Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

વિમલનગર-ગુંજન પાર્ક રોડના મોટા સ્પીડ બ્રેકરથી અકસ્માતનો ભય

દરરોજ અસંખ્ય વાહનોની અવરજવરવાળા રસ્તા ઉપરનાં સ્પીડ બ્રેકર ઉંચા હોવાથી નીચા કરવા માંગણીઃ કોર્પોરેશન અને પોલીસ તંત્ર તાત્કાલીક નિરાકરણ લાવે

રાજકોટ તા.૨૨: રાજકોટ શહેરમાં મોટા-મોટા સ્પીડબ્રેકર વાહનચાલકો માટે માથાના દુઃખાવા રૂપ છે. આવા સ્પીડબ્રેકરોના કારણે જીવલેણ કે નાના-મોટા અકસ્માત થાય છે ત્યારે રાજકોટ શહેરના વોર્ડ નં.૧૦ માં આવેલા વિમલનગર ગુંજનપાર્ક મેઇન રોડ ઉપરના ૨ મોટા સ્પીડબ્રેકરના કારણે વાહનચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહયો છે. આ ઉપરાંત વિમલનગર મેઇન રોડ શેરીનં. ૨ બગીચા રોડ ઉપર પણ ત્રણ મોટા સ્પીડબ્રેકરો બનાવાયા છે જે વાહનચાલકો માટે માથાના દુઃખાવારૂપ છે.

 

શહેરના આલાપ સેન્ચ્યુરી સોસાયટી પાછળ તથા પુષ્કરધામ સોસાયટી પાછળ આવેલા વિમલનગર મેઇન રોડ ઉપર ગુંજનપાર્ક સોસાયટીનાં ગેઇટ પાસે તથા રાજા રામ મોહનરાય સ્કૂલના ગેઇટ પાસે બે મોટા સ્પીડબ્રેકર બનાવવામાં આવ્યા છે. આ સ્પીડબ્રેકરની સાઇઝ પહોળી છે અને સામાન્ય સ્પીડબ્રેકર કરતાં તે ઉંચા પણ છે જેના કારણે અહીથી પસાર થતાં નાના વાહનચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહયો છે.સ્પીડબ્રેકરની ઉંચાઇ વધુ હોવાથી બાઇક જેવા નાના વાહનચાલકોને ટેકરા ઉપરથી પસાર થવું પડતુ હોય તેવો અહેસાસ થાય છે અને વાહનસાથે ગબડી પડવાનો પણ ભય રહે છે.

વિમલનગર ગુંજનપાર્ક મેઇન રોડ તેમજ બગીચાવાળા રોડ ઉપર વાહનવ્યવહારની અવર-જવર ખૂબ જ રહે છે. અને આવી સ્થિતિમાં કોઇપણ ગંભીર અકસ્માત સર્જાય તેવી ભીતી સેવાઇ રહી છે.વિમલનગર અને ગુંજનપાર્ક મેઇન રોડ ઉપર માત્ર આ બે જ મોટા સ્પીડબ્રેકર આવેલા છે ત્યારે કોર્પોરેશન અને પોલીસ તંત્ર લોકોના હિતમાં આ મહાકાય સ્પીડબ્રેકર દુર કરવા અને તેની જગ્યાએ આ ટ્રાફીકથી સતત ધમધમતા રોડ ઉપર નાના-નાના સ્પીડ બ્રેકર બનાવે તે જરૂરી છે.

વિમલગનર ચોકમાં વારંવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે જેથી આ ચોકમાં ચારેય રસ્તા ઉપર ચાર નાના સ્પીડબ્રેકર બનાવવા લોક માંગ ઉઠી છે.

થોડા દિવસો પહેલા રાજકોટના રૈયા રોડ ઉપર સ્પીડ બ્રેકરના કારણે મહિલાનું મોત થયું હતું ત્યારે આડેધડ બનાવવામાં આવતા સ્પીડબ્રેકર ગતિને મર્યાદામાં રાખવાને બદલે અકસ્માત સર્જાય તે પહેલા તંત્ર જાગે તે ઇચ્છનીય છે. (૧.૨)

(4:27 pm IST)