Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

કાલાવડ રોડ અન્ડર બ્રીજ માટે ૨૦ કરોડ આપો

રાજકોટના ગૌરવપથ સમાન રોડ પર ટ્રાફિક સમસ્યા ઉકેલવા અન્ડરબ્રીજ જરૂરી : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રૂબરૂ આવેદનપત્ર પાઠવી આર્થિક સહાયની રજૂઆત કરતા ડો. જૈમન ઉપાધ્યાય

રાજકોટ, તા.૨૨: શહેરનાં કાલાવડ રોડ ઉપર કે.કે.વી. ચોક ખાતે અન્ડરબ્રીજ બનાવવા માટે રૂ.૨૦ કરોડની ગ્રાન્ટ ફાળવવા અંગે મેયર ડો.જૈમન ઉપાધ્યાયે આજે ગાંધીનગર દોડી જઇ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રૂબરૂ આવેદનપત્ર પાઠવી અને રજુઆત કરી હતી.

આ આવેદનપત્રમાં મેયરશ્રીએ જણાવ્યુ હતુ કે રાજકોટ શહેરના ગૌરવ પથ કાલાવડ રોડ પર કે.કે.વી હોલ ચોક પાસે ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે રાજકોટ મહાનગરપાલિકા તરફથી કાલાવડ રોડ અન્ડરબ્રિજ બનાવવાનું આયોજન કરેલ છે. આ અન્ડરબ્રિજ બનાવવાના કામે, ડિઝાઇન તૈયાર કરવા માટે ડેલ્ફ કન્સલ્ટન્ટ, અમદાવાદની નિમણુંક કરવામાં આવેલ છે. ડેલ્ફ કન્સલ્ટન્ટ તરફથી ટ્રાફિક વોલ્યુમ કાઉન્ટ સર્વે કરવામાં આવેલ. જે મુજબ મહિલા કોલેજથી કાલાવડ રોડ તરફ ૯૧૮૨ પી.સી.યુ. એટલે કે ૬૭.પ૦% ટ્રાફિક અને કાલાવડ રોડ થી કોલેજ તરફ ૨૧૭૩૨ પી.સી.યુ. એટલે કે ૮૦.૭૧% ટ્રાફિકનું આવન-જાવન થાય છે. આ અન્ડરબ્રિજ બનવાથી અંદાજીત ૪.પ લાખની વસ્તીને સીધો ફાયદો થશે. સબબ, કાલાવડ રોડ પર ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે અન્ડરબ્રિજ બનાવવાની જરૂરિયાત છે.

આમ, કાલાવડ રોડ અન્ડરબ્રિજના નિર્માણ માટે અંદાજે રૂ.૨૦ કરોડ જેવો ખર્ચ થનાર છે. અને રાજકોટ મહાનગરપાલિકાને આટલો મોટો ખર્ચ વહન કરવો મુશ્કેલ હોઇ, આ સમગ્ર હકીક ધ્યાને લઇ, શહેરના પશ્ચિમ વિસ્તારની ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે કાલાવડ રોડ અન્ડરબ્રિજના નિર્માણ માટે રાજય સરકારશ્રી દ્વારા રૂ.૨૦ કરોડની સહાય મળે તે માટે યોગ્ય કરવા મેયરશ્રીએ મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી હતી.

(4:25 pm IST)