Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

શટર તોડી ચોરીઓ કરતો રિક્ષાચાલક અજય ઝડપાયોઃ સાગ્રીત અજયની શોધ

કેવલમ સામે કવાર્ટરમાં રહેતાં રજપૂત શખ્સે એક બાઇકની ચોરી તથા ત્રણ સ્થળે દૂકાનોમાં હાથફેરો કર્યાની કબુલાત

રાજકોટ તા. ૨૨: યુનિવર્સિટી પોલીસે રાત્રીના સમયે દૂકાનોના શટર લોખંડની પટ્ટી અને સળીયાથી તોડી ચોરી કરતાં શખ્સને દબોચી લીધો છે. આ શખ્સે   બીજી ત્રણ ચોરીઓ પણ કબુલી છે. તેના સાગ્રીતનું પણ નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

ડી. સ્ટાફની ટીમને બાતમી મળી હતી કે પુષ્કરધામ મેઇન રોડ પર કેવલમ્ સામે આરએમસી કવાર્ટર બ્લોક નં. ૩૫ રૂમ નં. ૧૭૯૧માં રહેતો રજપૂત શખ્સ અજય માધવસિંહ પરમાર (ઉ.૨૫) નામનો રિક્ષાચાલક દૂકાનોના શટર ઉંચકાવી ચોરી કરવાના ગુનામાં સંડોવાયેલો છે. આ બાતમીને આધારે તેને નંબર પ્લેટ વગરના બાઇક સાથે સકંજામાં લઇ પુછતાછ કરતાં ગલ્લા તલ્લા કર્યા હતાં. તેની પાસેથી મળેલા બાઇકના ચેસીસ નંબર પોકેટકોપ એપ્લીકેશનની મદદથી તપાસાતાં આ બાઇકતેણે તથા સાગ્રીત અજય જગદીશભાઇ નાયકાએ પચ્ચીસ દિવસ પહેલા ઢેબર રોડ પર અમરનાથ સોસાયટી રાજધાની ટ્રાન્સપોર્ટ પાસેથી ચોરી કર્યાનું કબુલતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

વિશેષ પુછતાછ થતાં અજયએ થોડા દિવસ પહેલા અજય નાયકા સાથે મળી જનકપુરી મેઇન રોડ, ચંન પાર્ક મેઇન રોડ, ટોપલેન્ડ રેસિડેન્સીમાં આવેલી દૂકાનોના શટર ઉંચકાવી ચોરીઓ કરી હોવાનું પણ કબુલ્યું હતું. આ મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં ત્રણ ગુના અને ભકિતનગર પોલીસમાં એક ગુનો નોંધાયો હતો.

પોલીસે અજય પરમારના સાગ્રીત અજય નાયકાની શોધખોળ હાથ ધરી છે. આ શખ્સ અગાઉ પણ ચોરીના ગુનામાં પકડાયો હતો અને પાસામાં ધકેલાયો હતો. ત્રણ મહિના પહેલા જ તે પાસામાંથી છુટ્યો છે.

ઝડપાયેલા અજય પાસેથી ૨૦ હજારનું બાઇક, ૧૦ હજારનું એલઇડી, પ હજારનું બીજુ એલઇડી, ૨ હજારનું ગ્રાઇન્ડર, ૨ હજારની પરચુરણ વસ્તુઓ તથા વિમલ પાનના બે ખાલી થેલા, રોકડા રૂ. ૧૦૦૦ મળી ૪૦,૦૨૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

પી.આઇ. એ.એલ. આચાર્યની રાહબરીમાં પીએસઆઇ એમ. વી. રબારી, હેડકોન્સ. હરેશભાઇ પરમાર, રાજેશભાઇ મિંયાત્રા, કોન્સ. રવિરાજસિંહ જાડેજા, કોન્સ. મુકેશ ડાંગર, પુષ્પરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, અજય ભુંડીયા, ટ્રા. બ્રિગેડ પારસ લોખીલ સહિતની ટીમે આ કામગીરી ડીસીપી મનોહરસિંહ જોજા અને એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં કરી હતી.

(3:58 pm IST)