Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

કુબલીયાપરામાંથી શેમ્પૂ લેવા નીકળેલી ૧૩ વર્ષની દેવીપૂજક બાળા નેહા ગૂમ

સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સમાંથી ભાભુના ઘરે રોકાવા આવી'તી : સગીર ગૂમ થવાના કિસ્સામાં પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૨: હત્યાના ગુનામાં પિતા જેલમાં ગયા અને માતા ઘર છોડીને જતી રહેતાં હાલમાં સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સમાં બે નાના ભાઇઓ સાથે રહેતી ૧૩ વર્ષની બાળા નેહા હાલ વેકેશન હોઇ કુબલીયાપરા-૫ મચ્છી ચોકમાં રહેતાં ભાભુ મંજુબેન ગોગનભાઇ સોલંકી (દેવીપૂજક)ના ઘરે રોકાવા આવી હોઇ અહિથી ત્રણ દિવસ પહેલા શેમ્પુ લેવા જવાનું કહીને નીકળ્યા બાદ ગૂમ થતાં થોરાળા પોલીસને જાણ કરવામાં આવતાં સગીર ગૂમ થવાના કિસ્સામાં પોલીસે તાકીદે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બનાવ અંગે પોલીસે બાળાના ભાભુ મંજુબેન ગોગનભાઇ સોલંકી (ઉ.૫૦)ની ફરિયાદ પરથી અજાણી વ્યકિત સામે આઇપીસી ૩૬૩ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મંજુબેનના કહેવા મુજબ નેહાના પિતા બિપીન ખૂનના ગુનામાં જેલમાં છે. એ જેલમાં ગયા બાદ નેહા, તેના બે નાના ભાઇ નાનીના ઘરે રહેવા ગયા હતાં. ત્રણેયની માતા આશા પણ સાથે હતી. પણ બાદમાં આશા કયાંક જતી રહેતાં આ ત્રણેય ભાંડરડાને નાનીએ સ્પેશિયલ હોમ ફોર બોયઝ એન્ડ ગર્લ્સમાં રાખ્યા હતાં. ત્યાં ત્રણેય અભ્યાસ કરે છે. હાલમાં વેકેશન હોઇ નેહા પોતાના ઘરે રોકાવા આવી હતી. અહિથી ૧૯મીએ બપોરે ત્રણેક વાગ્યે તે શેમ્પુ લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરત આવી નહોતી. શોધખોળ બાદ પણ પત્તો ન મળતાં પોલીસને જાણ કરતાં પી.એસ.આઇ. જે. જી. ચોૈધરીએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(12:52 pm IST)