Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

૫૫ વર્ષનો અમૃત પટેલ દયાહીન બની બહેરી-મૂંગી યુવતિના શરીરને ચુંથતો રહેલઃ ૧૦ વર્ષની જેલ

બળાત્કાર બાદ જન્મેલી બાળકી સાથે ડી એન એ મેચ થતા વિકાસગૃહમાં પાપ લીલા ખેલી

રાજકોટ, તા.૨૨: પાલડી વિકાસગૃહ ખાતે મુકબધીર યુવતી પર બળાત્કાર ગુજારી તેણીને ગર્ભવતી બનાવનાર કલાર્ક અમૃત પટેલને કોર્ટે ૧૦ વર્ષની કેદની સજા કરી છે. બાળક અને અમૃત પટેલના ડીએનએ મેચ થયા હતા. જે પુરાવા પોલીસે કોર્ટ સામે રજૂ કર્યા હતા.

કોર્ટે આ મામલે સ્પષ્ટ કર્યું હતુંકે, આરોપીને ભોગ બનનારે કોર્ટ સમક્ષ ઓળખી બતાવ્યો છે અને સમગ્ર બનાવ ધૃણાસ્પદ છે ત્યારે આરોપીની સામે દયા ન દાખવી શકાય તેમજ સમાજમાં દાખલો બેસે તેવી ગંભીર સજા થવી આવશ્યક છે.

ગાયકવાડ હવેલી પોલીસ મથક વિસ્તારમાં રખડતી એક મુકબધીર યુવતીને પોલીસે પાલડી વિકાસગૃહમાં મુકી હતી. જયાં ૫૫ વર્ષના કલાર્ક અમૃત નાથુદાસ પટેલે તેણી પર વારંવાર બળાત્કાર ગુજારતાં યુવતી ગર્ભવતી બની જતાં આ દ્યટના બહાર આવી હતી. ગર્ભપાત કરાવવો શકય નહી હોવાથી યુવતીએ બાળકને જન્મ આપ્યો હતો. તેમજ આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં યુવતીએ આરોપી તરીકે અમૃત પટેલનુ નામ જાહેર કર્યું હતું.આ કેસમાં પોલીસે બાળક અને અમૃત પટેલના ડીએનએનો ટેસ્ટ લેવામાં આવતા આરોપીના ડીએનએ જન્મનાર બાળકને મળતા આવતા હતા. જે પુરાવા પોલીસે કોર્ટ સમક્ષ મુકયા હતા. યુવતીની કોર્ટ સમક્ષ જુબાની લેવામાં આવતા તેણે પણ આરોપીને ઓળખી બતાવ્યો હતો. તેમજ ભાષા નિષ્ણાંતની મદદથી તેણીએ સમગ્ર દ્યટનાનું વર્ણન કરતા તેની જુબાની લેવાઇ હતી. જે તમામ દલીલો કોર્ટે ધ્યાને લીધી હતી. તેમજ આરોપીને ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

ભોગ બનનાર યુવતીનો ગર્ભપાત શકય નહી બનતા તેણે બાળકને જન્મ આપ્યો હતો. જે ઘટના બાદ હાઇકોર્ટે ભોગ બનનાર સંતાનની જાળવણી કરવાનો સંપૂર્ણ ખર્ચની જવાબદારી સરકારની ઠેરવી હતી. સાથે આવી ઘટના બીજી વખત ન બને તે માટે વિકાસગુહમાં પણ સીસીટીવી લગાવવા નિદેશો આપ્યા હતા. યુવતી આજે પણ વિકાસગુહમાં રહે છે.

(3:58 pm IST)