Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

સિવિલ હોસ્પિટલની દવાબારીએ 'ચા કરતાં કિટલી ગરમ'જેવો માહોલઃ દર્દીઓમાં હાલાકી

તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતાની મહેનત પર પાણી ફેરવતાં અમુક કર્મચારીઓ : વૃધ્ધ-અભણ દર્દીઓને કઇ દવા કયારે લેવી તેના સ્ટીકર લગાવ્યા વગર દવા આપી દેવાય છેઃ કોઇ બીજીવાર પુછે તો તતડાવી નખાય છેઃ મુકેશ ખોયાણીની કલેકટરને રજૂઆત

રાજકોટ તા. ૨૨: સિવિલ હોસ્પિટલમાં દરરોજ શહેર અને સોૈરાષ્ટ્રભરમાંથી તેમજ બીજા જીલ્લાઓમાંથી સેંકડોની સંખ્યામાં દર્દીઓ આવે છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેડન્ડ ડો. મનિષ મહેતાની દેખરેખમાં તમામ દર્દીઓને સારવાર મળી જાય છે અને જરૂર હોય તેના ઓપરેશન પણ થઇ જાય છે. રડતાં આવતાં દર્દીઓ હસતા મોઢે જાય છે. પરંતુ શ્રી મહેતાની આ કામગીરી પર દવાબારીના અમુક કર્મચારીઓ પાણી ફેરવી રહ્યા છે. 'ચા કરતાં કિટલી ગરમ' જેવો માહોલ ઓપીડીની મુખ્ય દવાબારીએ દરરોજ સર્જાય છે.જીવદયા કાર્યકર મુકેશ ખોયાણીએ જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે ડો. મનિષ મહેતા સદાય દર્દીઓના હિતમાં કામ કરી રહ્યા છે. પરંતુ દવાબારીના અમુક સ્ટાફનું વર્તન એવું છે કે દર્દીઓ અને તેમના સ્વજનો ડઘાઇ જાય છે. અલગ-અલગ વિભાગમાં દર્દનું નિદાન કરાવી ડોકટર પાસે દવા લખાવીને દવા લેવા કતારમાં ઉભા રહેતાં દર્દીઓને દવા બારીએથી દવા આપતી વેળાએ દર્દીને કઇ દવા કઇ રીતે લેવી તેના જે તે દવા પર સ્ટીકર લગાવ્યા વગર જ આપી દેવામાં આવે છે. ભણેલા ગણેલા પણ ગોટે ચડી જાય ત્યારે અભણ દર્દીઓની હાલત વધુ કફોડી થઇ જાય છે. દર્દીઓ તબિબે લખી આપેલી અઠવાડીયા કે વધુ સમયની દવાનો જથ્થો લઇને આવે છે ત્યારે મુંજવણમાં મુકાઇ જાય છે કે કઇ દવા કયારે લેવી? સુપ્રિ. ડો. મનિષ મહેતાએ ખાસ સુચના આપી છે કે દર્દીઓને દવા અપાય ત્યારે તેને સમજાવી સ્ટીકર લગાવીને દવા આપવી. આમ છતાં કર્મચારીઓ આ હુકમને ઘોળીને પી ગયા છે. જેના કારણે દર્દીઓ હેરાન થઇ રહ્યા છે. અમુક વૃધ્ધ અને અભણ ગામડાના દર્દીઓ દવા કઇ રીતે લેવી? તે અંગે બીજી વાર પુછવા જાય તો તેની સાથે દવાબારીનો સ્ટાફ અયોગ્ય વર્તન કરે છે, તેને તતડાવી નાંખે છે.  દવાબારીના આવા સ્ટાફને સંબંધીતો સમજ આપે તે દર્દીઓના હિતમાં રહેશે. તેમ વધુમાં રજૂઆતમાં જણાવાયું છે.

(4:09 pm IST)