Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

બાવળિયા જુથ ભાજપમાં જોડાય તો જિલ્લા પંચાયતમાં નવાજુનીઃ પ્રમુખની ખુરશી પર ખતરો સંભવ

બાવળિયા જુથના દસેક સભ્યો છે તે ખાટરિયાનો સાથ છોડી દયે અને બાકીના એટલા અસંતુષ્ટોનો સાથ મેળવી શકે તો પ્રમુખ પદને સીધો પડકારઃ કારોબારીની રચનામાં પણ કસોટીઃ જો અને તો આધારીત અટકળોનો દોર

રાજકોટ, તા. ૨૨ :. જસદણના કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયાએ પાર્ટી સામે નારાજગી વ્યકત કરતા તેઓ રાજકીય નવાજૂની સર્જે તેવી અટકળો થવા લાગી છે. જો ચર્ચાતી વાતો મુજબ તેઓ ભાજપમાં જોડાય તો તેની સીધી અસર જિલ્લા પંચાયતના રાજકારણ પર પડશે. બાવળિયાએ પોતે કોંગ્રેસ છોડવા બાબતે સ્પષ્ટ એકરાર કે ઈન્કાર ન કર્યો હોવાથી રાજકીય નવાજૂનીની અટકળને વેગ મળ્યો છે. જો તેમનુ જુથ ભાજપમા જોડાય તો જિલ્લા પંચાયતના રાજકીય સમીકરણોમા ધરખમ ફેરફારો આવશે. બાવળિયા જુથના સભ્યો પક્ષપલ્ટાના સંજોગોમાં તેમની સાથે રહે તો જિલ્લા પંચાયતમાં ખાટરીયા જુથ સામે મોટો પડકાર ઉભો થઈ જશે.

જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના ૩૪ સભ્યો ચૂંટાયેલા છે. જેમાં રાજકોટ, જસદણ અને વિંછીયા તાલુકામાં ૯ કોળી સમાજના સભ્યો છે. તે ઉપરાંત અન્ય એક પાટીદાર સભ્ય પણ આ જુથમાં જ ગણાય છે. બાવળીયા જુથનું સંખ્યા બળ દસેક સભ્યોનું છે. તેમાથી કોંગ્રેસ છોડવા કેટલા સભ્યો તૈયાર થાય ? તે કહેવુ અત્યારે વહેલુ છે પરંતુ પક્ષપલ્ટાના સંજોગોમાં પણ જો બાવળિયાનો સાથ નિભાવે તો કોંગ્રેસની તોતિંગ બહુમતી તુટી શકે તેમ છે. દસેક સભ્યો બાવળિયા જુથના છે. બે સભ્યો ભાજપના છે. કોંગ્રેસના બે મહિલા સભ્યો પ્રમુખની ચૂંટણી વખતથી ખુલ્લેઆમ સામે આવ્યા છે. આ આંકડો ૧૪ જેટલો થાય છે. ઉપરાંત કોંગ્રેસમાં ખાટરિયા જુથ સિવાયના બીજા આઠેક સભ્યો અસંતુષ્ઠ મનાય છે. જો આ બધા ભેગા થઈ જાય તો બે દિવસ પહેલા જ પંચાયત પ્રમુખ તરીકે ચૂંટાયેલા અલ્પાબેન અર્જુનભાઈ ખાટરીયાની ખુરશી પર ખતરો સર્જાય શકે છે. ધારાસભ્ય કક્ષાનું ઓપરેશન સફળ થાય તો જિલ્લા પંચાયતમાં પ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત લાવી સત્તાપલ્ટો કરાવવા સુધીની કલ્પના ભાજપના વર્તુળો કરી રહ્યા છે. પ્રમુખને હટાવવા માટે બે તૃતિયાંશ એટલે કે ઓછામાં ઓછા ૨૪ સભ્યોના સમર્થનની જરૂર રહે છે.

પ્રમુખની ચૂંટણી વખતે અસંતુષ્ઠોના ધમપછાડા અને ભાજપના ભરપૂર પ્રયાસો છતા બાવળીયા જુથ ખાટરીયા જુથની સાથે રહ્યુ છે. સામાન્ય સભામાં તમામ ૩૨ સભ્યોએ સર્વાનુમતે પ્રમુખ - ઉપપ્રમુખને ચૂંટી કાઢયા છે. રાજકારણમાં કોઈ સમીકરણ કાયમી હોતા નથી. ભાજપે જસદણ પંથકથી શરૂ કરવા ધારેલ રાજકીય ઉથલપાથલની સીધી અસર રાજકોટ જિલ્લા પંચાયતમાં થઈ શકે છે. જો બાવળીયાને ખેડવવાના ભાજપના પ્રયાસો નિષ્ફળ જાય તો જિલ્લા પંચાયતમાં ખાટરીયા જુથ મજબુતાઈથી શાસનમાં આગળ વધી શકે છે. અત્યારે તો જો અને તો આધારીત અટકળો થઈ રહી છે.(૨-૨૧)

(4:07 pm IST)
  • જમ્મુ કાશ્મીરના ત્રાલમાં આતંકીઓએ કર્યો ગ્રેનેડ હુમલો : હુમલામાં ૮ જવાન ઘાયલ થયા છે : સુરક્ષાબળોએ સમગ્ર વિસ્તારને ઘેરીને આતંકીઓ સામે કાર્યવાહી ચાલુ કરી હોવાનું જાણવા મળે છે access_time 4:44 pm IST

  • સુરતના અઠવા વિસ્તારમાં જુગારની ક્લબમાં ડીજી વિજિલન્સનો સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને દરોડો ;પીઆઇ કે કે ઝાલાને સસ્પેન્ડ કરાયા :પોલીસ કમિશનરના આકરા પગલાંથી બેડામાં ફફડાટ :પીઆઇ ઝાલા અગાઉ રાજકોટમાં એસઓજી સહિતના પોલીસ મથકોમાં અનેક મહત્વની કામગીરી બજાવી ચુક્યા છે access_time 12:55 am IST

  • રેસ-૩ની ૧ સપ્તાહની કમાણી ૧૫૦ કરોડની નજીકઃ ૬ દિવસમાં ૧૩૮ કરોડની કરી કમાણીઃ હવે કમાણીની રેસ પર બ્રેક લાગે તેવી વકી access_time 3:34 pm IST