Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

વિધવાઓને સહાય અંગે ઉઠેલી ફરિયાદો બાબતે કલેકટરે રીપોર્ટ મંગાવ્યો : બપોરથી ત્રણેય મામલતદારો સાથે બેઠક

રાજકોટ શહેર - જિલ્લામાં ૨૨ હજાર વિધવાઓને મે મહિનાના નાણા જમા થઇ ગયા છે : કલેકટરે મહિલા - બાળ વિકાસ અધિકારી જનકસિંહને તપાસ સોંપી : સાંજે રીપોર્ટ આપશે

રાજકોટ તા. ૨૨ : રાજકોટ શહેરની ૬૦ થી ૭૦ વિધવા મહિલાઓ ગઇકાલે માસિક મળતી સહાય ૭ થી ૮ મહિનાથી જમા નથી થઇ. ૩-૩ મહિનાથી ફોર્મ ભર્યા - મંજૂર થવા છતાં સહાય નથી મળીની ફરિયાદો સાથે પૂર્વ મામલતદાર કચેરીએ દોડી આવ્યા હતા.

આ ઉઠેલા વિરોધ - ફરિયાદો અંગે અખબારોમાં અહેવાલો ચમકયા બાદ ગઇકાલે જિલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહને સમગ્ર અહેવાલ - રીપોર્ટ મહિલા - બાળ વિકાસ અધિકારી શ્રી જનકસિંહ ગોહેલ પાસે મંગાવ્યો છે.

કલેકટરની સુચના બાદ શ્રી જનકસિંહે આજે બપોરે ૧ વાગ્યાથી શહેરના ત્રણેય મામલતદારોની મીટીંગ યોજી છે, જેમાં તમામ વિગતો બાદ કલેકટરને સાંજે રીપોર્ટ કરશે.

દરમિયાન બાળ - મહિલા વિકાસ અધિકારી શ્રી જનકસિંહે 'અકિલા'ને જણાવેલ કે, રાજકોટ શહેર - જિલ્લામાં ૨૨ હજાર વિધવાઓને મે સુધીની સહાય ચૂકવાઇ ગઇ છે, તેમજ કલેકટરશ્રીની સૂચના બાદ પોસ્ટ ખાતા સાથે સંકલન સાધી વિધવાઓને ઘરે - ઘરે માસિક સહાય મળી જાય તેવી પણ વ્યવસ્થા કરાઇ હતી.

તેમણે ઉમેર્યું હતું કે, ગઇકાલે જે મહિલાઓ આવ્યા હતા, તેમાં ઘણા ખરા એવું પણ બની શકે કે બેંક - પોસ્ટ ખાતા ન ખૂલ્યા હોય અને સહાય ન મળી હોય, તેમજ અન્ય પણ કારણો હોય, આજે મીટીંગ બાદ સાચી વિગતો જાણી શકાશે.

(2:57 pm IST)