Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

લોકડાઉન બાદ પ્રથમ વખત ૪ જુન આસપાસ કારોબારી : સભ્યો વચ્ચેનું 'અંતર' જાળવી રખાશે

કોરોના સે ડરો ના, જનતા કા કાર્ય બંધ રખો ના

રાજકોટ, તા. રર : જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક ત્રણેક મહિનાના વિરામ બાદ તા. ૪ જુના આસપાસ મળનાર છે. પંચાયતના વર્તુળોના જણાવ્યા મુજબ કારોબારી અધ્યક્ષ કે.પી.પાદરિયા તરફથી ૪ જુને કારોબારી બેઠક યોજવા માટે વહીવટી તંત્રને વિધિવત નોંધ મળી ગઇ છે. આજ સાંજ સુધીમાં એજન્ડા બહાર પાડવાની શકયતા છે. જો આજે એજન્ડા બહાર ન પડે તો આવતીકાલથી ૩ દિવસની રજા છે. આવા સંજોગોમાં કારોબારીની બેઠક બે-ત્રણ દિવસ પાછી ઠેલાઇ શકે છે. અત્યારે તો ૪ જુનને ધ્યાને રાખી વહીવટી તંત્ર દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે.

પંચાતયમાં રપ માર્ચે લોકડાઉનની અસલ લાગુ પડી તે પૂર્વે એકાદ મહિને બેઠક મળી હતી. કોરોનાની લાંબા સમયની પરિસ્થિતિનાં કારણે કારોબારી બેઠક મળી ન શકતા વહીવટી મંજુરીના ઘણા કામો ભેગા થયા છે. હવે લોકડાઉન બાદ પ્રથમ વખત કારોબારી બેઠક મળવાનું નક્કી થઇ રહ્યું છે. એજન્ડા લોકડાઉનનાં અત્યારના ચરણમાં બહાર પડશે અને કારોબારી બેઠક  લોકડાઉનના હવે પછીના ચરણમાં અથવા લોકડાઉન મુકિતના સમયમાં ૪ જુન અથવા તેની નજીકના દિવસોમાં મળે તેવી સંભાવના છે. બેઠક મળે ત્યારે સોશ્યલ ડિસ્ટન્સીંગ સહિતની બાબતો ધ્યાને રાખવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે પંચાયતની સામાન્ય સભા પણ સાડા ત્રણ મહિનાથી વધુ સમયથી મળી શકી નથી. પરિસ્થિતિ થાળે પડતા જુનમાં સામાન્ય સભા પણ બોલાવવાનું પદાધિકારીઓ વિચારી રહ્યા છે. પંચાયતને લાગતી કામગીરીમાં આવનારા દિવસોની કોરોનાની પરિસ્થિતિ મોટી અસરકર્તા બનશે.

(3:44 pm IST)