Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

જબરૂ જમીન કૌભાંડઃ જીઇબીના નિવૃત એન્જિનીયરની ઘંટેશ્વરની ૧ા કરોડની જમીન બારોબાર વેંચાઇ ગઇ!

માતાના અવસાન પછી વારસા સર્ટિફિકેટ મેળવી રેવન્યુમાં એન્ટ્રી પડાવવા ગયા ત્યારે કૌભાંડની ખબર પડીઃ કૌભાંડીયાઓએ કાવત્રુ ઘડી યોગેન્દ્રભાઇ કે. પટેલના સદ્દગત માતુશ્રી આનંદીબેન પટેલના નામે કોઇ મહિલા પાસે સહીઓ કરાવી બોગસ દસ્તાવેજો બનાવી લીધા!: યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યોઃ યોગીનગરના શૈલેષ બોરીચા, માળીયાના માજી નેમલચંદ જુગલચંદ અને આમરણના વિરમ થારૂકીયા તથા અજાણી મહિલા તેમજ તપાસમાં ખુલે તે તમામને શોધતી પોલીસ

રાજકોટ તા. ૨૨: શહેરમાં વધુ એક જબરૂ જમીન કૌભાંડ બહાર આવ્યું છે. કાલાવડ રોડ ન્યુ કોલેજવાડીમાં રહેતાં જીઇબીના નિવૃત એકઝીકયુટિવ એન્જિનીયરના અવસાન પામેલા માતુશ્રીના નામની ઘંટેશ્વરમાં આવેલી આશરે ૧ા કરોડની જમીનના કૌભાંડીઓએ બોગસ દસ્તાવેજો ઉભા કરી બારોબાર વેંચી નાંખતા ચકચાર જાગી છે. નિવૃત એન્જિનીયરના સદ્દગત માતુશ્રીના નામે કોઇ મહિલાને ઉભા કરી  કૌભાંડીઓએ કાવત્રુ રચી આ ખેલ પાડ્યો હતો. તેઓ પોતાના નામે જમીનનું વારસા સર્ટિફિકેટ મેળવ્યા બાદ રેવન્યુ રેકર્ડમાં એન્ટ્રી પડાવવા ગયા ત્યારે આ જમીન બારોબાર વેંચાઇ ગયાની ખબર પડી હતી.

યુનિવર્સિટી પોલીસે આ બારામાં કાલાવડ રોડ પર ન્યુ કોલેજવાડી-૨માં સામ્રાજ્ય ટેનામેન્ટમાં રહેતાં જીઇબીના નિવૃત એકઝીકયુટિવ એન્જિનીયર  યોગેન્દ્રભાઇ કંચનલાલ પટેલ (ઉ.૬૨)ની ફરિયાદ પરથી રૈયા ચોકડી પાસે યોગીનગર-૩માં રહેતાં શૈલેષ ગાંડુભાઇ બોરીચા, માળીયા મિંયાણાના માજી નેમલચંદ જુગલચંદ, જોડીયા આમરણના વિરમ પ્રાગજીભાઇ થારૂકીયા તથા આનંદીબેન કંચનલાલ પટેલનું નામ ધારણ કરનાર અજાણી મહિલા તેમજ તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૧૨૦-બી મુજબ કાવત્રુ રચી બોગસ દસ્તાવેજો ઉભા કરી સરકારી રેકર્ડ પર તેનો ઉપયોગ કરી કરોડોની મિલ્કત પોતાના નામ જોગ કરાવી લઇ ખોટા સોંગદનામાને આધારે મૃત વ્યકિતના નામ જોગ ખોટી સહીઓ કરી કિંમતી મિલ્કત પચાવી પાડવાનો ગુનો નોંધ્યો છે.

યોગેન્દ્રભાઇ પટેલે ફરિયાદમાં જણાવ્યું છે કે હું હાલ નિવૃત જીવન ગાળુ છું. ૨૦૧૫માં હું જીઇબીમાંથી નિવૃત થયો છું. અમે બે ભાઇઓ છીએ, જેમાં હું મોટો છું. મારાથી નાના ભાઇ દેવેન્દ્રભાઇ છે. એક બહેનનું નામ સુસ્મિતાબેન છે, જે અમેરિકા રહે છે. મારા પિતાજીનું સને-૨૦૧૭માં અવસાન થયું છે. મારા માતુશ્રી આનંદીબેન કંચનલાલ પટેલ તા. ૨૯/૧૦/૯૮ના રોજ ઉત્તર પ્રદેશ રાજ્યના ભરતપુર ગામ ખાતે અવસાન પામ્યા છે.  મારા માતુશ્રીના નામે રાજકોટ તાલુકાના ઘંટેશ્વર ગામના રે.સ.નં. ૩૭ના પ્લોટ નં. ૫૯ની જમીન ૪૮૭-૦૦ ચોરસ મીટર જે આશરે ૫૮૫-૦૦ ચોરસ વારની આવેલી છે. આ જમીન મારા માતુશ્રીને તા.૦૮-૦૧-૧૯૬૪ના રોજ ૧ નંબરની બૂકના નંબર ૧૦૬, વો.૩૫૧થી ખરીદ કરી હતી.

