Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

કાર્પેટ વેરાના ધાંધિયાનો સ્વીકારઃ વળતર યોજના ૨ મહિના લંબાવાઇ

૧ ઓગષ્ટથી ૩૧ ઓગષ્ટ ૫-૧૦ ટકા વળતર અપાશે :વાંધા અરજીના નિકાલ માટે ૮૦ ઇજનેરોની ફોજ કામે લગાડાઇ : મેયર ડો. જૈમનભાઇ અને સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલની જાહેરાત

રાજકોટ તા. ૨૨ : મ્યુ. કોર્પોરેશન દ્વારા આ વર્ષથી કાર્પેટ વેરા આકારણી પધ્ધતિ શરૂ કરવામાં આવી છે પરંતુ આ નવી કાર્પેટ વેરા આકારણીના વેરા બીલ હજુ લાખો લોકો સુધી પહોંચ્યા નથી. ઉપરાંત ૯૦ ટકા જેટલા મિલકત ધારકોની વેરા આકારણીમાં ધાંધિયા સર્જાઇ રહ્યા છે પરિણામે વાંધા અરજીના ઢગલા થઇ રહ્યા છે. બીજી તરફ વેરા વળતર યોજનાની મુદ્દત પૂર્ણ થઇ રહી છે પરંતુ તંત્ર વેરાબીલ પહોંચાડવામાં અને વાંધા અરજીના નિકાલમાં વામણું પુરવાર થઇ રહ્યું છે જેથી લાખો કરદાતાઓ વેરા વળતર યોજનાથી વંચિત રહી જવાની ભીતી સર્જાયેલ. આથી વેરા વળતર યોજનાની મુદ્દત લંબાવવા જબ્બર લોક માંગ ઉઠવા પામી હતી. આથી તંત્રવાહકોએ આ બાબતનો સ્વીકાર કરીને ૧૦-૧૫ ટકા વેરા વળતર યોજના ૩૧ જુલાઇ સુધી અને ૫-૧૦ ટકા વળતર યોજના ૩૧ ઓગષ્ટ સુધી લંબાવવા નિર્ણય લીધો છે.

મેયર ડો. જૈમન ઉપાધ્યાય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ એક સયુંકત યાદીમાં જણાવે છે કે મકાન વેરા આકારણીમાં સંપૂર્ણ પારદર્શકતા આવે મિલકત ધારક પોતાનું મકાન હાથે માપી શકે અને આકરણીની ગણતરી કરી શકે તે રીતે ભારતીય જનતા પક્ષના શાસકોએ કાર્પેટ એરિયા બેઇઝનો અમલ કરેલ છે. મિલકત ધારકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે કાર્યવાહી કરવાની પદાધિકારીઓની ફરજ છે.

વિશેષમાં દર વર્ષે ટેક્ષ મિલકત વેરાના બિલ ઓગસ્ટ બાદ મોકલવામાં આવે છે. ચાલુ વર્ષે કાર્પેટ બેઇઝ આકારણી લાગુ કરવામાં આવેલ હોય મિલકત માલિક વાંધા અરજી સમય મર્યાદમાં કરી શકે તેવા આશયથી મિલકત ધારકોને ૪ લાખ જેટલા બિલ કેન્દ્ર સરકારની પોસ્ટ કચેરી મારફત સ્પીડ પોસ્ટથી મોકલવામાં આવેલ છે. તમામ મિલકત ધારકને તબક્કાવાર બીલો મળી જશે. જે મકાન ધારકોએ વાંધા અરજીઓ કરેલ છે, આવી વાંધા અરજીઓનું વહેલી તકે નિકાલ થાય તે માટે ૩૫ જેટલા અધીકારી - કર્મચારીઓને, અધિકારી તરીકે નિમણૂક કરેલ છે, તેમજ માપણી ભૂલ સામેની વાંધા અરજીના નિકાલ માટે કંપનીના ૮૦ જેટલા એન્જિનિયરઓને પણ જવાબદારી સોપવામાં આવેલ છે.

મિલકત ધારકો વિગત યોજનાનો પણ લાભ લઇ શકે તે માટે ચાલુ વર્ષે ૩૧ જુલાઈ સુધી ૧૦% તથા ૧ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ સુધી ૫% વળતર યોજના લંબાવવામાં આવનાર છે. તેમજ મહિલા અને દિવ્યાંગ મિલકત ધારકને વિશેષ ૫% વળતર આપવામાં આવે છે.

આ વળતર યોજના હેઠળ ગઈકાલ સુધીમાં ૧,૧૩,૬૧૮ મિલકત ધારકોએ લાભ લીધેલ છે અને કોર્પોરેશનને રૃ.૪૭.૨૮ કરોડની આવક થયેલ છે.

કોઈ પણ મિલકત ધારકને અન્યાય ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. છતાં પણ કોઈ મિલકત ધારકોને અન્યાય લાગે મેયર સહીતના પદાધિકારીઓ સાંભળશે જેથી કોઈ મિલકત ધારકો ખોટી ઉતાવળ ન કરે તેમ અંતમાં જણાવેલ છે.

(3:15 pm IST)