Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

મોટા ગજાના ચિત્રકાર શરદ રાઠોડના ચિત્રોનું પ્રદર્શન

શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી ખાતે ગુરૂવારથી એક સપ્તાહ ચિત્રોનું પ્રદર્શન : બ્રશમાંથી નિતરેલી કલા પ્રદર્શિત થશે : ૨૮ વર્ષથી વર્કશોપમાં કલાનું સર્જન કરનાર શરદકુમારના ચિત્રો દેશભરમાં પ્રદર્શિત થઈ ચૂકયા છે : બર્ડવ્યુથી સર્જાયેલા ચિત્રો કાળા કલરની તાકાત પ્રદર્શિત કરશે : અંગ્રેજીમાં એક ડોકયુમેન્ટરી ફિલ્મનું નિર્માણ પણ કરેલુ : આર્ટમાં આગળ વધતા વિદ્યાર્થીઓને ફ્રી માર્ગદર્શન પણ આપશે

રાજકોટ, તા.૨૨: રાજકોટમાં ધબકતા અને દેશ- વિદેશમાં ખ્યાતિ ધરાવતા મોટા ગજાના ચિત્રકાર શરદકુમાર રાઠોડ પોતાના વતનમાં નોખુ- અનોખુ ચિત્ર પ્રદર્શન આયોજિત કરી રહ્યા છે. તા.૨૪ થી તા.૩૦ સુધી રેસકોર્ષ ખાતે આવેલ શ્રી શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરી ખાતે બ્રશમાંથી નીતરેલી કલા પ્રદર્શિત થશે. વિશિષ્ટ ચિત્ર પ્રદર્શનનો ઉદ્ઘાટન સમારોહ તા.૨૪ના ગુરૂવારે સાંજે ૭ વાગ્યે યોજાશે, જેમાં મુખ્ય મહેમાનપદે રાજકોટના શ્રી બંછાનીધી પાની રા.મ્યુ.કો. કમિશ્નરશ્રી, ડો.જૈમનભાઈ ઉપાધ્યાય- મેયર, ઈશા કંસારા- ગુજરાતી એકટ્રેસ, યુવરાજ શ્રી માંધાતાસિંહજી જાડેજા, યુવરાણી શ્રીમતી કાદમ્બરી દેવી જાડેજા, ડો.દર્શિતા શાહ- ડેપ્યુટી મેયર, કિરીટભાઈ કામદાર- જાણીતા આર્કિટેકટ, કિશોરભાઈ ત્રિવેદી- જાણીતા આર્કિટેકટ વગેરે ઉપસ્થિત રહેશે.

ચિત્રો ચિત્રકારના મનમાં રચાતી દુનિયાની ઝાંકી કરાવે છે. દેશ- દુનિયાના કલારસિકો તરફથી મને અપાર ચાહના પ્રાપ્ત થઈ છે, પરંતુ મંે કલારસિકોને કંઈક અનોખું પ્રદાન કરવા આ ચિત્ર પ્રદર્શનનું આયોજન કર્યુ છે. શરદકુમાર દેશરજી રાઠોડ બાળપણથી ચિત્ર પ્રત્યે આકર્ષાયેલા હતા. માતા પાસેથી પ્રેરણા- પ્રેમ- પ્રોત્સાહન પ્રાપ્ત કરીને આજે ચિત્રોના આકાશમાં ગૌરવથી ઝળહળી રહ્યા છે. શરદકુમાર કહે છે કે, રાજકોટના સનત ઠાકર મારા ગુરૂ છે. જીવનના વણાંકોમાં એમનું માર્ગદર્શન પ્રાપ્ત થયું અને કલા સાધનાથી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે.

છેલ્લા ૨૮ વર્ષથી શરદકુમાર પોતાના રાજકોટ ખાતેના વર્કશોપમાં કલાનું સર્જન કરે છે અને દેશના મહાનગરોમાં તેઓની કલા પ્રદર્શિત થાય છે. પ્રતિષ્ઠિત ગણાતા સ્થાનો પર તેઓના ચિત્રો પ્રદર્શિત થઈ રહ્યા છે. મુંબઈની જહાંગીર આર્ટ ગેલેરીમાં ગ્રુપ- શોમાં પણ તેઓના ચિત્રો ગોઠવાય છે. મુંબઈમાં તાજ આર્ટ ગેલેરીમાં શરદ કુમારના વનમેન શો યોજાય છે. મુંબઈની તાજમહલ હોટલમાં ચિત્ર પ્રદર્શનો આયોજિત થાય છે. મહાકૌશલ્ય કલા પરિષદ, રાયપુર દ્વારા શરદ કુમારના વિશિષ્ટ સન્માન થયા છે. શરદ કુમાર કલાજગતની  અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ગુજરાત લલિત કલા એકેડમી, મહાકૌશલ્ય કલા પરિષદ- રાયપુર, રાજસ્થાન આર્ટ કલા એકેડમી, બોમ્બે આર્ટ સોસાયટી, આર્ટ સોસાયટી ઓફ ઈન્ડિયા, ચીત્ર ગુર્જરી અમદાવાદ તેમજ દેશની રાષ્ટ્રીય એકઝીબીશન ઓફ આર્ટ સંસ્થાઓ સાથે તેઓના જીવંત સંપર્ક છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે એશીયાનાં ચિત્રો સાથે જ એક હરોળમાં શરદ રાઠોડનાં ચિત્રો પણ સામેલ છે એ એક રાજકોટ માટે ગૌરવની વાત છે.

