Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

કેવડાવાડી અને ગુંદાવાડીમાં પાણી ચોરી ઝડપાઇ : ૬ હજારનો દંડ

રાજકોટ તા.૨૨: ઉનાળામાં પાણીની માંગ વધુ હોય છે ત્યારે પાણી ચોરી અને પાણીનો બગાડ કરનારાઓને ઝડપી લઇ કિંમતી પાણી બચાવવા માટે મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ એકશન પ્લાન બનાવી ૧૮ વોર્ડમાં ૧૨૬ અધિકારીઓની અલગ અલગ ચેકીંગ સ્કવોડ બનાવી અને પાણી ચોરી તથા પાણી બગાડ કરનારાઓ પાસેથી રૂ. ૨૫૦થી રૂ. ૫૦૦૦ સુધીનો દંડ વસુલવાની જોગવાઇ કરી છે. જે અન્વેય  મ્યુ.કોર્પોરેશનની પાણી ચોરી અટકાવવાની ટીમ દ્વારા પાણી વિતરણનાં સમયે વોર્ડ નં.૧૪નાં કેવડાવાડી ને ગુંદાવાડી વિસ્તારમાં  ચેકીંગ કરવામાં આવ્યુ હતુ. આ ચેકીંગ દરમિયાન બે મકાનધારકો ડાયરેકટ ઇલેકટ્રીક મોટર મારફત પાણી ચોરી કરતા ઝડપાતા રૂ. ૬ હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.આ અંગે મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ વોર્ડ નં.૧૪ની વોટર ચેકીંગ સ્કવોડ દ્વારા કેવડાવાડી, ગુંદાવાડી, લક્ષ્મીવાડીમાં પાણી ચેકીંગ કરવામાં આવેલ અને કેવડાવાડી-૫માં થી ડાયરેકટ પમ્પીંગ દ્વારા કરવામાં આવતી પાણી ચોરી ઝડપી લેવામાં આવી હતી અને આસામી રાજુભાઇ વ્યાસ અને વજીબેન ભીખાભાઇ પાદરીયા પાસેથી ડાયરેકટ પમ્પીંગના દંડ પેટે રૂ. ૪૦૦૦ વસુલ કરવામાં આવેલ હતા તેમજ ગુંદાવાડી -૫ માંથી ડાયરેકટ પમ્પીંગ દ્વારા કરવામાં આવતી પાણી ચોરી ઝડપી લેવામાં આવી હતી અને આસામી પરસોતમભાઇ શિયાણી પાસેથી ડાયરેકટ પમ્પીંગના દંડ પેટે રૂ. ૨૦૦૦ વસુલ કરવામાં આવેલ હતા. આમ કુલ રૂ. ૬,૦૦૦ ડાયરેકટ પમ્પીંગના  દંડ પેટે  વસુલ કરવામાં આવેલ. ઉપરાંત આસપાસના વિસ્તારોમાં નાગરિકોને પાણી બગાડ ન કરવા તેમજ ડાયરેકટ પમ્પીંગ ન કરવા જાગૃત કરવામાં આવેલ હતા. આ સમગ્ર કાર્યવાહી ટીમ લીડર શૈલેશ મહેતા, ડેપ્યુટી એન્જીનીયર જી.જે.સુતરીયા, આર.જી.પટેલ, વોર્ડ ઓફીસર શ્રી આરતી નિમ્બાર્ક તેમજ આસી. એન્જીનીયર આર.આર.શાહ, સેનેટરી ઇન્સપેકટર  ડી.કે.વાજા અને ફીટર દિલીપ મિરાણી દ્વારા કરવામાં આવેલ હતી.

(3:38 pm IST)