Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

મોરારીનગરના પટેલ યુવાન વિપુલ સાંગાણીની પત્નિ વિરૂધ્ધ પોલીસ કમિશનરને ફરિયાદ

પોતાને તરછોડી દઇ બે સંતાનોને સાથે લઇ કચ્છના રામપર વેકરામાં ફુવાજીના દિકરા ભાવેશ સાથે ગેરકાયદેસર રીતે રહેતી હોવાની રજૂઆત

રાજકોટ તા. ૨૨: કોઠારીયા રોડ હરિ ધવા માર્ગ પર મોરારીનગર-૪માં આઇશ્રી ખોડિયાર નામના મકાનમાં રહેતાં અને મજૂરી કરી ગુજરાન ચલાવતાં વિપુલ રાઘવજીભાઇ સાંગાણી નામના પટેલ યુવાને પોલીસ કમિશનરને લેખિત અરજી કરી પોતાની પત્નિ જાગૃતિ સાંગાણી બે સંતાન હેત્વી (ઉ.૯) તથા જયદેવ (ઉ.૭)ને લઇ ભુજના વેકરા રામપર ગામે ભાવેશ વિરજીભાઇ કેરાઇ સાથે ગેરકાયદેસર રીતે રહેવા જતી રહી હોઇ તે કારણે પોતાને ત્રાસ સહન કરવો પડતો હોવાનું જણાવી કાર્યવાહી કરવા માંગણી કરી છે.

વિપુલ સાંગાણીએ લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે મારા લગ્ન ૧૫/૨/૦૯ના રોજ લોધીકા મુકામે જાગૃતિ સાથે થયા છે.  સંતાનમાં પુત્રી હેત્વી અને પુત્ર જયદે છે. લગ્ન બાદ અમે રાજકોટ રહેતાં હતાં. થોડા દિવસો જાગૃતિ સરખી રીતે રહી હતી. એ પછી નાની નાની વાતે તકરાર ચાલુ કરી હતી. પરિવારજનો સાથે પણ ઝઘડા શરૂ કર્યાહતાં. રાત્રે મોડા સુધી જાગવું અને મોબાઇલ-ટીવીમાં જ સમય પસાર કરવો તેનો ક્રમ બની ગયો હતો. હું કંઇ કહુ તો આપઘાતની ધમકી આપવા માંડી હતી.

ઝઘડા વધી ગયા હતાં અને સાથે રહેવું શકય ન લાગતાં હું મારા પિતાશ્રીના ઘરે જતો રહ્યો હતો. એ પછી ૨૦૧૮માં અમે બધા કચ્છ ભુજના રામપર વેકરા ગામે અમારા કુટુંબીભાઇ સહિતની સાથે ફરવા ગયા હતાં. ત્યારે અમારા ફુવા મનજીભાઇનો પુત્ર ભાવેશ પણ સાથે હતો. તે વખતે મારી પત્નિ અને ભાવેશ વચ્ચે પરિચય થયો હતો. ત્યારબાદ સંક્રાતના તહેવાર વખતે અમે પત્નિ-બાળકો સાથે ફુવાના ઘરે રામપર વેકરા ગયા હતાં અને બે ત્રણ દિવસ રોકાયા હતાં. એ વખતે ભાવેશ અને જાગૃતિ વધુ પરિચયમાં આવ્યા હતાં.

છેલ્લે ૧૧/૬/૨૦૧૯ના રોજ સવારે નવેક વાગ્યે મારી પત્નિ બાળકો સાથે ગુમ થઇ ગઇ હતી. તે સુરત ઉનાળા વેકેશમાં સગાને ત્યાં આટો મારવાનું કહીને ગઇ હતી. છેલ્લે મારા કુટુંબીભાઇ હસમુખભાઇ સાંગાણી કે જે સુરત રહે છે ત્યાંથી ૧૧/૫ના ગુમ થઇ જતાં અમે સુરત કામરેજ પોલીસમાં નોંધ કરાવી હતી. તપાસ કરતાં મારી પત્નિ કચ્છના વેકરા રામપરમાં ભાવેશ કેરાઇ સાથે રહેતી હોવાની ખબર પડી હતી. ભાવેશ અપરિણીત છે. તેણે પ્રલોભન આપી મારી પત્નિને ફસાવી છે. બંને ગેરકાયદેસર રીતે સાથે રહેતાં હોઇ અમારે હેરાન થવું પડે છે. આ બાબતે તપાસ કરવા અમારી રજૂઆત છે. તેમ અંતમાં વિપુલ સાંગાણીએ લેખિત ફરિયાદમાં જણાવ્યું છે.

(1:28 pm IST)