Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

વીરડા વાજડી આહીર સમાજનું ગૌરવ આભને આંબ્યુ : ધો.૧૦ માં મિલન હુંબલ ૯૯.૯૯ પી.આર. સાથે બોર્ડ ફર્સ્ટ

ડે ટુ ડે વર્કની વાંચન પધ્ધતીએ સફળતા અપાવી : ડોકટર બનવાની ઇચ્છા : યુ.પી.એસ.સી. અને જી.પી.એસ.સી. પરીક્ષાની અત્યારથી જ તૈયારી : પિતા ખેતીકામ કરે છે : અભ્યાસ સિવાય કબડ્ડી અને ચેસમાં પણ એટલો જ રસ

રાજકોટ તા. ૨૨ : ધોરણ ૧૦ નું પરિણામ જાહેર થતા જ રાજકોટની ભાગોળે આવેલ વીરડા વાજડી ગામમાં ખુશીના ઢોલ ધ્રબુકી ઉઠયા હતા. ગામના જ અને આહીર સમાજના રત્ન એવા મિલન દિનેશભાઇ હુંબલે ૯૯.૯૯ પી.આર. સાથે ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન હાંસલ કરતા ગ્રામજનો દ્વારા અદકેરૂ સન્માન કરાયુ હતુ.

'અકિલા' ખાતે સફળતા અંગેની વાતો વાગોળતા મિલને જણાવ્યુ હતુ કે હું પહેલેથી જ ઇનોવેટીવ સ્કુલમાં અભ્યાસ કરતો આવ્યો છે. જયાંના શિક્ષકોનું માર્ગદર્શન તેમજ મારા માતા પિતાના સલાહ સુચનો મને બરાબર કામ લાગ્યા છે. ડે ટુ ડે વર્ક અને મોટે ભાગે વહેલી સવારનો સમય હું વાંચન માટે પસંદ કરતો હતો. આગળ જઇને મને ડોકટર બનવાની ઇચ્છા છે. જો કે યુ.પી.એસ.સી. અને જી.પી.એસ.સી. પરીક્ષા પાસ કરવાની પણ એટલીજ તમન્ના છે. જે માટેની પૂર્વ તૈયારીઓ મેં કરી લીધી છે.

બી કોમ સુધીનો અભ્યાસ ધરાવતા અને ખેતી કામના વ્યવસાય સાથે સંકળાયેલા મિલનના પિતા દિનેશભાઇ હુંબલ (મો.૯૮૭૯૨ ૭૧૬૫૪) એ જણાવેલ કે મિલન પહેલેથી જ અભ્યાસમાં હોંશીયાર રહ્યો છે. ધો.૧ થી અત્યાર સુધી પ્રથમથી ત્રીજા નંબરે જ રહ્યો છે. સ્વભાવે ધીર ગંભીર મિલને મેળવેલ આ સિધ્ધી બદલ અમારો આખો પરિવાર ગૌરવ અનુભવે છે.ગણિત અને વિજ્ઞાનમાં ૯૯-૯૯ માર્કસ મેળવનાર મિલન હુંબલની આ સિધ્ધ બદલ ગુજરાત આહીર સમાજ, અખિલ ભારતીય યદુવંશી મહાસભાના આગેવાનો અને રાજકીય તેમજ સામાજીક આગેવાનોએ તેના પર અભિનંદવર્ષા કરી છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતો મિલન હુંબલ, તેના પિતા દિનેશભાઇ હુંબલ અને બાજુમાં યદુવંશી મહાસભાના હેમતભાઇ લોખીલ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:41 pm IST)