Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

આરોગ્યના દરોડા

સાધુવાસવાણી રોડ પર દૂધની ડેરીમાંથી ૯ લીટર છાશ, ૪ કિલો અખાદ્ય દહીંનો નાશ

આરોગ્ય શાખા દ્વારા ૩૯ ધંધાર્થીને ત્યાં ચેકીંગ : ફુડ રજીસ્ટ્રેશન-લાયસન્સ ન હોવાથી નોટીસ

રાજકોટ, તા. રર : મ્યુ. કોર્પોરેશન દ્વારા વન વીક વન રોડ અંતર્ગત આરોગ્ય શાખા દ્વારા આજે સાધુવાસવાણી વિસ્તારમાં ૩૯ વેપારીઓને ત્યાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ ચેકીંગ દરમ્યાન શિલ્પન ટાવરમાં આવેલ જય ભોલેનાથ ડેરી ફાર્મમાંથી ૯ લીટર છાશ પાઉચ તથા ૪ કિલો દહીં સહિત કુલ ૧૩ કિલો અખાદ્ય ચીજવસ્તુનો નાશ કરવામાં આવ્યો હતો.

આ અંગે આરોગ્ય અધિકારી ડો. પી.પી. રાઠોડના જણાવ્યા પ્રમાણે દર બુધવારે મુખ્ય માર્ગ ચકાસણી અનુસાર આજરોજ આરોગ્ય અધિકારી ડો. પી.પી. રાઠોડ, ડેઝીગ્નેટેડ ઓફીસર એ.એન. પંચાલ તથા એફએસઓ આર.આર. પરમાર, એચ.જી. મોલીયા તથા કે.જે. સરવૈયા દ્વારા સાધુવાસવાણી રોડ પર આવેલ ખાદ્યચીજનું વેચાણ કરતા આસામીઓની ચકાસણી કરવામાં આવેલ. જેમાં ૩૯ ધંધાર્થીને ત્યાં ચેકીંગ કરી ર૪ વેપારીને ફુડ લાયસન્સ -રજીસ્ટ્રેશન ન હોવાથી નોટીસ આપવામાં આવી છે.

આ ચકાસણી દરમ્યાન ખાદ્યચીજોના વિક્રેતા પાનશોપ, ફુડ પાર્લર, જયસુ પાર્લર, બેકરી શોપ, ફરસાણના વિક્રેતા ટી-સ્ટોલ, ડેરી ફાર્મ, જેવા તમામ ફૂડ બિઝનેશ ઓપરેટરની આરોગ્યપ્રદ સંગ્રહ/ઉત્પાદન તથા ફૂડ લાયસન્સ/રજીસ્ટ્રેશન બાબતે રો-મટીરીયલની ગુણવત્તા તથા સમગ્ર પ્રીમાઇસીસની હાઇજીનીક કંડીશન બાબતે સઘન ચકાસણી કરેલ. દરમ્યાન ફૂડ લાયસન્સ/રજીસ્ટ્રેશન નંબર મેળવેલ હોય તેવા આસામીઓ, બિન આરોગ્યપ્રદ સ્થિતિમાં ઉત્પાદન કે સંગ્રહ કરેલ હોય છાપેલ રદ્દી પસ્તીનો પેકીંગમાં ઉપયોગ, દાજયુ તેલનો ઉપયોગ, કાચા તલને ફરસાણમાં ઉપયોગ કરે છે તે દર્શાવતું બોર્ડ, કાપેલા વાસી-સડેલા-પડતર સ્વાસ્થ્ય માટે હાનિકારક અખાદ્ય ચીજોનો સ્થળ પર નાશની કાર્યવાહી કરવામાં આવેલ. તેમજ જવાબદાર આસામીઓને નોટીસ આપેલ. પેકીંગ પર તારીખ દર્શાવ્યા વગરની પેરિશેબલ ખાદ્યચીજો ૧૪ કિલો/લીટર જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો તેમ તંત્રની સત્તાવાર યાદીમાં જણાવ્યું હતું.

(4:28 pm IST)