Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

ખાનગી કોલેજો-યુનિવર્સિટીમાં છાત્રો વગર સુપડા સાફ..!

રોજગારી - પદવી પ્રમાણે પગારનો અભાવ... એન્જીનીયરીંગ કોર્ષમાં મોં છૂપાવતા છાત્રો : ૨૮ ખાનગી યુનિવર્સિટી, ૧૧૫ કોલેજોમાં ૭૬૭૩૮ બેઠકો... સરકારી કોલેજોની ૧૨૮૩૫ બેઠકો... ખાનગી કોલેજમાં ૬૦૨૪૮ બેઠકો માટે ૧૨૭૦૪ પ્રવેશ મેળવે તેવી સ્થિતિ... છાત્રોને આકર્ષવા સ્કોલરશીપ, ટ્રાન્સપોર્ટેશન સહિત અનેક લોભામણી સ્કીમો મુકી અનેક કોલેજો તો વેન્ટીલેટર ઉપર મુકાવાની ભીતિ

રાજકોટ, તા. ૨૨ :. છેલ્લા કેટલાક સમયથી મહદઅંશે મોટા ભાગના ક્ષેત્રોમાં રોજગારીનો અભાવ જોવા મળે છે. મહામહેનતે મેળવેલી પદવી અને શિક્ષણ બાદ લાયકાત પ્રમાણે પગાર ધોરણ ન મળતા વિદ્યાર્થીઓ અને વાલીઓની હાલાકી વધે છે, ત્યારે ખાસ કરીને ઈજનેરી અભ્યાસક્રમની તો જાણે માઠી બેઠી હોય તેમ આ વર્ષે કલ્પનાતિત સંખ્યા ખાલી રહે તેવી સ્થિતિ નિર્માણ પામી છે.

ગુજરાત રાજ્યમાં હાલ ૨૮ ખાનગી યુનિવર્સિટીઓ અને ૧૧૫ કોલેજો આવેલી છે. તેમા ૭૬૭૩૮ બેઠકોની કેપેસીટી છે. જેમાં સરકારી કોલેજોમાં ૧૨૮૩૬ બેઠકો છે. ખાનગી કોલેજોમાં ૬૦૨૪૮ અને સરકારી ૬૪૨ બેઠકો આવેલી છે. જેમાં ટોકન દરે માત્ર નજીવી ફી લેવામાં આવશે.

જેમાં ૨૦૧૯-૨૦ના શૈક્ષણિક વર્ષમાં ૩૩૮૦૪ વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે રજીસ્ટ્રેશન કરાવેલ છે. તેથી ગુજરાતની ૪૨૯૩૮ બેઠકો પ્રથમથી જ ખાલી રહેશે. હવે ૧૬૬૦ બેઠકો આર્કિટેકચર વિદ્યાશાખાની છે. ૬૦૦ વિદ્યાર્થીઓ ફાર્મસીમાં પ્રવેશ મેળવશે. જ્યારે બીએસસી અને ગુજરાત બહાર અભ્યાસ માટે જવાનો રેસીયો જોઈએ તો વધુ ૮૨૬૦ વિદ્યાર્થીઓની ઘટ આવે. હવે માત્ર ૨૫૫૪૦ વિદ્યાર્થીઓ પૈકી તોતીંગ ફી ભરવાના બદલે સરકારી કોલેજોમાં પ્રવેશ મેળવે તો ૧૨૮૩૬ બેઠકો ઉપર છાત્રો તેનો પ્રવેશ મેળવે. હવે ૬૦૨૪૮ ખાનગી કોલેજોની બેઠકોમાંથી ૧૨૭૦૪ વિદ્યાર્થીઓના પ્રવેશની રાહમાં ખાનગી કોલેજોના સંચાલકો છે.

ખાનગી કોલેજોમાં આમ તો મોટા ભાગની કોલેજોમાં સુવિધાઓનો અભાવ હોય છે. લાયકાત વગરના શિક્ષકોની સંખ્યા નોંધપાત્ર હોય છે. પ્રયોગ શાળા અને તેમા સાધનો પણ ઓછા હોય ઉપરાંત ૪ વર્ષના અભ્યાસક્રમ બાદ પણ પસંદગીની રોજગારીની આશા ઓછી રહે છે.

ખાનગી કોલેજોને અને યુનિવર્સિટીની સંખ્યા  અન્ય રાજ્ય કરતા ખૂબ વધુ છે, ત્યારે આ વર્ષે મોટા ભાગની ખાનગી કોલેજો અને યુનિવર્સિટીમાં ઈજનેરી છાત્રો વગર સુપડા સાફ જેવી સ્થિતિ આકાર પામી છે. ખાનગી ઈજનેરી કોલેજોમાં હવે વિદ્યાર્થીઓને આકર્ષવા મોટી રકમની સ્કોલરશીપ, ટ્રાન્સપોર્ટેશન મફત સહિત અનેક સુવિધાઓ સહિત અનેક લલચામણી સ્કીમો બજારમાં મુકી છે

(1:27 pm IST)