Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

યુપીના યુવાનની હત્યાનો ભેદ ખુલ્યોઃ નામીચા દિનેશે ગાળ આપતાં રામક્રિપાલે લાફો મારતાં હત્યા થઇ!: ત્રણ ઝડપાયા

ચોરી, મારામારી, લૂંટ, આર્મ્સ એકટ સહિતના ૧૫ ગુનામાં સામેલ દિનેશ ઉર્ફ ટીનો વાળા, સાગ્રીતો કિશન પરમાર અને ઇમ્તિયાઝ શેખની ધરપકડ : અગાઉ રામક્રિપાલ અને દિનેશ ઉર્ફ ટીનો બાજુ-બાજુમાં રહેતાં હોઇ બંને એકબીજાને ઓળખતા હતાં: નજીવી વાત હત્યા સુધી પહોંચી

હત્યાના ગુનામાં પકડાયેલી ત્રિપૂટી દિનેશ ઉર્ફ ટીનો વાળા, કિશન પરમાર અને ઇમ્તિયાઝ શેખ તથા પીએસાઇ ધાખડા, પીએસઆઇ ધાંધલીયા, પીએસઆઇ ઉનડકટ તથા ટીમ જોઇ શકાય છે (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૨: ગઇકાલે જંગલેશ્વર મેઇન રોડ પર બાપુનગર સ્મશાન પાસેથી જંગલેશ્વર એકતા કોલોનીમાં રહેતાં મુળ યુપીના રામક્રિપાલ ભગીરથ બર્મા (ઉ.૨૫)ની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. ભકિતનગર અને ક્રાઇમ બ્રાંચની ટીમે આ હત્યાનો ભેદ ઉકેલી નાંખી રીઢા ગુનેગારની છાપ ધરાવતાં નામચીન દિનેશ ઉર્ફ ટીનો જીવાભાઇ વાળા (ઉ.૨૭-રહે. જંગલેશ્વર), તેના સાગ્રીતો કિશન પુંજાભાઇ પરમાર (ઉ.૨૫-રહે. ખોડિયારપરા આંબેડકરનગર) તથા રિક્ષાચાલક ઇમ્તિયાઝ અનિશભાઇ શેખ (ઉ.૩૨-રહે. જંગલેશ્વર-૨૪)ને દબોચી લીધા છે. ટીનો અગાઉ ચોરી, મારામારી, લૂંટ, આર્મ્સ એકટ સહિતના ૧૫ જેટલા ગુનામાં સંડોવાઇ ચુકયો છે. તે અગાઉ રામક્રિપાલની બાજુમાં રહેતો હોઇ તેને ઓળખતો હતો. તેણે રિક્ષામાં જઇ રહેલા રામક્રિપાલને ગાળ દેતાં રામક્રિપાલે તેને જાપટ મારી દઇ કાંઠલો પકડતાં વાત વણસી હતી અને દિનેશ ઉર્ફ ટીના સાથે બેઠેલા કિશન પરમારે છરીનો ઘા ઝીંકી દીધો હતો. એ પછી આ બંને અને ઈમ્તિયાઝ ભાગી ગયા હતાં. નહિ જેવી બાબતમાં વાત હત્યા સુધી પહોંચી હતી.

પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા સોરઠીયા વે બ્રીજના આઇવે પ્રોજેકટના કેમેરા ચેક કરતાં એક રિક્ષાની ઝાંખી ઇમેજ દેખાઇ હતી. તેના આધારે તપાસ શરૂ થતાં બાતમી મળી હતી કે દિનેશ ઉર્ફ ટીનો વાળા અને કિશન પરમાર આ હત્યામાં સામેલ છે. દિનેશ ૧૫ ગુનામાં ટપોરીના લિસ્ટમાં સામેલ હોઇ તેને સાગ્રીત સાથે ઉઠાવી લીધા બાદ આકરી પુછતાછ થતાં હત્યાનો ગુનો કબુલી લીધો હતો. તેમજ રિક્ષાચાલક ઇમ્તિયાઝની પણ સંડોવણી ખુલતાં તેની પણ ધરપકડ કરી લેવાઇ હતી.

પોલીસની પુછતાછમાં દિનેશ ઉર્ફ ટીનાએ કબુલ્યું હતું કે પોતે અને સાગ્રીત કિશન બનાવની રાત્રે એકટીવા પર પસાર થઇ રહ્યા હતાં ત્યારે રિક્ષામાં ઇમ્તિયાઝ અને રામક્રિપાલ બાપુનગર પાસે મળી જતાં પોતે રામક્રિપાલને ઓળખતો હોઇ મજાક-મજાકમાં તેને ગાળ દીધી હતી. આથી રામક્રિપાલે ચાલુ રિક્ષાએ જ કાંઠલો પકડી થપાટ મારી દેતાં ઝઘડો થતાં પોતાની સાથે બેઠેલા કિશને છરી કાઢી રામક્રિપાલને ઘા ઝીંકી દીધો હતો. એ પછી  તેને ત્યાં જ લોહીલુહાણ મુકી ત્રણેય ભાગી ગયા હતાં અને રામક્રિપાલનું મોત નિપજ્યું હતું.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી મનોહરસિંહ જાડેજા, રવિકુમાર સૈની, એસીપી એચ.એલ. રાઠોડની રાહબરીમાં પી.આઇ. વી. કે. ગઢવી, પી.આઇ. આર. વાય. રાવલ, પીએસઆઇ પી.એમ. ધાખડા, પીએસઆઇ ડી. પી. ઉનડકટ, પીએસઆઇ ધાંધલ્યાની ટીમ તથા ભકિતનગરના પીએસઆઇ પી. બી. જેબલીયા, હેડકોન્સ. વિક્રમભાઇ ગમારા, નિલેષભાઇ મકવાણા, હિરેનભાઇ પરમાર, રણજીતસિંહ પઢારીયા,    મહેન્દ્રસિંહ ડોડીયા, સલિમભાઇ મકરાણી, ભાવેશભાઇ મકવાણા, દેવાભાઇ ધરજીયા, દિવ્યરાજસિંહ ઝાલા, રાજેશભાઇ ગઢવી, વાલજીભાઇ જાડા સહિતે આ ડિટેકશન કર્યુ હતું. હત્યામાં વપરાયેલી છરી અને રિક્ષા કબ્જે કરવામાં આવ્યા છે.

ભકિતનગર, ક્રાઇમ બ્રાંચ, એસઓજીની ટીમઓે ટેકનિકલ મદદ અને આઇવે પ્રોજેકટ હેઠળ લગાડવામાં આવેલા કેમેરા, સુરક્ષા કવચ એપ્લિકેશન, ટપોરી અને સ્ટ્રિીશીટરના એમસીઆરના લિસ્ટની મદદ લેવાઇ હતી. આવા ટપોરી બુટલેગર હિસ્ટ્રીશીટરના લેટેસ્ટ ફોટા સાથેની અધ્યતન માહિતી તેના સરનામા સાથે ગૂગલ મેપમાં પણ લોકેશન સ્વરૂપે અપાયેલ હોઇ તેનો પણ પોલીસે ઉપયોગ કર્યો હતો. જેથી આરોપીઓ ઝડપથી હાથમાં આવી ગયા હતાં.

પોલીસ કમિશનરે ડિટેકશન કરનાર ટીમને રૂ. ૧૫૦૦૦ રોકડ ઇનામની જાહેરાત કરી હતી.

(3:59 pm IST)