Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

શહેરમાં ૧૫૦૦થી વધુ મકાનો જર્જરીતઃ ચોમાસામાં પડી ન જાય તે માટે રીપેરીંગ કરાવવા મકાન માલિકોને નોટીસ ફટકારતુ કોર્પોરેશન

સામાકાંઠાના હાઉસીંગ બોર્ડ કવાર્ટરોમાં સૌથી વધુ ૧૨૦૦ જેટલા મકાનો જર્જરીત હોય હાઉસીંગ બોર્ડને પણ નોટીસ ફટકારાઈઃ જૂના રાજકોટના ૩૨૪ જેટલા પડુ-પડુ થઈ રહેલા મકાનોને પણ નોટીસ ફટકારાઈઃ ચોમાસા પૂર્વે તંત્ર દ્વારા ભૂગર્ભ ગટરના મેઈન હોલ, વરસાદી પાણી નિકાલની પાઈપલાઈનો, વાલ ચેમ્બરોની ઘનિષ્ઠ સફાઈ શરૃઃ પ્રિ-મોન્સુન એકશન પ્લાનની વિગતો જાહેર કરતા મ્યુ. કમિશ્નર બંછાનિધી પાની

રાજકોટ, તા. ૨૨ :. આગામી ચોમાસા દરમિયાન શહેરમાં પૂર અને વાવાઝોડા તેમજ ભારે વરસાદની સ્થિતિમાં જાનમાલને ઓછુ નુકશાન થાય તે માટે મ્યુ. કમિશ્નર બંછાનિધી પાની દ્વારા પ્રિ-મોન્સુન એકશન પ્લાન બનાવાયો છે. જે અંતર્ગત શહેરની ૧૫૦૦થી વધુ જર્જરીત ઈમારતોના મકાન માલિકોને નોટીસો ફટકારવામાં આવી છે. આ ઉપરાંત શહેરની ભૂગર્ભ ગટરોના મેઈન હોલ, વરસાદી પાણી નિકાલની પાઈપલાઈન અને વાલ્વ ચેમ્બરો વગેરેની સાફસફાઈ, રીપેરીંગ સહિતની કામગીરી ઘનિષ્ઠ રીતે હાથ ધરાયાનું કમિશ્નરશ્રીએ જણાવ્યુ હતું.

આ અંગે કમિશ્નરશ્રીએ જાહેર કરેલ આંકડાકીય વિગતો મુજબ શહેરના સેન્ટ્રલ ઝોન એટલે કે જૂના રાજકોટમાં અત્યંત જર્જરીત એવા ૩૨૪ મકાનોના માલિકો અને કબ્જેદારોને નોટીસ આપવામાં આવી છે. આ ઉપરાંત સામાકાંઠા વિસ્તારમાં હાઉસીંગ બોર્ડના ૧૨૦૦ જેટલા કવાર્ટરો અત્યંત જર્જરીત હોય આ બાબતે હાઉસીંગ બોર્ડના ઉચ્ચ અધિકારીને નોટીસ ફટકારાઈ છે. આ નોટીસમાં જણાવાયુ છે કે, ચોમાસામાં આ જર્જરીત મકાનો તૂટી પડવાની પુરેપુરી દહેશત છે ત્યારે આ તમામ મકાનો ચોમાસા પૂર્વે રીપેરીંગ કરાવી લેવા. જ્યારે શહેરમાં સેન્ટ્રલ ઝોનમાં ડ્રેનેજના ૧૧૬૧ મેઈન હોલ સાફ કરી નાખવામાં આવ્યા છે. વરસાદી પાણી નિકાલના ૯૪૭ મેઈન હોલની સફાઈ થઈ છે. જ્યારે વેસ્ટ ઝોનમાં વરસાદી પાણી નિકાલના ૨૫૬૭ મેઈન હોલની સફાઈ થઈ છે તથા ૨૫૩ વાલ્વ ચેમ્બરો સાફ કરાઈ છે અને સામાકાંઠે પૂર્વ ઝોનમાં ૨૧૯૮ ડ્રેનેજ મેઈન હોલ સાફ કરાયા છે.

(4:11 pm IST)