Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

કોંગ્રેસની હિન્દુ વિરોધી નીતિ સામેના કડક વલણથી શ્યામાપ્રસાદજી વધુ લોકપ્રિય બન્યા હતા

નહેરૂ-ગાંધી રાજવંશી કોંગ્રેસને લગાતાર પરાજય સાથે નામશેષ કરી જનસંઘ- ભાજપના સ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખર્જીને શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સંપૂર્ણ બહુમતી સાથે વિજય અર્પણ કરી સાચું પિતૃતર્પણ કર્યું છેઃ રાજુભાઇ ધ્રુવ

રાજકોટ,તા.૨૧: ૨૩ જૂન, જનસંઘ - ભાજપનાં સ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે તેઓને હૃદયપૂર્વક શ્રદ્ઘાંજલિ પાઠવતાં ભાજપના સૌરાષ્ટ્ર-કચ્છના પ્રવકતા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, ડો. શ્યામાપ્રસાદ મુખર્જી એક પ્રખર શિક્ષણવિદ્દ, નિર્ભય રાષ્ટ્રનાયક, સ્પષ્ટ વકતા અને ખરા અર્થમાં ભારત માતાના મહાન સપૂત હતા. દેશમાં આંગળીના વેઢે ગણી શકાય એટલા સક્ષમ, બાહોશ અને મહાન વિચક્ષણ નેતાઓમાંના તેઓ એક હતા. ડો. શ્યામાપ્રસાદ મુખર્જી ૩૩ વર્ષની નાની ઉંમરે અંગ્રેજોનાં શાસનમાં પોતાની મેધાવી તેજસ્વીતાના કારણે કુલપતિ બન્યા હતા અને શિક્ષણક્ષેત્રે અનન્ય પ્રદાન કરી રહ્યા હતા પરંતુ પોતાની કામગીરી વધુ અસરકારક બનાવવા માટે પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાવું જરૂરી લાગતાં તેમણે ધારાસભાની ચૂંટણી લડીને સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો. તેઓ મુસ્લિમ લીગની મનમાની પરત્વે કોંગ્રેસની બેફિકરાઈ, ખુશામતખોરી અને પક્ષપાતી વલણ અને હિંદુવિરોધી માનસિકતા પસંદ ન આવતાં ધારાસભ્યપદેથી રાજીનામું આપી ફરી ચૂંટણી લડ્યા અને ચૂંટાઈ આવ્યા પછી ડો. મુખર્જી એક નવા જ રાષ્ટ્રવાદી અભિગમ સાથે રાજનીતિમાં પ્રવેશ્યા. નહેરૂ અને કોંગ્રેસ સરકારની હિંદુવિરોધી અને મુસ્લિમ તુષ્ટિકારણની અન્યાયકારી નીતિ સામેના કડક વલણથી શ્યામાપ્રસાદ મુખર્જી વધુ લોકપ્રિય બન્યા હતા.

રાજકીય કારકિર્દીનાં ચૌદ જ વર્ષમાં ડો. મુખર્જીએ અભૂતપૂર્વ કામગીરી બજાવી હતી. રાષ્ટ્રનાયક સરદાર પટેલનાં આગ્રહને મન આપી ભારતનું બંધારણ ઘડવામાં પણ તેમણે સંનિષ્ઠ સહયોગ આપ્યો. સ્વતંત્ર ભારતનાં પ્રથમ પ્રધાનમંડળમાં કેબીનેટ મંત્રી તરીકે વરણી પામ્યા અને મહાન શિક્ષણશાસ્ત્રી હોવા છતાં શિક્ષણ મંત્રી બનાવવાના બદલે ઉદ્યોગમંત્રી બનાવવા છતાં પદને અનુરૂપ સફળ કામગીરી પણ કરી. પરંતુ એ સમયગાળામાં પાકિસ્તાનમાં અલ્પસંખ્યક હિંદુઓનાં નરસંહારનાં મુદ્દે વડાપ્રધાન નહેરૂ સાથે ગંભીર મતભેદ થતાં શ્યામાપ્રસાદજીએ મંત્રીપદ ઠુકરાવી દીધું હતું. એ પછી આરએસએસના સરસંઘસંચાલક શ્રી ગુરૂજીની પ્રેરણાથી ડો. મુખર્જીએ ભારતીય જનસંદ્યની સ્થાપના કરી, જેના ફળસ્વરૂપ આજનો ભારતીય જનતા પક્ષ અસ્તિત્વમાં આવ્યો. ભૂતકાળનાં જનસંઘ અને આજનાં ભાજપનાં મૂળમાં જોવા મળતી રાષ્ટ્રવાદી હિન્દુત્વની વિચારધારાનાં સર્જક-વિચારક ડો. મુખર્જી છે.

