Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

માણેકવાડામાં વણકર યુવાનને દરબાર શખ્સોએ રહેંસી નાંખ્યો

ગયા વર્ષે ૯-૩-૧૮ના રોજ આરટીઆઇ એકટીવિસ્ટ નાનજીભાઇની હત્યા બાદ હવે તેના પુત્રને પણ જુના ડખ્ખાને કારણે પતાવી દેવાયોઃ રાજકોટની વિરાણી સ્કૂલમાં ધો-૧૨માં ભણતો રાજેશ (રાજૂ) (ઉ.૧૯) રાત્રે મિત્ર મિલન પરમાર સાથે રાજકોટથી માણેકવાડા આવતો હતો ત્યારે બાપા સિતારામના મંદિર પાસે આંતરી યશપાલસિંહ, દિવ્યરાજસિંહ, ધર્મરાજસિંહ, મહેન્દ્રસિંહ સહિતના ધોકા-પાઇપ-તલવારથી તૂટી પડ્યાઃ મિલન જીવ બચાવી ભાગી ગયોઃ રાજેશે રાજકોટ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ રાજેશ પર હુમલો થતાં સાથેનો મિત્ર મિલન પરમાર જીવ બચાવી ભાગ્યો

હત્યાનો ભોગ બનેલા રાજેશ (રાજૂ)  સોંદરવાનો નિષ્પ્રાણ દેહ, તેના પગમાં ઘા ફટકારાતાં બંને પગ ભાંગી ગયા હતાં તે તથા તેનો ફાઇલ ફોટો અને નીચેની તસ્વીરમાં શોકમય માતા-ભાઇ તથા પોલીસ અધિકારીઓ અને મૃતકના સ્વજનો જોઇ શકાય છ (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨૨: કોટડાસાંગાણીના માણેકવાડામાં જુની અદાવતમાં વધુ એક લોથ ઢળી છે.ગયા વર્ષે આરટીઆઇ એકટીવિસ્ટ વણકર આધેડની દરબાર શખ્સોએ હત્યા કરી હતી. ત્યારથી ચાલતાં મનદુઃખમાં હવે અગાઉ હત્યાનો ભોગ બનેલા વણકર આધેડના ૧૯ વર્ષના પુત્રને દરબાર શખ્સોએ તલવાર, ધોકા, પાઇપના ઘા ફટકારી પતાવી દેતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો છે. હત્યાનો ભોગ બનનાર યુવાન રાજકોટ હોસ્ટેલમાં રહી વિરાણી હાઇસ્કૂલમાં ધોરણ-૧૨ સાયન્સમાં ભણતો હતો. હાલમાં વેકેશન હોઇ તેના વતન માણેકવાડા ગયો હતો. રાત્રે મિત્ર સાથે ટુવ્હીલરમાં રાજકોટ આવ્યો હતો અને ત્યાંથી પરત પોતાના ગામમાં પહોંચ્યો ત્યારે ગામના બાપા સિતારામના મંદિર પાસે જુના ડખ્ખાને કારણે દરબાર શખ્સોએ આંતરી હીચકારો હુમલો કરી બંને પગ ભાંગી નાંખ્યા હતાં. તેને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.

જાણવા મળ્યા મુજબ માણેકવાડા રહેતો રાજેશ (રાજુ) નાનજીભાઇ સોંદરવા (ઉ.૧૯) નામના વણકર યુવાનને મોડી રાતે પગ-શરીરે ઇજા થયેલી હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. મહેન્દ્રભાઇ પરમાર અને દિપસિંહ ચોૈહાણે કોટડા સાંગાણી પોલીસને જાણ કરી હતી. રાજેશે પોતાના પર યશપાલસિંહ, દિવ્યરાજસિંહ, ધર્મરાજસિંહ, હરદિપસિંહ, મહેન્દ્રસિંહ અને ત્રણ અજાણ્યા શખ્સોએ તલવાર, ધોકા, પાઇપથી હુમલો કર્યાનું જણાવતાં તે મુજબની એન્ટ્રી નોંધવામાં આવી હતી. જો કે સારવાર દરમિયાન વહેલી સવારે તેણે દમ તોડી દેતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો.