રાજકોટમાં યોજાનાર ચિત્ર પ્રદર્શનમાં નાના- મોટા ચિત્રોની સાઈઝ અને થીમ કલાપ્રેમીઓ માટે આશ્ચર્યજનક હશે. બર્ડ વ્યૂથી સર્જાયેલા ચિત્રો કાળા કલરની તાકાત પ્રદર્શિત કરશે. કલર સેન્સમાં શરદકુમાર પાવરફુલ છે, પરંતુ નવા પ્રયોગોના તેઓ શોખીન છે તેઓના બ્રશની શ્યામ રંગથી નીતારેલી કલા ચિત્ર શોખીનોને દંગ કરનારી છે.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝે અંગ્રેજી ભાષામાં એક ડોકયુમેન્ટરી ફિલ્મનું નિર્માણ કર્યુ હતું, જેમાં નાયક તરીકે મુખ્ય ભુમિકા રાજકોટના ચિત્રકાર શરદકુમારે ભજવી છે. આ ફિલ્મ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં રજૂ થઈ હતી અને પ્રશંસાને પાત્ર બની હતી. મુંબઈ હિન્દી ફિલ્મ જગતના નામાંકિત ડાયરેકટર ધર્મેન્દ્રનાથ ઓઝાએ બંને આંખોથી જયોતિ ગુમાવી દેનાર- પ્રજ્ઞાચક્ષુ ચિત્રકારનો વિષય લઈને ડોકયુમેન્ટરી ફિલ્મનું નિર્માણ કર્યુ છે, આ ફિલ્મમાં શરદકુમારે પ્રજ્ઞાચક્ષુ ચિત્રકારની મુખ્ય ભૂમિકા ભજવી છે.

શદરકુમારે આર્ટ ક્ષેત્રે કોઈ ડીગ્રી પ્રાપ્ત નથી કરી, કુદરતી પ્રેરણાથી કલા ક્ષેત્રને ગૌરવ બક્ષ્યું છે. કલા ક્ષેત્રે અનેક ઉપકરણોની સુવિધા વધી છે. પરંતુ શદરકુમાર મુળ ચિત્રકાર છે. હાથ અને બ્રશ સિવાય ચિત્ર સર્જનમાં કોઈ કીમિયાના ઉપયોગ કરતા નથી. કલા સૂઝની ઉંડાઈ ધરાવતા શરદકુમાર કહે છે કે, કુદરતી પ્રેરણાથી સર્જાયેલા ચિત્રોમાં વાઈબ્રશન્સ હોય છે, વાઈબ્રેશનયુકત કલા અમૂલ્ય બની જાય છે. પરમ આનંદની અનુભુતિ સાથે સ્ટ્રગલ આર્ટિસ્ટ શરદકુમારે નામાંકિત ચિત્રકારો વચ્ચે નામ કાઢયું છે. તેઓનાં ચિત્રો સમગ્ર ભારતમાં જોવા મળશે.

કલા સાધના દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરનાર શરદકુમાર પોતાની જન્મભૂમિમાં ધબકતી નવી પેઢી કલા તરફ આકર્ષિત થાય અને કલાના શોખીનોને નાવીન્યની અનુભૂતિ થાય તે ઉદ્દેશથી રાજકોટમાં પ્રદર્શન યોજી રહ્યા છે. કલા ઉત્સવનો લાભ લેવા કલા રસિકોને લાગણીથી નીતરતું નિમંત્રણ આપવામાં આવ્યું છે. પ્રદર્શન પુર્વે જ શરદકુમાર પર મો.૯૮૨૫૨ ૧૮૬૧૬ અભિનંદનનો વરસી રહ્યા છે.

પેઈન્ટીંગ એક એવી કલા છે કે જેની ઈન્ટરનેશનલ માર્કેટમાં તેમની કિંમત કરોડો થાય અને હાલમાં દેશ- વિદેશમાં ઓકશન દ્વારા વેંચાણ પણ થાય છે. આ અંગે પણ સંપૂર્ણ માર્ગદર્શન પુરુ પડાશે.

વધુમાં ચિત્રકાર શરદ રાઠોડએ જણાવ્યું કે રાજકોટનાં ભાઈ- બહેનો અને બાળકો માટે કે જેઓ આ આર્ટ ફિલ્ડમાં આગળ વધવા માંગતા હોય તથા ઈન્ટીરીયર- ફેશન ડીઝાઈનીંગ ક્ષેત્રે વિદ્યાર્થીઓને સંપૂર્ણ ફ્રી માં માર્ગદર્શન પણ પ્રદર્શન દરમ્યાન આપશે તો કલાપ્રેમીઓને વધુમાં વધુ લોકોએ લાભ લેવા એક યાદીમાં જણાવાયું છે.

(4:20 pm IST)