આઝાદી સમય બાદ સરદાર વલ્લભભાઈ પટેલનાં અવસાન પછી  કાશ્મીરનો પ્રશ્ન વણસી ગયો હતો. પાકિસ્તાન અને જમ્મુ-કાશ્મીરમાં હિંદુ પ્રજા પર અમાનુષી અત્યાચાર શરૂ થઈ ગયો હતો. તે અટકાવવા ડો. શ્યામાપ્રસાદ મુખરજી કાશ્મીર ગયા, જયાં તેમની ધરપકડ કરવામાં આવી. ૪૦ દિવસના જેલવાસ દરમિયાન ડો. શ્યામાપ્રસાદ મુખર્જીનું ભેદી સંજોગોમાં ૨૩ જૂનનાં રોજ મૃત્યુ નીપજયું અને ભારતમાતાએ એક પ્રખર રાષ્ટ્રભકત, અત્યંત સાહસી અને દીર્ઘદ્રષ્ટા નેતા ગુમાવી દીધા. ભારતીય સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની વિચારધારા આધારિત દેશની એકતા, અખંડિતતા, બંધારણીય હક્કો અને લોકશાહીની રક્ષા કાજે જવાહરલાલ નહેરુ અને કોંગ્રેસ સામે ખુલ્લી છાતીએ વિરોધ કરનાર જો કોઈ પ્રથમ રાષ્ટ્રપુરુષ હોય તો તે ડો. શ્યામાપ્રસાદ મુખર્જી છે. રાષ્ટ્રવાદ અને દેશહિત માટે પોતાના પ્રાણનું બલિદાન આપીને ડો. શ્યામાપ્રસાદ મુખર્જીએ પોતાની મહાનતાને અમર કરી છે. ડો. શ્યામાપ્રસાદ મુખર્જી ભારતીય લોકશાહી અને અસ્મિતા માટે કાશ્મીરમાં જઈ શહીદ થનાર સ્વતંત્ર ભારતીય રાજકારણનાં પ્રથમ યોદ્વા છે. ડો. શ્યામાપ્રસાદ મુખર્જી માટે સત્ત્।ા કરતા પણ લોકહિત અને રાષ્ટ્ર સન્માન મહત્વનાં હતા.

ઈ.સ. ૧૯૫૧માં શ્યામાપ્રસાદ મુખર્જીનાં નેતૃત્વમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંદ્યનાં દ્વિતીય સરસંચાલક ગુરૂજીની પ્રેરણાથી જનસંઘની સપના કરવામાં આવી હતી. ત્યારબાદ ઈ.સ. ૧૯૫૩માં શ્યામાપ્રસાદ મુખર્જીનાં કાશ્મીર બચાવો આંદોલન દરમિયાન જેલવાસ અને શંકાસ્પદ રાજકીય હત્યા બાદ ખરા અર્થમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયે જનસંઘનો કાર્યભાર સંભાળ્યો. તેમણે જનસંઘનો સંગઠનાત્મક અને વૈચારિક પાયો નાખી દેશને એક શુદ્ધ રાષ્ટ્રવાદી સંગઠનની ભેટ આપી. આ બંને વિરાટ વિભૂતિઓની છત્રછાયામાં શ્રી અટલ બિહારી વાજપાઈ અને લાલકૃષ્ણ અડવાણીજી મૂલ્યગત નૈતિક રાજનીતિના પાઠ શીખ્યા. રાષ્ટ્રવાદ, એક ભારત, શ્રેષ્ઠ ભારત અને સામાજીક ભાઈચારાની વિચારધારાને આજે કેન્દ્રમાં ભાજપ સરકારના વડાપ્રધાન શ્રી નરેદ્રભાઈ મોદી અને ગુહમંત્રી શ્રી અમિતભાઈ શાહ તેમજ રાજયમાં ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આગળ વધારી રહ્યા છે. તેમ શ્રી રાજુભાઈ ધ્રુવએ યાદીના અંતમાં જણાવ્યું છે.

(11:43 am IST)