Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

જો તમે વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયા હોવ તો ૨૫મીએ લોક દરબારમાં પહોંચજો

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પ્રજાની વહારેઃ જોઇન્ટ પોલીસ કમિશનર, બે ડીસીપી, તમામ એસીપી અને તમામ પીઆઇ હાજર રહી વિગતો સાંભળશે

રાજકોટ તા. ૨૨: વ્યાજખોરી એવું દૂષણ છે જેમાં અત્યાર સુધીમાં અસંખ્ય લોકો મજબુરીવશ કે અન્ય કારણોસર ફસાઇ ચુકયા છે અને અમુક જીવ દેવા મજબૂર થયા છે. ત્યારે શહેર પોલીસ ફરી એક વખત વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઇ ગયા હોય તેવા પ્રજાજનોની વહારે આવી છે. શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આ માટે તા. ૨૫ના શનિવારે સવારે જ્યુબીલી બાગના અરવિંદભાઇ મણિયાર હોલ ખાતે લોક દરબારનું આયોજન કર્યુ છે. જેમાં સવારે ૧૦ થી બપોરના ૩ સુધી પ્રશ્નો સાંભળી નિરાકરણ કરવામાં આવશે.

આ લોક દરબારમાં જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી ઝોન-૧ રવિકુમાર સૈની, ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, તમામ એસીપી તથા તમામ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર્સ હાજર રહેશે. આ લોક દરબારમાં વ્યાજખોરીને લગતી સમસ્યાનું નિરાકરણ તેમજ આ બદીથી લોકોને મુકત કરવા અને વ્યાજખોરી સદંતર નાબૂદ કરવાની દિશામાં પગલા લેવાશે. કોઇપણ નાગરિકે વ્યાજને લગતી ફરિયાદ હોય અને અગાઉ પોલીસ કમિશનર કચેરી કે પછી જે તે પોલીસ મથકોમાં અરજી-ફરિયાદો કરી હોઇ અને તેમાં સંતુષ્ટ ન થયા હોય તો તેઓ કોઇપણ જાતના ભય વગર લોક દરબારમાં હાજર રહી પોતાની રજૂઆત કરી શકશે.

ફરિયાદ-અરજીનો બને ત્યાં સુધી સ્થળ પર જ નિકાલ કરવાની કાર્યવાહી થશે. શહેર પોલીસ ફસાયેલા નાગરિકોને તુરત ન્યાય મળે તેવી કામગીરી આ લોકદરબારમાં કરશે તેમ જણાવાયું છે. અગાઉ પણ આવા લોકદરબાર યોજાયા હતાં અને ધડાધડ અનેક ગુના દાખલ કરી ધરપકડો કરવામાં આવી હતી.

(3:42 pm IST)