Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

હનુમાન મઢી પાછળ રંગ ઉપવનના ગેઇટ પાસે નશાખોરોએ આતંક મચાવ્‍યોઃ ભરવાડ યુવાન ભરત પર પાઇપના ઘા

ભરત ગાણોલીયાના આર.ઓ. પ્‍લાન્‍ટ પાસે નશો કરી સોહિલ જેમ તેમ બોલતો હોઇ તેની પત્‍નિને ભરત જાણ કરવા જતાં સોહિલ અને તેનો ભાઇ ઇરફાન તૂટી પડયાઃ પોલીસે રાતોરાત એક શખ્‍સને સકંજામાં લઇ લીધો : ઘટના બની તેનાથી નજીક પરિશ્રમ પ્રોવિઝન અને સંડેરી ડેરી નજીક પણ ત્રાસ : અંધારૂ થતાં જ નશેડીઓ, જૂગારીઓ અડ્ડો જમાવે છેઃ પીઆઇ જી. એમ. હડીયા આકરી કાર્યવાહી કરે તેવી લોકલાગણી

રાજકોટ તા. ૨૧: રૈયા રોડ પર હનુમાન મઢી પાછળ રંગ ઉપવન સોસાયટીથી હિરામનનગર તરફ જવાના રસ્‍તા પર અને આ સ્‍થળની સામેની સાઇડ આવેલા આર.ઓ. વોટરના પ્‍લાન્‍ટ નજીક સાંજ ઢળતાં જ નશેડીઓ, જૂગારીઓ સહિતના આવારા તત્‍વો રસ્‍તા વચ્‍ચે જ ટુવ્‍હીલર, બાઇક રાખી અડ્ડો જમાવી ઉભા રહેતાં હોઇ તેમજ એલફેલ બોલતાં રહેતાં હોઇ રસ્‍તેથી પસાર થતી બહેન દિકરીઓની હાલત કફોડી જાય છે. આવા જ એક નશાખોરે ગત રાતે આર. ઓ. પ્‍લાન્‍ટના સંચાલક ભરવાડ યુવાને તે નશો કરી એલફેલ બોલતો હોઇ આ બાબતે એ શખ્‍સના પત્‍નિને ભરવાડ યુવાન વાત કરવા જતાં એ શખ્‍સે પોતાના ભાઇ સાથે મળી લોખંડના પાઇપથી હુમલો કરી ભરવાડ યુવાનને લોહીલુહાણ કરી નાંખતા હોસ્‍પિટલમાં ખસેડાતાં પોલીસે ગુનો નોંધી એકને સકંજામાં લીધો છે.
જાણવા મળ્‍યા મુજબ રૈયા રોડ હનુમાન મઢી પાછળ ન્‍યુ રંગઉપવનમાં રહેતો અને રંગ ઉપવનના ગેઇટ નજીક આર. ઓ. પ્‍લાન્‍ટ ધરાવતો વેપારી યુવાન ભરતભાઇ સામતભાઇ ગાણોલીયા (ભરવાડ) (ઉ.વ.૨૩) રાતે સાડા દસેક વાગ્‍યે દેવ આર. ઓ. પ્‍લાન્‍ટ પાસે હતો ત્‍યારે સોહિલ અને તેના ભાઇ ઇરફાને કપાળ પર પાઇપ જેવા બોથડ પદાર્થનો ઘા ફટકારી દઇ લોહીલુહાણ કરી મુકતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ગાંધીગ્રામ પોલીસમાં જાણ કરતાં એએસઆઇ જયસુખભાઇ હુંબલે ભરતભાઇની ફરિયાદ પરથી ગુનો નોંધ્‍યો હતો. પીઆઇ જી. એમ. હડીયાએ રાતે જ આ બંનેને પકડવા ટીમ મોકલી હતી પરંતુ બંને ભાગી ગયા હતાં.
ભરતભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું હતું કે આર.ઓ. પ્‍લાન્‍ટ નજીક સોહિલ અવાર-નવાર નશો કરી જેમતેમ બોલતો હોઇ ગત રાતે આ બાબતે સોહિલની પત્‍નિને પોતે ફરિયાદ કરવા જતાં અને પતિ સોહિલને સમજાવવાનું કહેવા જતાં સોહિલ અને તેના ભાઇ ઇરફાને આવી જઇ હુમલો કરી દીધો હતો. આ કારણે કપાળમાં ફુટ થઇ હતી અને વાંસાના ભાગે પણ મુંઢ માર મારવામાં આવ્‍યો હતો.
હુમલાને પગલે મોટી સંખ્‍યામાં વિસ્‍તારના રહેવાસીઓ ભેગા થઇ ગયા હતાં. ઘાયલ ભરતભાઇને તુરત હોસ્‍પિટલે ખસેડવા તજવીજ કરી હતી. વિસ્‍તારના રહેવાસીઓમાં ફરિયાદ ઉઠી છે કે જ્‍યાં ઘટના બની એ સ્‍થળથી સામેની બાજુએ રંગઉપવનથી હિરામનનગર તરફ જવાના રસ્‍તા પર સંડેરી ડેરી અને પરિશ્રમ પ્રોવિઝન સ્‍ટોર નજીક પણ સાંજ થતાં જ નશેડીઓ, જૂગારીઓ અને બીજા આવારા તત્‍વો અડ્ડો જમાવીને બેસી જાય છે.
લોકોની ફરિયાદ મુજબ ઘણીવાર તો રસ્‍તાની વચ્‍ચો વચ્‍ચ પોતાના વાહનો રાખીને રહેવાસી બહેન દિકરીઓ, વાહનચાલકોને રીતસર અડચણરૂપ બને છે. કોઇ તેને સાઇડમાં વાહનો રાખવાનું કહે તો ગાળો સાંભળવી પડે છે અથવા ઝઘડાનો સામનો કરવો પડે છે. લોકો ફરિયાદ કરતાં પણ ડરે છે. અગાઉ પણ આ સ્‍થળે પોલીસે જૂગારના દરોડા પાડીને જૂગારીઓને પકડયા હતાં. લોકોની ફરિયાદ મુજબ રાતે તો ઠીક દિવસે પણ અમુક શખ્‍સો અડ્ડો જમાવીને બેઠા રહે છે. મોડી રાત સુધી અહિ માદક પદાર્થ અને નશીલા પીણાઓની મહેફીલ ખુલ્લેઆમ જામતી રહે છે. ગાંધીગ્રામના પીઆઇ જી. એમ. હડીયા આ બનાવને ગંભીરતાથી લઇ લોકોની ફરિયાદ સંદર્ભે કડક કાર્યવાહી કરી રહેવાસીઓને કાયમી ત્રાસમાંથી મુક્‍ત કરાવે તેવી માંગણી થઇ રહી છે.

 

(11:59 am IST)