યોગેન્દ્રભાઇએ ફરિયાદમાં આગળ જણાવ્યું છે કે મેં ૭/૬/૧૯ના રોજ અરજી આપી હતી. તેના સંબંધે લખાવું છું કે મારા માતુશ્રી આનંદીબેન પટેલ ૧૯/૧૦/૯૮ના રોજ યુપીના ભરતપુર ગામ ખાતે અવસાન પામ્યા છે. તેમના નામે રાજકોટ ઘંટેશ્વરમાં જમીન છે. હાલ આ જગ્યા અમારા કબ્જામાં છે. મારા માતુશ્રીનું અવસાન થયા પછી અમે આ મિલ્કતનું રાજકોટની અદાલત મારફત દી.પ.અ. નં. ૫૦૫/૧૮થી વારસા સર્ટિફિકેટ મેળવ્યું છે. આજથી ત્રણેક મહિના પહેલા હું રેવન્યુ રેકર્ડમાં એન્ટ્રી પડાવવા જતાં ખબર પડી હતી કે શૈલેષ ગાંડુભાઇ બોરીચા નામની વ્યકિતએ દસ્તાવેજ નં. ૪૮૫૨, તા. ૨૬/૭/૧૬ના રોજ આ મિલ્કત ખરીદ કરી છે!

જેથી મેં માહિતી અધિકાર હેઠળ તમામ દસ્તાવેજોની નકલોની માંગણી કરતાં મને ૧૫/૫/૧૯નો રોજ દસ્તાવેજની નકલો મળી હતી. આ નકલો જોતાં શૈલેષ ગાંડુ બોરીચા (રહે. રૈયા રોડ યોગીનગર)ના નામ જોગ માજી નેમલચંદ જુગલચંદ (મુ. માળીયા તા. જોડીયા) અને વિરમ પ્રાગજીભાઇ થારૂકીયા (રહે. મુ. આમરણ તા. જોડીયા)ની હાજરીમાં અમારા માતુશ્રી આનંદીબેન પટેલનું અવસાન થઇ ગયું હોવા છતાં કોઇ મહિલાને ઉભી કરી અમારી મિલ્કત લેનારે કોઇપણ જાતની ખરાઇ કર્યા વગર તથા મિલ્કત વેંચનારના ઓળખા અંગેના આધાર પુરાવા મેળવ્યા વગર મળતીયાઓ દ્વારા બોગસ અને ખોટી સહીઓ કરી શૈલેષ બોરીચાએ બોગસ દસ્તાવેજ ઉભો કરી તેની સરકારી રેકર્ડ પર નોંધ કરાવી દસ્તાવેજ બનાવી લીધાની ખબર પડી હતી.

આમ અમારી માલિકીના પ્લોટનો અમારા માતુશ્રી અવસાન પામ્યા હોવા છતાં તેના નામે કોઇ મહિલાને ઉભા કરી કાવત્રુ રચી બોગસ બનાવટી સહીઓ કરી બોગસ દસ્તાવેજો ઉભા કરી અમારી કરોડોની જમીન-મિલ્કત પચાવી પાડવામાં આવી છે. આ કૌભાંડકારોએ મૃત વ્યકિતના નામ જોગ ખોટી સહિઓ કરી અમારી મિલ્કત  પચાવી પાડી છે. અમે પ્રોબેટની નોંધ પડાવવા જતાં અમારી કરોડોની જમીનના બારોબાર દસ્તાવેજ કરી વેંચી નાંખવામાં આવ્યાની ખબર પડી હતી.

યુનિવર્સિટીના પી.આઇ. એ.એલ. આચાર્ય, જે. પી. મેવાડા, ગિરીરાજસિંહ જાડેજા સહિતે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(11:41 am IST)