Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

સાધુ બન્યા શૈતાન

૫૧ રૂપરડી માટે બે બાવાએ પટેલ મહિલાની હત્યા કરી

લેઉવા પટેલ જયશ્રીબેન અશોકભાઇ સાવલીયા (ઉ.૩૬)ને ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા પણ દમ તોડી દીધોઃ આટકોટના પાંચવડા ગામે બનાવઃ માંગવા આવેલા બે સાધુએ પહેલા રૂ. ૧૦૦ માંગ્યા, પછી ૫૧ આપવાની જીદ કરીઃ મહિલાએ આનાકાની કરતાં માથામાં બોથડ ઘા ફટકારી ભાગી ગયાઃ હત્યાથી ત્રણ સંતાન મા વિહોણા થતાં અરેરાટીઃ બંને હત્યારાને ઝડપી લેવા નાકાબંધી કરાવાઇ : મહિલાએ કહ્યું-લોટ લઇ જાવ, સાધુએ કહ્યું-લોટ નથી લેતાં, રોકડા જ લઇએ છીએ...રકઝક બાદ માથામાં ઘા ફટકારી ભાગી ગયા

હત્યાનો ભોગ બનેલા જયશ્રીબેન સાવલીયાનો નિષ્પ્રાણ દેહ અને વિગતો જણાવતાં તેમના પતિ અશોકભાઇ સાવલીયા

 

રાજકોટ તા. ૨૨: જસદણના આટકોટ તાબેના પાંચવડા ગામે એક ચોંકાવનારી ઘટના બની છે. ભિક્ષાવૃતિ કરવા માટે આવેલા બે સાધુ શૈતાન બન્યા છે. લેઉવા પટેલ મહિલાના ઘરે ડેલી ખોલીને ઘુસી ગયેલા આ બંને સાધુએ મહિલા પાસે પહેલા ૧૦૦ રૂપિયા માંગી બાદમાં ૫૧ રૂપિયા તો આપવા જ પડશે તેમ કહી રકઝક કરતાં મહિલાએ બંનેને બહાર નીકળવાનું કહેતાં ઉશ્કેરાઇ જઇ માથામાં કોઇ બોથડ પદાર્થના ઘા ઝીંકી ભાગી ગયા હતાં. ગંભીર ઇજાગ્રસ્ત આ મહિલાએ રાજકોટ હોસ્પિટલમાં દમ તોડી દેતાં બનાવ હત્યામાં પરિણમ્યો છે. શૈતાન બનેલા બંને સાધુને પકડી લેવા પોલીસે નાકાબંધી કરાવી હતી.

ઘટનાની જાણવા મળેલી માહિતી મુજબ પાંચવડા ગામમાં જીવાપર રોડ પર રહેતાં જયશ્રીબેન અશોકભાઇ સાવલીયા (ઉ.૩૬) નામના લેઉવા પટેલ મહિલા અને તેની બે દિકરીઓ અકશા (ઉ.૧૬) તથા પાયલ (ઉ.૧૨) સવારે સાડા નવેક વાગ્યે ઘરે એકલા હતાં ત્યારે ધોતીયા-ઝભ્ભા પહેરેલા બે સાધુ ડેલી ખોલી અંદર ઘુસી આવ્યા હતાં અને જયશ્રીબેન પાસે રૂ. ૧૦૦ માંગ્યા હતાં. તેણીએ પૈસા નથી લોટ લઇ જાવ, તેમ કહેતાં આ સાધુએ અમે લોટ નથી લેતાં, રોકડા જ લઇએ છીએ તેમ કહી ભારે રકઝક શરૂ કરી હતી અને છેલ્લે ૧૦૦ નહિ તો ૫૧ રૂપિયા તો આપવા જ પડશે તેમ કહી લપ શરૂ કરી હતી.

જયશ્રીબેને બંનેને માથાકુટ નહિ કરવા અને પૈસાને બદલે લોટ જોઇતો હોય તો લઇ જવા કહેતાં બંને ઉશ્કેરાઇ ગયા હતાં અને ઝઘડો કરી કોઇ બોથડ પદાર્થના માથામાં બે-ત્રણ ઘા ફટકારી ભાગી ગયા હતાં. બનાવની જાણ દિકરીએ પિતા, મોટા બાપુ સહિતને કરતાં બધા વાડીએથી ઘરે દોડી આવ્યા હતાં અને જયશ્રીબેનને પ્રથમ જસદણ હોસ્પિટલે અને બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલાએ જસદણ પોલીસને જાણ કરી હતી.

હત્યાનો ભોગ બનનાર જયશ્રીબેનના પતિ અશોકભાઇ લાલજીભાઇ સાવલીયા ખેતી કરવા ઉપરાંત હીરા ઘસવાનું કામ કરે છે. તેને બનાવની વિગતો તેની દિકરીએ જણાવી હતી. ઘટના સમયે ઘરે જયશ્રીબેન અને બે દિકરીઓ જ હતાં. સોૈથી નાનો પુત્ર મોહિત (ઉ.૧૨) શાળાએ ગયો હતો. દિકરીએ જણાવ્યું હતું કે બંને બાવાએ ધોતીયા અને કેસરી જેવા ઝભ્ભા પહેર્યા હતાં અને મોઢા પર કાળી ભભૂત કે મેંશ ચોપડી હોય તેમ લાગતું હતું. બંને ગુજરાતી ભાષા જ બોલતાં હતાં. તેણે શેનાથી હુમલો કર્યો તે ખબર નથી.

પીએસઆઇ શ્રી એ. વી. જાડેજા અને ટીમે રાજકોટ પહોંચી ભોગ બનનારના પતિ સહિતના પરિવારજનો પાસેથી માહિતી મેળવી ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી. બંને બાવા બાઇક પર ભાગ્યાની પ્રાથમિક માહિતી મળતાં નાકાબંધી કરાવાઇ હતી. સાધુએ હત્યા કર્યાના બનાવથી જસદણ પંથકમાં ચકચાર મચી ગઇ છે. (૧૪.૧૦)

(4:14 pm IST)
  • રેસ-૩ની ૧ સપ્તાહની કમાણી ૧૫૦ કરોડની નજીકઃ ૬ દિવસમાં ૧૩૮ કરોડની કરી કમાણીઃ હવે કમાણીની રેસ પર બ્રેક લાગે તેવી વકી access_time 3:34 pm IST

  • RBIએ બેંકોને ચેતવીઃ ATMને ઠીકઠાક કરો નહિતર કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહોઃ વ્હેલીતકે અપગ્રેડ કરવા તાકીદઃ વીન્ડો એકસ્પી અને જુની એપ્લીકેશન પર કામ કરતા એટીએમ હજુ કેમ બદલાવ્યા નથી? ઉઠાવ્યો સવાલ access_time 3:35 pm IST

  • સાપુતારામાં વરસાદ : સાપુતારા અને સાપુતારાના ઘાટ ઉપર સતત વરસાદ ચાલુ હોવાનું જાણવા મળે છે access_time 9:38 pm IST