Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

કભી કભી મેરે દિલ મે... મુખ્તાર શાહ - સોનલ ગઢવીએ ઝૂમાવ્યા

સૂરસંસારનો સળંગ ૧૩૯મો કાર્યક્રમ સંપન્ન : મુકેશ - લતાજીના યાદગાર ગીતોએ કરી જમાવટ

રાજકોટ : છેલ્લા ૨૪ વર્ષોથી સંગીતના કાર્યક્રમોનું સફળ આયોજન કરતા 'સૂરસંસાર' સંસ્થાનો સળંગ ૧૩૯મો કાર્યક્રમ હેમુગઢવી નાટ્યગૃહ, રાજકોટ ખાતે યોજાઈ ગયો. ૨૪માં વર્ષના આ પ્રથમ કાર્યક્રમમાં સુવિખ્યાત ગાયક કલાકાર મુખ્તાર શાહ તથા રાજકોટના પ્રખ્યાત ગાયિકા સોનલ ગઢવીએ પોતાના કંઠ સામર્થ્યથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

કાર્યક્રમની શરૂઆતે સોનલ ગઢવીના મધુર અવાજમાં ''કહી દીપ જલે કહી દિલ'' રજૂ થયુ હતું. એ પછી ''એક બેવફા સે પ્યાર કીયા'' રજૂ કરીને હિન્દી ફિલ્મ સંગીતના ગોલ્ડન એરાનો માહોલ જમાવી દીધો. પાર્શ્વ ગાયક (સ્વ.) મુકેશના કંઠ સાથે સામ્ય ધરાવતા ગાયક મુખ્તાર શાહે મુકેશના સ્વર - સુગંધ સમા ગીતો આ લૌટ કે આજા મેરે મીત અને ઝૂમ ઝૂમ કે નાચો આજ રજૂ કરીને મુકેશની પરોક્ષ ઉપસ્થિતિનો અહેસાસ કરાવ્યો.

આ કાર્યક્રમ દરમિયાન મુખ્તાર શાહે યે મેરા દિવાનાપન હૈ, સજન રે જૂઠ મત બોલો, દિલ જલતા હૈ તો જલને દે, સુહાના સફર ઔર યે મૌસમ હસીન, ગાયે જા ગીત મિલન કે, કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ અને જીંદા હું ઈસ તરહ કે ગમે જીંદગીન હૈ જેવા મુકેશના સોલો ગીતો રજૂ કર્યા.

સોનલ ગઢવીએ પાર્શ્વ ગાયિકા લતાજીના ગાયેલા મધુરા ગીતો ''તેરા જાના દિલ કે અરમાનો કા લૂટ જાના, પંખ હોતે તો ઉડ આતી મેં, ગુજરા હુવા ઝમાના આતા નહી દોબારા, આપકી નઝરોને સમજા, તેરે સુર ઔર મેરે ગીત, સુનતે થે નામ હમ જીનકા બહાર સે તથા અહેસાન તેરા હોગા મુજ પર જેવા સદાબહાર ગીતો રજૂ કર્યા. આ કાર્યક્રમમાં એક તદ્દન નવા પ્રયોગરૂપે સોનલ ગઢવીએ પુરૂષ ગાયકોના ગાયેલા ગીતો, જલતે હૈ જીસકે લીયે (તલત મહેમુદ), સુહાની રાત ઢલ ચૂકી (મહમ્મદ રફી) તથા તુમ પુકાર લો (હેમંત કુમાર) રજૂ કરીને નવી ચીલો ચાતર્યો હતો. આ ગીતોની તાસીર અને ફિલ પુરૂષ ગાયકો માટેની છે છતાં ગીતોનો ભાવ પકડીને સોનલે ગીતોને તેના ઓરીજનલ અંદાજમાં રજૂ કર્યા. આ રજૂઆતને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.

આ ગાયક બેલડીએ દિલ તડપ તડપ કે કહે રહા હે આભી જા, એક પ્યાર કા નગમા હૈ, સાવન કા મહિના, ઈબ્તદા એ ઈશ્ક મેં, હમ ભર જો ઉધર મુહ ફેરે જેવા રોમેન્ટીક અને કમ્પોઝીશનનું વૈવિધ્ય ધરાવતા ડ્યુએટ ગીતો પ્રસ્તુત કર્યા હતા.

વડોદરાના જાણીતા ઈમરાન અલી સૈયદ તથા તાહીર અલી સૈયદે તેમના વાદ્યવૃંદ સાથે સમજદારીપૂર્વક સાઝ સંગાથ આપ્યો. આણંદના સુવિખ્યાત બાંસુરીવાદક જનક દરજીએ પણ પોતાની વાંસળીવાદન દ્વારા સુંદર સંગાથ આપ્યો. તેમણે વિશિષ્ટ રજૂઆતરૂપે વાંસળીના સોલોવાદન દ્વારા જારે જારે ઉડ જા રે પંછી, મૌસમ હૈ આશિકાના તથા મેરે મન કી ગંગા જેવા ગીતો રજૂ કરીને શ્રોતાઓને ઝૂમાવ્યા.

કાર્યક્રમનું સંચાલન કવયિત્રો શ્રીમતી નીશાબેન હેમલ નાણાવટીએ પોતાની વિશિષ્ટ શૈલીમાં કર્યુ હતું. કાર્યક્રમનું સાઉન્ડ ઓપરેટીંગ વડોદરાના ઓમ સાઉન્ડના કેયુર કહોરે સંભાળ્યુ હતું.

સૂરસંસારના મોભી ભગવતીભાઈ મોદીએ ૨૪મા વર્ષના પ્રથમ કાર્યક્રમમાં સહભાગીઓનું સ્વાગત કર્યુ હતું. સાથે આગામી કાર્યક્રમની થોડી વિગતો આપી હતી. આ કાર્યક્રમ માટે સંસ્થાના પિયુષ મહેતા તથા મુકેશભાઈ છાયાએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના સમાપને મુખ્તાર શાહે સદાબહાર ગીત જાને કહા ગયે વો દિન રજૂ કરીને શ્રોતાઓને મધુર યાદો સાથે વિદાય આપી હતી.

(4:33 pm IST)