Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

હવે પછી જયનાથ પંપમાં ચેકીંગમાં આવશો તો મારી નાંખશું: એચપીના અધિકારીઓ પર હુમલો-ધમકીઃ એકની ધરપકડ

રાજકોટમાં ઓછુ પેટ્રોલ અપાતું હોવાની ગેરરીતિ ખુલતાં રિપોર્ટ તૈયાર કરતી સંચાલક પિતા-પુત્રની ધમાલ : પેટ્રોલ પંપના માલિક જસવંતરાય ઉર્ફ જસુભાઇ ગઢીયા અને પુત્ર ટીકૂ ગઢીયા સામે હિન્દુસ્તાન પેટ્રોલિયમના એન. બી. મીણાની ફરિયાદઃ ટીકૂની ધરપકડ

રાજકોટ તા. ૨૧: શહેરના જવાહર રોડ પર આલ્ફ્રેડ હાઇસ્કૂલ સામે આવેલા જયનાથ પેટ્રોલ પંપ ખાતે હિન્દુસ્તાન પેટ્રોલિયમના અધિકારીઓએ ચેકીંગ કરતાં  ગેરરીતિ માલુમ પડતાં ઓફિસમાં બેસી આ અંગેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો હતો ત્યારે પંપના માલિક પિતા-પુત્રએ મળી અધિકારીઓને ગાળો દઇ માર મારી 'હવે અમારા પંપે ચેકીંગમાં આવશો તો મારી નાંખશું' તેવી ધમકી આપી ફરજમાં રૂકાવટ કરતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. જેમાં પુત્રની ધરપકડ કરી લેવામાં આવી છે.

બનાવ અંગે એ-ડિવીઝન પોલીસે હિન્દુસ્તાન પેટ્રોલિયમના એરિયા સેલ્સ મેનેજર નમોનારાયણ બદ્રીલાલ મીણા (ઉ.૩૧-રહે. ૩૦૪-આદિત્ય હાઇટ્સ, જે-વિંગ સાધુ વાસવાણી રોડ, મુળ સલેમપુરા ગામ તા. રામગઢ જી. દોસા રાજસ્થાન)ની ફરિયાદ પરથી જયનાથ પેટ્રોલ પંપના માલિક જસુભાઇ ગઢીયા અને તેના પુત્ર ટીકુ ગઢીયા સામે આઇપીસી ૩૨૩, ૩૩૨, ૩૫૩, ૩૪૧, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

એન. બી. મીણાએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે પોતે એક વર્ષથી એચપીસીએલમાં એરિયા સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવે છે. આ કંપનીની ઓફિસ તેલ ભવન યુનિવર્સિટી રોડ એસએનકે સ્કૂલની બાજુમાં આવેલી છે. તેનું કામ રાજકોટ, મોરબી જીલ્લાના એચપીસીએલ પેટ્રોલ પંપોમાં કવોલીટી તથા કવોન્ટીટી ચેક કરવાનું અને ડિલરોને વેંચાણ વધારવા અંગે માર્ગદર્શન આપવાનું છે.

ગઇકાલે મીણા પોતાની કામગીરી માટે ઉપલેટાના કોલકી ગામે ગયા હતાં. ત્યાંથી સાંજે છએક વાગ્યે ગોંડલ પહોંચ્યા હતાં. આ વખતે કંપનીના ચીફ મેનેજર ગંગારામ મહંતોએ ફોન કરી જણાવેલ કે પોતે રાજકોટ આલ્ફ્રેડ હાઇસ્કૂલ સામે જવાહર રોડ પર આવેલા જયનાથ પેટ્રોલ પંપ ખાતે ડિસ્પેન્ડીંગ યુનિટની નોઝલ ચેક કરતાં હતાં ત્યારે પંપના માલિક જસુભાઇ ગઢીયાએ મશીન ચેક કરતાં રોકયા છે, તમે જલ્દી રાજકોટ આવો. તેમ કહેતાં પોતે કાર મારફત તાબડતોબ રાજકોટ જયનાથ પેટ્રોલ પંપ ખાતે સાંજે સાડા આઠ વાગ્યે પહોંચ્યા હતાં. અહિ ચીફ મેનેજર ગંગારામ તથા કંપનીના બીજા મેનેજર તપનકુમાર રોય સાથે જસુભાઇના પુત્ર ટીકુ ગઢીયા જીભાજોડી કરતાં હતાં. આ લોકો ફરજમાં રૂકાવટ કરતાં હોઇ તેને સમજાવ્યા હતાં અને ચેકીંગ કરવા દેવા જણાવ્યું હતું.