કોટડા સાંગાણીથી પીએસઆઇ કે. બી. સાંખલા સહિતનો સ્ટાફ રાજકોટ પહોંચ્યો હતો અને ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી. હત્યાનો ભોગ બનેલા રાજેશ (રાજૂ)ના માતા હસુબેન નાનજીભાઇ પરમારે વિગતો આપતાં જણાવ્યું હતું કે, 'મારા પતિ નાનજીભાઇ પરમાર ગામમાં આરટીઆઇ એકટીવિસ્ટ તરીકે કામ કરતાં હતાં. જે તે વખતે તેણે ગામમાં રોડ રસ્તા સહિતના પ્રશ્નો અંગે આરટીઆઇ કરતાં તે વખતે સરપંચની ચૂંટણીમાં ઉભેલા મહેન્દ્રસિંહ ભીખુભા જાડેજા સાથે માથાકુટ થતાં મહેન્દ્રસિંહ સહિતનાએ તા. ૯-૩-૧૮ના રોજ મારા પતિ નાનજીભાઇની હત્યા કરી હતી. આ ગુનાના છ આરોપીઓ હાલમાં જ જામીન પર મુકત થયા છે.'

હસુબેને વધુમાં જણાવ્યું હતું કે, 'મારા પતિની હત્યા પછી પણ મારા પુત્રો રાજેશ (રાજૂ) (ઉ.૧૯) અને અજય (ઉ.૧૮) સાથે દરબાર શખ્સો અવાર-નવાર અગાઉનું મનદુઃખ રાખી માથાકુટ કરતાં હતો. મોટો દિકરો રાજેશ કે જે રાજકોટ એમ. જી. હોસ્ટેલમાં રહી વિરાણી હાઇસ્કૂલમાં ધોરણ-૧૨ સાયન્સમાં ભણતો હતો તે હાલમાં વેકેશન હોવાથી માણેકવાડા ઘરે આવ્યો હતો. તે ગઇકાલે તેનું એકટીવા લઇ રાજકોટ કામ સબબ ગયો હતો. સાથે તેનો મિત્ર મિલન પરમાર પણ હતો. આ બંને રાત્રીના બારેક વાગ્યે પરત માણેકવાડા આવ્યા ત્યારે ગામના બાપા સિતારામ મંદિર પાસે તેને દરબાર શખ્સોએ આંતર્યા હતાં અને ધોકા-પાઇપ-તલવારથી હુમલો કર્યો હતો. મિત્ર મિલન જીવ બચાવી ભાગી ગયો હતો.'

હત્યાનો ભોગ બનેલા રાજેશના નાના ભાઇ અજયએ કહ્યું હતું કે-મારા ભાઇ પર હુમલો થયો ત્યારે તે દેકારો મચાવતો હોઇ તે વખતે પોલીસ નાઇટ પેટ્રોલીંગમાં નીકળતાં રાજેશનો અવાજ સાંભળી તે તરફ આવતાં હુમલાખોરો ભાગી ગયા હતાં. પોલીસે જ રાજેશને પહેલા કોટડા સાંગાણી હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને અમને જાણ કરી હતી. બાદમાં અમે રાજેશને રાજકોટ સિવિલમાં લાવ્યા હતાં. અહિ તેણે જ પોતાના પર જે શખ્સોએ હુમલો કર્યો તેના નામ આપ્યા હતાં. એ પછી તેનું મોત નિપજ્યું હતું.

પોલીસે હત્યાની આ ઘટનાને પગલે ગામમાં બંદોબસ્ત ગોઠવી દીધો છે અને ફરિયાદ નોંધવા તથા આરોપીઓને શોધી કાઢવા દોડધામ શરૂ કરી છે.

ગયા વર્ષે પતિને ગુમાવનાર હસુબેન સોંદરવાએ હવે જુવાનજોધ દિકરાને ગુમાવતાં શોકમાં ગરક થઇ ગયા છે. તસ્વીરમાં હસુબેન નાના પુત્ર અજય સાથે વિલાપ કરતાં જોવા મળે છે.

(11:42 am IST)