Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

સ્વ.રામદેવસિંહજી જાડેજાની પૂણ્યસ્મૃતિમાં ૩૩૮૦ લોકોનું મહારકતદાન

સ્કોડાના શોરૂમ ખાતે સવારે ૬ કલાકથી રકતદાતાઓનો પ્રવાહ અવિરત ચાલુ હતો : સંતો - મહંતો અને સામાજીક અગ્રણીઓની ઉપસ્થિતિમાં કેમ્પ સંપન્ન : ૭ બ્લડ બેંક દ્વારા સેવા * જગતસિંહ જાડેજા દ્વારા સફળ આયોજન

રાજકોટ : 'રકતદાન  મહાદાન...' બે બુંદ જીંદગી બચાવી શકે છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં રકતદાનના મહામંત્રને ચરિતાર્થ કરનાર રીબડાના માજી સરપંચ જગતસિંહ જાડેજા દ્વારા મોટાભાઈ સ્વ. રામદેવસિંહજી જાડેજાની પૂણ્યસ્મૃતિમાં તાજેતરમાં રકતદાન કેમ્પ યોજાયો હતો. જેમાં રેકોર્ડબ્રેક ૩૩૮૦ રકતદાતાઓએ રકતદાન કર્યુ હતું.

આ રકતદાન કેમ્પમાં આવનાર તમામ રકતદાતાઓનું સ્વાગત કરવામાં આવ્યુ હતું. રકત આપનારને ચા - કોફી, બિસ્કીટ સાથે ભોજન કરાવવામાં આવ્યુ હતું અને લાંબા સમય ઉપયોગી રહે તેવી યાદગીરી રૂપે સ્મૃતિચિહન આપવામાં આવ્યુ હતું. રકત આપનારની સંપૂર્ણ મેડીકલ તપાસ કરવામાં આવી હતી. રકત આપનારનું બ્લડગ્રુપ કાર્ડ, નોંધણી રજીસ્ટર નંબર, સર્ટીફીકેટ, આઈકાર્ડ આપવામાં આવ્યુ હતું.

સ્કોડના શોરૂમ ખાતે સવારે સંતો - મહંતો અને સામાજીક અગ્રણીઓની ઉપસ્થિતિમાં રકતદાન કેમ્પનો પ્રારંભ થયો હતો. આ કેમ્પમાં રેડક્રોસ બ્લડ બેંક, નાથાણી બ્લડ બેંક, આસ્થા બ્લડ બેંક (ગોંડલ), સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક (રાજકોટ), સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડ બેંક (રાજકોટ), જામનગર વોલન્ટરી બ્લડ બેંક, કેન્સર હોસ્પિટલ અમદાવાદ બ્લડ બેંકે ખડેપગે રહીને સેવા આપી હતી. રકતદાન કેમ્પમાં એકત્ર થયેલ રકત જરૂરીયાતમંદ થેલેસેમીયા પીડિત દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવે છે.

રકતદાનના પ્રણેતા રીબડાના માજી સરપંચ જગતસિંહ જાડેજાએ જણાવ્યું છે કે,  નાના હોય કે મોટા ગરીબ હોય કે સાહુકાર સૌને રકતની જરૂર છે. અત્યારના ઝડપી અને ખર્ચાળ સમયમાં દર્દીને રકતની જરૂરીયાત વખતે વારંવાર મુશ્કેલી અને ખર્ચ ભોગવવો પડે છે. ત્યારે આવા સમયે અમો ઝડપી અને મફત લોહીની સગવડતા સાથે નાતજાતના ભેદભાવ વિના સેવા આપીએ છીએ. ગીતા બોધમાં શ્રી કૃષ્ણ ભગવાને કહેલ છે કે સમય બળવાન છે સત્યની સાથે ચાલવુ જોઇએ અને સતત પરીશ્રમ કરવો જોઇએ. સાચા અર્થથી માનવ સેવા કરવી આપણી ફરજ છે. આવા સદવિચારથી અમો એ સ્વ. શ્રી રામદેવસિંહજી એમ.જાડેજાની પુણ્ય સ્મૃતિ પ્રસંગે વર્ષમાં બે વખત મહા રકતદાન કેમ્પનું આયોજન કરીએ છીએ. માનવ જીંદગી બચાવવાના માનવ સેવાના કાર્યમાં સાથ સહકાર આપો અને રકતદાન કરીને બીજાને જીવનદાન આપી ધન્યતા અને ગૌરવ અનુભવો તમારી શરીરની તંદુરસ્તી માટે અને સાથે સાથે ઇશ્વરના આશીર્વાદ મેળવી જીવનમાં સુખ, શાંતિ, સમૃધ્ધિ ભોગવો સાથે સાથે આવા માનવ સેવાના કામ કરો તેવો અનુરોધ છે.

પ્રસ્તુત તસ્વીરમાં રકતદાન કેમ્પનો શુભારંભ કરાવતા માજી સરપંચ જગતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા નજરે પડે છે. અન્ય તસ્વીરમાં રકતદાતાઓ ઉત્સાહભેર રકતદાન કરતા નજરે પડે છે. ઈન્સેટ તસ્વીરમાં સ્વ. રામદેવસિંહજી જાડેજા નજરે પડે છે. રકતદાનના આયોજક શ્રી જગતસિંહ જાડેજા, શ્રી છત્રપાલસિંહ જાડેજા, શ્રી દિવ્યરાજસિંહ જાડેજા નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(11:53 am IST)