Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

શાકભાજી સહિત જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં ભડકો

પેટ્રોલ-ડીઝલની કિંમતો આસમાને પહોંચતા ટ્રાન્સપોર્ટરોએ ખાનગીમાં રાતોરાત ભાડા વધારી દીધાઃ શાકભાજીના ભાવમાં ૧પ થી ર૦ ટકા વધ્યાઃ દુધના ભાવો હવે વધશેઃ જીએસટી બાદ ઇંધણના ભાવોએ વેપારીઓની કમ્મર તોડી નાંખીઃ વેપાર ધંધા ઠપ્પઃ ખેડુતોને બંન્ને બાજુ ફટકોઃ શાકભાજી સહિતની જણસોના ભાવો પુરા મળતા નથી અને ટ્રાન્સપોર્ટનો ભાડા વધારો ફરજીયાત ચુકવવો પડે છે

રાજકોટ, તા., રરઃ પેટ્રોલ અને ડિઝલના ભાવ રોજબરોજ આસમાને પહોંચી રહયા હોય તેની સીધી અસર શાકભાજી સહીત જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં પડી છે. ટ્રાન્સપોર્ટરોના ભાડા વધતા શાકભાજીમાં ૧પ થી ર૦ ટકા તથા અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓમાં પ થી ૧૦ ટકાનો ઉછાળો થયો છે.

પેટ્રોલ-ડીઝલના ભાવો આસમાને પહોંચતા ટ્રાન્સપોર્ટરોએ ખાનગીમાં ભાડા વધારી દીધા છે. જેના કારણે શાકભાજીના ભાવોમાં ૧પ થી ર૦ ટકાનો ભાવ વધારો થયો છે. ટમેટાના હોલસેલના વેપારીના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રમાંથી ટમેટાથી પુષ્કળ આવકો થાય છે. ટમેટા રપ કિલોના કેરેટનું ૩પ થી ૩૮ રૂપીયા ભાડુ  હતું. તે આવતા હતા તે હવે ભાડા વધારાના કારણે પ૦ થી ૬૦ રૂ. થઇ ગયું છે. એક કેરેટે ૪ થી પ રૂપીયાનો ખર્ચ વધી ગયો છે. એટલે કે ટમેટાના ભાવમાં ૧પ થી ર૦ ટકાનો ભાવ વધારો ટ્રાન્સપોર્ટેશનના કારણે થઇ ગયો છે. તેવી જ રીતે બટેટાના ભાવમાં પણ પ થી ૧૦ ટકાનો ભાવવધારો થઇ ગયો છે.

રાજકોટ યાર્ડમાં આવતા આજુબાજુના ગામોમાંથી શાકભાજી લાવનાર ટેમ્પો અને રીક્ષાચાલકોએ પણ ભાડા વધારી દીધા છે. જેના કારણે શાકભાજીના ભાવોમાં ૧પ થી ર૦ ટકા ભાવ વધી ગયા છે.પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના કારણે ખેડુતોની હાલત કફોડી બની છે. ખેડુતોને તેની જણસોના ભાવ પુરા મળતા નથી અને બીજી બાજુ ટ્રાન્સપોર્ટનું ભાડા વધારો ફરજીયાત ચુકવવો પડતો હોય ખેડુતોને બંન્ને બાજુ ફટકા પડી રહયા છે.

ટ્રાન્સપોર્ટરોએ ખાનગીમાં ભાડા વધારી દેતા આગામી દિવસોમાં દુધના ભાવો પણ વધી શકે છે. તેમજ અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં પણ આગામી દિવસોમાં વધારો થઇ શકે છે તેમ વેપારી સુત્રોએ જણાવ્યું હતું.

વેપારીઓ કહે છે કે, નોટબંધીને લીધે વેપાર ધંધાને જબરી અસર થઇ હતી. તેને ઠીક થતા આશરે ૬ માસ જેટલો સમય લાગ્યો હતો. ત્યાર બાદ જીએસટીનો કાયદો આવતા વેપાર-ધંધાને મોટી અસર થઇ છે જે હજુ થાળે પડે ત્યાં પેટ્રોલ અને ડીઝલના દરરોજ વધી રહેલા ભાવવધારાના કારણે રોજીંદી જીવન જરૂરી વસ્તુઓ મોંઘી થઇ જતા વેપાર-ધંધા ઠપ્પ થઇ ગયા છે.(૪.૧)

(11:25 am IST)