Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

ઘરમાં ઘુસી બે મહિલાની છેડતીઃ ગાંધીગ્રામમાં લાખાબાપાએ લખણ ઝળકાવ્યા, બેડીપરામાં જયકિશન ભાન ભુલ્યો

ગાંધીગ્રામ પોલીસ અને બી-ડિવીઝન પોલીસે ગુના દાખલ કરી બંનેને સકંજામાં લઇ કાયદાનું ભાન કરાવ્યું

રાજકોટ તા. ૨૨: શહેરમાં જુદા-જુદા બે વિસ્તારમાં બે શખ્સોએ ઘરમાં ઘુસી મહિલા-પરિણિતાની છેડતી કરી હતી. આ મામલે ગાંધીગ્રામ પોલીસ અને બી-ડિવીઝન પોલીસે ગુના દાખલ કરી ૬૫ વર્ષના કાળીપાટના વૃધ્ધને અને ૨૮ વર્ષના ખત્રી શખ્સને બંનેને સકંજામાં લઇ કાયદાનું ભાન કરાવ્યું છે.

ગાંધીગ્રામ વિસ્તારનો બનાવ

ગાંધીગ્રામમાં રહેતાં ૩૪ વર્ષના રિક્ષાચાલકે કાળીપાટના લાખા સોમાભાઇ ચાંડપા (ઉ.૬૫) સામે આઇપીસી ૩૫૪ (ક), ૪૫૨ મુજબ ફરિયાદ નોંધાવી છે. યુવાનના કેહવા મુજબ પોતે રિક્ષા ચલાવે છે અને ખાણીપીણીનો ધંધો પણ કરે છે. તેના માતા અને પિતા હયાત નથી. તેના મોટા બેન કે જે ૫૦ વર્ષના છે તેમના પચ્ચીસ વર્ષ પહેલા છુટાછેડા થયા હોઇ તેની સાથે જ રહે છે. ગઇકાલે મંગળવારે સવારે પોતે રિક્ષાના ફેરા કરવા ગયો હતો. બપોરે અઢી વાગ્યે ઘરે આવ્યો ત્યારે મુખ્ય બારણુ ખુલ્લુ હતું. અંદર જોતાં અજાણ્યો વૃધ્ધ ૬૦ થી ૬૫ વર્ષનો જોવા મળતાં તેને કોણ છો? તેમ પુછતાં તે ગભરાઇ ગયો હતો. બહેન પણ હાજર હતાં, જે ગભરાઇ ગયેલી હાલતમાં હતાં. આ વૃધ્ધે પોતે પાણી પીવા આવ્યાનું કહ્યું હતું. પણ વર્તન શંકાસ્પદ જણાતાં પુછતાછ કરતાં અને દેકારો થતાં બીજા લોકો ભેગા થઇ ગયા હતાં.

એ પછી પડોશમાં રહેતાં તેના ભાભીએ આવીને કહ્યું હતું કે આ બાપા બે દિવસ પહેલા પણ આવ્યા હતાં અને રસોઇ કામ માટે બહેન જોઇએ છીએ તેવી વાતો કરી હતી. આ વૃધ્ધે પોતાનું નામ લાખાભાઇ સોમાભાઇ ચાંડપા (ઉ.૬૫-રહે. કાળીપાટ) હોવાનું અને બોલબાલામાં સિકયુરીટી તરીકે નોકરી કરતાં હોવાનું કહ્યું હતું. તે એકસેસ જીજે૩એફએન-૦૪૫૬ લઇને આવ્યા હોઇ તેના સહિત પોલીસ મથકે લઇ જવાયા હતાં.

 ફરિયાદી રિક્ષાચાલક યુવાને વધુમાં જણાવ્યું હતું કે તેના બહેન ઘરે એકલા હોઇ આ વૃધ્ધે ઘરમાં ઘુસી અડપલા કરી છેડતી કરી હતી. પીએસઆઇ વી. સી. પરમારે ગુનો નોંધી વૃધ્ધની અટકાયત કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.

બેડીપરા વિસ્તારનો કિસ્સો

છેડતીનો બીજો એક બનાવ બી-ડિવીઝન પોલીસ મથકમાં નોંધાયો છે. જેમાં ૨૪ વર્ષની પરિણીતાની ફરિયાદ પરથી બી-ડિવીઝન પોલીસે સામા કાંઠે રણછોડનગરમાં રહેતાં જયકિશન દર્શનભાઇ પડીયા (ખત્રી) (ઉ.૨૮) સામે આઇપીસી ૩૫૪ (એ) મુજબ ગુનો નોંધ્યો છે. તેણીએ ફરિયાદમાં જણાવ્યું છે કે મંગળવારે પોતે અને સાસુ ઘરે એકલા હતાં ત્યારે જયકિશન ગંજી અને બરમુડો પહેરીને આવ્યો હતો અને ધરાર વાતો કરી અભદ્ર ભાષાનો પ્રયોગ કરી ખરાબ માંગણી કરી તેણીને સ્પર્શ કરવા પ્રયાસ કરી છેડતી કરી હતી. તેણીએ દેકારો કરતાં બીજા લોકો ભેગા થઇ જતાં આ શખ્સને પકડીને પોલીસને સોંપાયો હતો. એએસઆઇ મિતલબા ઝાલા અને રાઇટર સંજયભાઇ કુમારખાણીયાએ ગુનો દાખલ કર્યો હતો.

પોલીસના કહેવા મુજબ અગાઉ ફરિયાદી પરિણીતાના દિયર સાથે જયકિશનને અગાઉ પરિચય હતો. પણ ઘણા સમયથી બંને એકબીજા સાથે બોલતાં નહોતાં. દરમિયાન જયકિશને ગઇકાલે ઘરે જઇ ભાન ભુલી છેડતી કરી હતી. વધુ તપાસ એએસઆઇ સુધાબેન અને વિરમભાઇ ધગલ ચલાવે છે.

(3:43 pm IST)