Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

હોસ્પિટલ ચોકમાં દલિત સમાજના ચક્કાજામ બાદ ટોળા વિખેરાયા

માણેકવાડાના વણકર યુવાન રાજેશ પરમારની હત્યામાં તાકીદે ન્યાયની માંગણી સાથે ટોળુ રોડ પરઃ ચારેય બાજુના રસ્તા બંધઃ ૨૪ કલાકમાં માંગણી ન સ્વીકારાય તો ગુજરાતભરમાં ચક્કાજામ : ડીસીપી મનોહરસિંહ જાડેજા, એડી. કલેકટર પંડ્યા હોસ્પિટલ ચોકમાં પહોંચ્યાઃ પોલીસના ધાડેધાડાઃ વાહનો અન્ય રસ્તાઓ પર ડાયવર્ટ કરાયા : ૨૪ કલાકમાં માંગણીઓ નહિ સ્વીકારય તો ગુજરાતભરમાં ચક્કાજામ

રાજકોટઃ કોટડા સાંગાણીના માણેકવાડા ગામના ૧૯ વર્ષના વણકર યુવાન રાજેશ (રાજૂ) નાનજીભાઇ પરમારની  દરબાર શખ્સોએ હત્યા કર્યાની ઘટનાના દલિત સમાજમાં ઘેરા પડઘા પડ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકના સ્વજનોને દિલાસો આપવા માટે મોટી સંખ્યામાં દલિત સમાજના રાજકોટ અને કોટડા સાંગાણીના આગેવાનો, લોકો ઉમટી પડ્યા હતાં અને જ્યાં સુધી પોલીસ તપાસને લગતી માંગણીઓ લેખિતમાં સ્વીકારવામાં ન આવે અને ન્યાયી કાર્યવાહી ન થાય ત્યાં સુધી લાશ નહિ સ્વીકારવાનો નિર્ણય કરાયો હતો. તેમજ બાદમાં આગેવાનો, કાર્યકરોનું ટોળુ હોસ્પિટલ ચોકમાં રોડ પર આવી ગયું હતું અને ચક્કાજામ કરતાં હોસ્પિટલ ચોકના ચારેય તરફના રસ્તાઓ બંધ થઇ જતાં વાહન વ્યવહાર અટકી પડ્યો હતો. વાહનોને અન્ય તરફ ડાયવર્ટ કરાવવાની પોલીસને ફરજ પડી હતી.

મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વિરોધ પક્ષના નેતા અને દલિત સમાજનાં નેતા વશરામભાઇ સાગઠીયાની આગેવાનીમાં  હોસ્પિટલ ચોકમાં મોટી સંખ્યામાં દલિત સમાજના લોકોએ ચક્કાજામ કર્યા હતાં તેમજ સુત્રોચ્ચાર કર્યા હતાં. રાજેશની હત્યા સંદર્ભે પોલીસ સમક્ષ પાંચ જેટલી માંગણીઓ મુકવામાં આવી છે. જે માંગણીઓ સ્વીકારવાની પોલીસ લેખિતમાં ખાત્રી આપે તેવી માંગણી કરવામં આવી છે. પોલીસના ધાડેધાડા હોસ્પિટલ ચોકમાં ઉતરી પડ્યા છે અને વાતાવરણને શાંત પાડવા પોલીસ તંત્ર તથા કલેકટર તંત્રએ પ્રયાસો હાથ ધર્યા છે. તસ્વીરમાં હોસ્પિટલ ચોકમાં ચારેય તરફના રસ્તાઓ પર વાહનોની કતારો જામી ગઇ હતી તે દ્રશ્યો તથા દલિત સમાજના આગેવાનો, લોકો તથા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, હથીયારધારી જવાનોનો કાફલો જોઇ શકાય છે. ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એડીશનલ કલેકટરશ્રી પંડ્યા  દલિત સમાજના લોકોને સમજાવતાં પણ જોઇ શકાય છે.

ચોવીસ કલાક સુધીમાં માંગણીઓ સ્વીકારાશે નહિ તો ગુજરાતભરમાં ચક્કાજામ થશે અને ત્યાં સુધી લાશ સ્વીકારમાં આવશે નહિ તેવો નિર્ણય કરી ચક્કાજામ પુરા કરાયા હતાં.  (ફોટોઃ સંદિપ બગથરીયા) (૧૪.૧૬)

શું છે માંગણીઓ?

. અગાઉ રાજેશના પિતા નાનજીભાઇ પરમાર કે જે આરટીઆઇ એકટીવિસ્ટ હતાં તેમની હત્યા થઇ હતી ત્યારે એસસીએસટી સેલના ડીવાયએસપી શ્રુતિ મેડમે તપાસ કરી હતી, આ કેસની તપાસ એ ન કરવા જોઇએ, એના સિવાય ગોંડલ ડીવાયએસપી ભરવાડ કે બીજા કોઇને તપાસ સોંપવી.

. રાજેશની હત્યામાં પોલીસની ભુમિકા શંકાસ્પદ હોઇ તેની સામે પણ તપાસ કરી પગલા લેવા

. આરોપીઓને તાકીદે પકડી લેવા અને તેની રિમાન્ડ બધાની સામે જ લેવામાં આવે, આકરી પુછતાછ કરવામાં આવે.

. રાજેશના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ ફોરેન્સિક નિષ્ણાંતોની પેનલ દ્વારા કરવું અને તેમાં કુટુંબના એક વ્યકિતને હાજર રાખવા તેમજ વિડીયો રેકોર્ડિંગ કરવું.

જ્યાં સુધી આ માંગણીઓ નહિ સ્વીકારાય ત્યાં સુધી લાશ નહિ સ્વીકારીએ તેમ  જણાવાયું હતું.

(4:05 pm IST)