Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

કુવાડવા રોડ વૃંદાવન સોસાયટીના અશોકભાઇ પાઘડારનું મકાન પડાવવા કહેવાતા શાસ્ત્રી-તાંત્રિકના કાવાદાવા

ધંધાની મંદી માટે જોવડાવવા જતાં સંમોહિત કરી વિશાલ જોષી તેના જ મકાનમાં ભાડેથી રહે છે તેવું લખાણ કરાવડાવી લીધું: હવે ખાલી કરવાના અઢી લાખ માંગતો હોવાનો ચોંકાવનારો આક્ષેપ

રાજકોટ તા. ૨૨: કુવાડવા રોડ પર વૃંદાવન સોસાયટી-૩માં રહેતાં અશોકભાઇ પોપટભાઇ પાઘડારે મોરબી રોડ અમૃત પાર્કમાં રહેતાં શાસ્ત્રી વિશાલ ભરતભાઇ જોષી વિરૂધ્ધ પોલીસ કમિશનરને ઉદ્દેશીને ચોંકાવનારી અરજી કરી છે. શાસ્ત્રીએ પોતાના પર સંમોહન વિદ્યા કરી ખોટા દસ્તાવેજો ઉભા કરી પોતાનું મકાન પડાવી લઇ માથે જતાં ધમકી આપ્યાનો આરોપ અશોકભાઇએ મુકયો છે.

લેખિત રજૂઆત-ફરિયાદમાં અશોકભાઇ પાઘડારે જણાવ્યું છે કે હું વૃંદાવન-૩માં રહુ છું અને વેપાર કરી ગુજરાન ચલાવું છું. વિશાલ જોષી પોતે શાસ્ત્રી અને તાંત્રિક હોવાનું અને લોકોના દુઃખ-દર્દ મટાડવાનું કામ કરતાં હોવાનું કહે છે. અગાઉ વિશાલ અમૃત પાર્કમાં મારી બાજુના મકાનમાં રહેતો હતો. ધંધાના વ્યવહાર સબબ તેની સાથે પરિચય થયો હતો. મારે ધંધામાં મંદી ચાલતી હોઇ વિશાલનો સંપર્ક કરતાં તેણે દોરા-ધાગા કરી દીધા હતાં. છેલ્લા પાંચેક માસથી મને સંમોહિત કરી વશમાં કરી લઇ પોતે જે મકાનમાં રહેતો હતો તે ખાલી કરી મારા મકાનમાં ભાડેથી રહે છે તેવું લખાણ કરાવડાવી લીધું છે.

તેમજ મારી પાસેથી રૂ. ૨,૫૦,૦૦૦ લઇ પોતાના ખાતામાં નાંખી આ રકમ બેંક મારફત ડિપોઝીટ આપી છે તેવું લખાણ પણ કરાવી લીધુ છે. હવે તે સામા અઢી લાખ હું આપુ તો જ મકાન ખાલી કરશે તેવી ધમકી આપે છે અને દિવાલમાં જાતે માથા પછાડી મેં તેને માર માર્યો છે તેવી ખોટી ફરિયાદ ઉભી કરવાની ધમકી આપે છે. આ રીતે આ શખ્સ છેલ્લા થોડા સમયથી મને ખુબ હેરાન પરેશાન કરે છે. વાહન લઇને મારી પાછળ આવી ડખ્ખા કરવાના કારણો શોધે છે. તે ગમે તેમ કરી મારી માનસિક સ્થિતિનો ગેરલાભ લઇ મારું મકાન પડાવી લેવા પેતરા કરે છે.

અશોકભાઇએ વધુમાં જણાવ્યું છે કે  આ શાસ્ત્રી તેના મળતીયા મારફત પણ મને ધમકાવવા કોશિષ કરે છે. આ શખ્સે અનેકને શીશામાં ઉતાર્યા છે. નકલી અધિકારી બનીને વેપારીઓને લૂંટવાના ગુનામાં આ ટોળકી પકડાઇ હોવાનું મને જાણવા મળ્યું છે. તેની કડક પુછતાછ થાય તો મારા જેવા અનેક દુઃખિયારા-ફસાયેલા લોકોને ન્યાય મળશે.

અરજીની તપાસ બી-ડિવીઝન પોલીસ તરફ મોકલવામાં આવી છે.

(3:36 pm IST)