Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

કોંગ્રેસના સંમેલનમાં ફરી ખીલ્યો 'વિખવાદ' !

રાજકોટ શહેરમાં અમારે એકઝુટ નહી થવાની 'બાધા' છે ?!! :મહેશ રાજપૂત 'બેઠક' પ્રશ્ને રીસાણા ને માની પણ ગયા ! : કાર્યક્રમના સંચાલનમાં 'ફેરબદલ' !!

રાજકોટ, તા. ૨૨ :. રાજકોટ શહેરમાં કોંગ્રેસને કોંગી નેતાઓ કેમેય સંપીને કામ કરી શકતા નથી હવે તો કોંગ્રેસી કાર્યકરો પણ માનવા લાગ્યા છે કે કાંઈક કોંગી પિતૃ નડતા લાગે છે કે પછી રાજકોટમાં બધાને સાગમટે એક બનવાના બદલે જુદા જ કામ કવરાની 'માનતા ' રાખી લાગે છે. આજે ફરી એકવાર સંમેલનમાં વિખવાદે દેખા દીધી હતી અને કાર્યકારી પ્રમુખ સ્વમાન ભંગ પ્રશ્ને રીસાણા હતા જો કે તૂર્ત માની પણ ગયા હતા તો બીજી તરફ કાર્યક્રમનું સંચાલન કોણ કરે ? તે બાબતે પણ વાંધાવચકા થતા કાર્યક્રમમાં અધવચ્ચે ફેરબદલ કરવો પડયો હતો.

અસંગઠીત મજદુર સંમેલન કાર્યક્રમ આજે સવારે સ્વ. અરવિંદભાઈ મણીયાર હોલ ખાતે યોજાયો હતો અને એમ કહેવાય છે કે, ડાયસ પર શહેરના કાર્યકારી પ્રમુખ આવ્યા ત્યારે તેમને બીજી પણ નહી પરંતુ ત્રીજી લાઈનમાં બેસવાનું કહેવાયુ હતુ જેથી પ્રમુખશ્રીની મ્હો મચકોડાઈ એ સ્વભાવિક છે આથી તેઓ કાર્યક્રમ સ્થળેથી બહાર જતા કરવાનું ચર્ચાય છે પરંતુ થોડી જ વારમાં મનામણા થઈ ગયા હતા.

સંમેલનમાં બીજી બાબત એવી બની કે કાર્યક્રમની શરૂઆતમાં વરીષ્ઠ નેતા પ્રદીપ ત્રિવેદીએ સંચાલનની જવાબદારી સંભાળી હતી પરંતુ થોડો કચવાટ કે ગણગણાટ શરૂ થતા અધવચ્ચેથી કાર્યક્રમનું સંચાલન યુવક કોંગ્રેસના અગ્રણી રાજદીપસિંહ જાડેજાને સુપ્રત કરાયુ હતું.

આ બાબતે એવુ ચર્ચાય છે કે ગઈ સાંજે કાર્યક્રમનું સંચાલન રાજદીપસિંહ કરશે તેવી વાત થઈ હતી પરંતુ કાર્યક્રમમાં પ્રદીપસિંહ ત્રિવેદી હાજર હોય તેમને કાર્યક્રમના પ્રારંભે કાર્યક્રમના સંચાલનની જવાબદારી સુપ્રત કરાઈ હતી અને મુજબ બધુ ચાલ્યુ ખરૂ પરંતુ છાનાખૂણે ગણગણાટ થયો હોય કે રજૂઆત થઈ હોય જે થયુ તે પરંતુ કાર્યક્રમનું સંચાલન અધવચ્ચેથી રાજદીપસિંહ જાડેજાને સોંપી દેવાયેલ.

રાહુલ ગાંધી ગમે તેવી ખેવના કોંગ્રેસી નેતાઓ પાસેથી રાખે અને ૨૦૧૯ માટે એકઝુટ થઈને લડત આદરવા હાકલ કરે પરંતુ આમ તો આખા રાજ્યમાં પરંતુ ખાસ કરીને રાજકોટમાં જુથબંધી, અહમ્ અને અહંકારનો મેલ (કાર) એવો જામ્યો છે કે કેમેય એકતાના દર્શન થતા જ નથી.

આજે રાજકોટમાં ટોચના નેતાઓ કાર્યક્રમમાં આપવાના હતા પરંતુ શાપર વેરાવળમાં દલીત શખ્સની થયેલ હત્યામાં મૃતકના પરિવારને મળવા ટોચના આગેવાનો સુરેન્દ્રનગરના પરવાળા ગામે ચાલ્યા જતા રાજકોટના કાર્યક્રમમાં પ્રદેશ નેતા તથા પ્રભારી પહોંચી શકેલ નથી શું આ કાર્યક્રમને પણ વ્હાલાદવલા કે આંતરીક વિખવાદનું ગ્રહણ લાગી ગયુ હતુ કે શું ?

(4:25 pm IST)