એ પછી એન. બી. મીણા, ચીફ મેનેજર ગંગારામ મહંતો તથા તપનકુમાર રોય પેટ્રોલ પંપના સેલ્સ રૂમમાં ગયા હતાં અને બીજા દિવસે ફરીથી ચેકીંગ થશે તેમ જણાવી ચેક થયેલા છ નોઝલમાં શોર્ટેજનો રિપોર્ટ તૈયાર કરતાં હતાં તે વખતે જસુભાઇએ  ચીફ મેનેજર સાથે મારામારી શરૂ કરી હતી. તપનકુમાર વચ્ચે પડતાં તેને પણ ઢીકા-પાટુનો માર માર્યો હતો. પોતે વચ્ચે પડતાં પોતાની સાથે પણ ઝપાઝપી થઇ હતી. બધાને બહાર નીકળતાં પણ જસુભાઇના દિકરા ટીકુ ગઢીયાએ અટકાવ્યા હતાં અને ધક્કા મારી ગાળો દઇ જયનાથ પેટ્રોલ પંપ ખાતે ફરી કયારેય ચેકીંગમાં ન આવતાં નહિતો મારી નાંખશું...તેમ કહી ધમકી આપી હતી. તેમ એફઆઇઆરમાં એન. બી. મીણાએ જણાવ્યું છે. આ પેટ્રોલ પંપમાં પાંચ લિટરે એંસી મિ.લી. પેટ્રોલ ઓછુ અપાતું હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું હતું.

એ-ડિવીઝનના વી.વી. ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ કે. એ. જાડેજાએ ગુનો નોંધી હિમેશ ઉર્ફ ટીકૂ જસવંતરાય ગઢીયા (ઉ.૪૨-રહે. પંચનાથ પ્લોટ-૨)ની ધરપકડ કરી વિશેષ તપાસ હાથ ધરી છે. 

(12:52 pm IST)
  • રાષ્ટ્રપતિ કોવિંદજીએ માનદ્... ડીગ્રી નકારી : હિમાચલનની નૌણી યુનિ.ના કાયક્રમમાં રાષ્ટ્રપતિ બોલ્યા ''તમારી લાગણીની કદર કરૂ છું, પણ હું એ ડીગરીને લાયક નથી '' : ડોકટર ઓફ સાયન્સની પદ્વી રામનાથ કોવિંદજીએ નકારી દીધી access_time 11:38 am IST

  • છત્તીસસગઢમાં 'આપ' દરેક બેઠકો પરથી ચૂંટણી લડશે : ૩૧ મીએ ઉમેદવારો ઘોષિત થશે access_time 11:36 am IST

  • જામનગરમાં PI અને PSIની બદલીઓ કરતા જિલ્લા પોલીસ વડા : પાંચ PI અને બે PSIની બદલીઓ કરવામાં આવી : સીટી બી ડિવિઝનના પીઆઇ રવિરાજસિંહ જાડેજાને અમદાવાદ શહેર બદલી કરાઇ : સીટી એ ડિવિઝનના પીઆઇ કે આર સક્સેનાની એસીબીમાં બદલી કરવામાં આવી : સિટી બી ડિવિઝનમાં નવા પીઆઇ તરીકે કે પી જોષીની નિમણૂક : સીટી સી ડિવિઝનના પીઆઇની ખાલી જગ્યા પર યુ સી માર્કન્ડે મુકાયા : સિટી એ ડિવિઝનમાં પીઆઇ તરીકે એમ એમ રાઠોડની નિમણુંક કરાઇ : જ્યારે બે પીએસઆઇની જિલ્લામાં આંતરિક બદલીઓ કરવામાં આવી : જાહેર હિત અને વહીવટી હિત ખાતર બદલીઓ કરતા જિલ્લા પોલીસ વડા પ્રદીપ સેજુળ access_time 2:04 am IST