મહેતા ઉપસ્થિત રહયા હતા. (૪.૧૯)

રાજકોટ, તા., રરઃ જાણીતા પત્રકાર લેેખક-ચિંતક નગીનદાસ સંઘવીના શતાયુ સન્માન સમારંભમાં પ્રેમસભર વકતવ્યમાં મોરારીબાપુએ જણાવ્યું હતું કે નગીનદાસ સંઘવીને હું પહેલેથી બાપા કહેતો આવ્યો છું. આજે ફાધર ડે છે અને સન-ડે પણ છે. આમ તો નગીન બાપા આવા સન્માન, વખાણથી દુર રહે પણ મેં દીકરા તરીકે વિનંતી કરી અને એ માની ગયા. બાપા કૈલાસ ગુરૂકુળ આવીને રોકાય ત્યારે હું બુધ્ધ વિશે પુછુ, જિસસ વિશે પુછુ કે કોઇ પણ વિષય વિશે પુછુ તો તરત વાત માંડે. હું અમુક પાઠ બાપા પાસેથી શીખ્યો છું. બાપા વિરડો છે અને આપણને ઉલેચતા રહેવાનું મન થાય.

શહેરના હેમુ ગઢવી હોલ ખાતે યોજાયેલા ગરીમાપુર્ણ સમારોહમાં મોરારીબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં બહુમાન કરવામાં આવ્યું હતું. આ શતાયુ સન્માન સમારોહમાં અતિથિ વિશેષ તરીકે કેન્દ્રીય રાજયમંત્રી પુરૂષોતમભાઇ રૂપાલા, નવગુેજરાત સમયના તંત્રી અજય ઉમટ, સન્માન સમીતીના સભ્ય અને રાજકોટના મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, જન્મભુમી જુથના મેનેજીંગ તંત્રી કુન્દનભાઇ વ્યાસ અને ચિત્રલેખા જુથના ચેરમેન મૌલીકભાઇ કોટક ઉપસ્થિત રહયા હતા.

શ્રી નગીનદાસ સંઘવી શતાયુ સન્માન સમીતી દ્વારા  સન્માનપત્ર અને ૧૧ લાખ ૧૧ હજાર ૧૧૧ની સન્માન રાશી અર્પણ કરવામાં આવી હતી. સાથોસાથ નગીનદાસ સંઘવીના બે પુસ્તકો તડ ને ફડ અને સોંસરી વાતનું ઉપસ્થિત  મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

આ સમારોહમાં ઉપસ્થિત કેન્દ્રીય રાજયમંત્રી પુરૂષતોમ રૂપાલાએ પ્રાસંગીક સંબોધનમાં જણાવ્યું કે નગીન બાપાએ એક વાર મને કહેલું કે મારે નરેન્દ્રભાઇ મોદીને મળવું છે અને તેમના ઉપર એક પુસ્તક લખવું છે. નરેન્દ્રભાઇ મોદી અમદાવાદ હતા ત્યારે મેં એમને વાત કરી અને સરકીટ હાઉસમાં સારો સત્સંગ પણ કરેલો. નગીનદાસબાપાએ મોદીજીને કહેલું કે, હું તમારા વિરોધીઓને પણ મળવાનો છું ત્યારે મોદીજીએ બાપાને કહેલું કે હું ના પાડીશ તો ય તમે તો મળવાના જ છો. મેં બાપાને ત્યારે સાંભળ્યા .ત્યારે હ્ય્દયથી એમ થઇ ગયેલું કે આવા માણસને નીચે બેસીને સાંભળવા જોઇએ. પત્રકારત્વ ક્ષેત્રમાં સંઘર્ષ કરવાની વાત અલગ છે પણ બાપામાં સંઘર્ષ નોતરવાની ક્ષમતા છે.

નવ ગુજરાત સમયના તંત્રી અજય ઉમટે નગીનદાસ સંઘવીના કાર્ય પર વિષેદ વકતવ્યમાં જણાવ્યું કે છેક ૧૯૮પથી નગીનદાસભાઇ મારા ફ્રેન્ડ, ફીલોસોફર અને ગાઇડ છે. હસમુખ ગાંધી અને ચંદ્રકાન્ત વક્ષી ભાગ્યે જ કોઇના વખાણ કરે પણ એ બન્ને કહેતા કે, નગીનદાસભાઇ પત્રકારત્વના શિરોમણી છે. નગીનદાસભાઇ ગુજરાતી પત્રકારનું ઉતુંગ શિખર છે.

સો વર્ષની ઉંમરે નગીનબાપા લખે છે પણ સૌથી વધારે વાંચક તેનો ડિજીટલ દુનિયાના યંગ સ્ટર્સ છે. તેમણે બે યુગના વાંચકોનો પ્રેમ જીત્યો છે. એ મોટી વાત છે.

રાજકોટના પ્રથમ નાગરીક બીનાબેન આચાર્યએ શતાયુ સન્માન સમીતીને અભિનંદન આપતા જણાવ્યું કે રાજકોટના આંગણે પત્રકાર જગતની વિભુતીનું બહુમાન થઇ રહયું છે તે રાજકોટ માટે ગૌરવની વાત છે.

જન્મભુમી જુથના મેનેજીંગ તંત્રી કુન્દનભાઇ વ્યાસે જણાવ્યું કે આજનો દિવસ માત્ર ગુજરાતી પત્રકાત્વ માટે જ નહીં પણ સમગ્ર પત્રકારત્વ જગત માટે મહત્વનો છે.

ચિત્રલેખા ગૃપના ચેરમેન મૌલીકભાઇ કોટકે પોતાના વકતવ્યમાં જણાવ્યું કે રાજકોટના આંગણે જયારે મોરારીબાપુના જ હસ્તે નગીનદાસ સંઘવીને વજુ કોટક સુવર્ણ ચંદ્ર અપાયો ત્યારે જ એવું નક્કી કરેલું કે, રાજકોટના આંગણે જયારે મોરારીબાપુના જ હસ્તે નગીનદાસ સંઘવીને વજુ કોટક સુવર્ણ ચંદ્રક અપાયો ત્યારે જ એવું નક્કી કરેલું કે રાજકોટના આંગણે નગીનબાપાનું શતાયુ સન્માન કરશું આજે એ દિવસ આવી પહોંચ્યો છે તેમણે નગીનબાપાના દીઘાર્યુની કામના કરી હતી.

શ્રી નગીનદાસ સંઘવી શતાયુ સન્માન સમારોહમાં સન્માન સમીતીના સદસ્યો જાણીતા ઉદ્યમી જયંતીભાઇ ચાંદ્રા અને કાર્યક્રમના સંકલનકાર ફુલછાબનાં તંત્રી કૌશીક મહેતા અને ચિત્રલેખાના તંત્રી ભરતભાઇ ઘેલાણી ઉપસ્થિત રહયા હતા. આ સમારોહનું કાવ્યાત્મક અને રસાળ શૈલીમાં સંચાલન પ્રણવ પંડયાએ કર્યુ હતું. આ સમારોહમાં રાજકોટના શ્રેષ્ઠીઓ, પત્રકારો, સાહિત્યકારો, શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા

(3:47 pm IST)