Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

સુખકર્તા દેવ ગણપતિ મહારાજના દિવ્ય મંદિરનું નિર્માણ

કાલાવડ રોડ અને યુનિવર્સિટી રોડ મધ્યે ત્રણ વર્ષમાં ૧૦૦ કારીગરો દ્વારા : વિદ્વાન શાસ્ત્રી કૌશિકભાઈ ત્રિવેદી અને ૧૫ ભૂદેવો દ્વારા ત્રિદિવસીય શાસ્ત્રોકત વિધિ દ્વારા ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન : માત્ર બંસી પથ્થરો દ્વારા મંદિર નિરૂપણ

રાજકોટ, તા. ૨૨ : સુખકર્તા દેવ શ્રી ગણપતિ ગજાનન મહારાજનું ભવ્ય - દિવ્ય મંદિર તાજેતરમાં કાલાવડ રોડ અને યુનિવર્સિટી રોડ મધ્યે નિર્માણ પામ્યુ છે. ગણેશ ભકતો દુંદાળાદેવ ગણપતિ મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

સર્વસિદ્ધિના દાતા દુઃખહર્તા ગણપતિ ગજાનન મહારાજનું દિવ્ય મંદિર છેલ્લા ૩ વર્ષથી રાજસ્થાની કલાનિપુણ કારીગરો દ્વારા નિર્માણ કાર્ય હાથ ધરાયુ હતું. સિદ્ધિ વિનાયકનું નામ સાંભળતા જ મુંબઈનું જગપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરની સ્મૃતિ થાય છે ત્યારે રાજકોટના આંગણે પણ એકદંત ગણપતિ મહારાજની દિવ્ય પ્રતિમાની ઝાંખી કરતાં જ ભાવિકો ભકિતરસમાં તરબોળ થાય છે.

શ્રી સિદ્ધિ વિનાયક ધામ ગણપતિ મહારાજના મંદિરમાં માત્ર પથ્થરનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. લોખંડનો ઉપયોગ થયો નથી. મંદિરનું નિર્માણ બંસી પહાડના પથ્થરમાંથી કરવામાં આવ્યુ છે. મંદિરની દિવાલો, સ્તંભ અને બારણામાં કુલ ૧૦૦૮ ગણપતિના સ્વરૂપો તૈયાર કરવામાં આવ્યા છે.

તાજેતરમાં સૌરાષ્ટ્ર-ગુજરાતના  કર્મકાંડ અને શાસ્ત્રોકત ક્ષેત્રે વિદ્વાન શાસ્ત્રી શ્રી કૌશિકભાઈ અનંતરાય ત્રિવેદી અને ૧૫ ભૂદેવોના હોમ હવન - પૂજન - અર્ચન દ્વારા ત્રિદિવસીય ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયેલ.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, ભારતના  જૂની પેઢીના જાણીતા વિદ્વાન, કર્મકાંડ વિશારદ જયોતિષાચાર્ય અને આયુર્વેદાચાર્ય  સ્વ.વૃજલાલ શાસ્ત્રી મહારાજના પૌત્ર શાસ્ત્રી કૌશિકભાઈ અનંતરાય ત્રિવેદીએ ખોડલધામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા, અંબાણી પરિવાર સહિત અનેક બિઝનેસમેનોને પૂજા કરાવી છે. તેમજ સામાજીક, રાજકીય ક્ષેત્રના લોકો અને અનેક મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા કરનાર શ્રી કૌશિકભાઈ શાસ્ત્રીના હસ્તે શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મહારાજના મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પણ થયો છે.

કાલાવડ રોડ અને યુનિવર્સિટી રોડ મધ્યે વોકહાર્ટ હોસ્પિટલવાળી શેરીમાં આવેલ શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મહારાજના મંદિરનું કે.કે. હોટલના શ્રી કીરીટભાઈ કુંડલીયા અને કાર્તિકભાઈ કુંડલીયા પરિવાર દ્વારા નિર્માણ કરવામાં આવ્યુ છે. દરરોજ સવારે ૮:૩૦ કલાકે અને સાંજે ૭:૩૦ કલાકે આરતી થાય છે. દર્શનાર્થીઓનો પ્રવાહ સતત ચાલુ હોય છે.

કિરીટભાઈ કુંડલીયાએ જણાવ્યુ હતું કે, સૌરાષ્ટ્રનું એકમાત્ર મંદિર કે જયાં સીનીયર સીટીઝન કે અશકત વ્યકિત માટે રોબોટીક રીમોટ કન્ટ્રોલથી નિયંત્રિત થતી ચેરમાં ગણપતિ મહારાજના દર્શન કરાવવામાં આવશે. મંદિરના નીચેના પરીસરમાં શ્રી ગણપતિ મહારાજના વિવિધ સ્વરૂપોને નિહાળવા માટે શ્રી ગણેશ ગેલેરીનું પણ નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે.

મંગલમૂર્તિની મનમોહક પ્રતિમાથી ભાવિકો ધન્ય

રાજકોટ : અહિં નવનિર્માણ પામેલ શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિદાદાના ભવ્ય મંદિરનું નિર્માણ થયુ છે. મંદિરમાં બિરાજમાન શ્રી સર્વસિદ્ધિ પ્રદાયક સુખકર્તા અને દુઃખહર્તા દેવ ગણપતિદાદાની દિવ્ય મૂર્તિના દર્શન થતાંની સાથે જ ભાવિકો ધન્ય થઈ જાય છે. મંદિર પરિસરમાં ગણપતિ મહારાજની પ્રદક્ષિણાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

દર્શનાર્થી ભકતો  માટે પગ ધોવાની અલાયદી વ્યવસ્થા

રાજકોટ : કાલાવડ રોડ અને યુનિવર્સિટી રોડ વચ્ચે વોકહાર્ટ હોસ્પિટલવાળી શેરીમાં શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિધામમાં ગણેશ ભકતો માટે મંદિરમાં પ્રવેશતા પૂર્વે અને પગથીયા ચડતા પૂર્વે જ પગ ધોવાઈ જાય તેવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

(3:37 pm IST)