Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

કાર્યકારી કુલપતિપદે ડો.નિલામ્બરી દવે

રાજય સરકારનું ખરા અર્થમાં સ્ત્રીસશસ્ત્રીકરણનું પગલું: પ્રથમ મહિલા કુલપતિ પસંદ થયા

રાજકોટ, તા., રરઃ એ ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી કુલપતિનો પ્રશ્ન હજુ અધ્ધરતાલ જ રહયો છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હોમટાઉનમાં કાયમી કુલપતિનું કોકડુ વધુ એક વખત ગુંચવાયું છે. પરંતુ રાજય સરકાર દ્વારા સ્ત્રી સશસ્ત્રીકરણની દિશામાં કાબીલેદાદ પગલું ભર્યુ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સૌ પ્રથમવાર કુલપતિ પદે મહિલાને મુકવામાં આવ્યા હોય તેવો પ્રથમ પ્રયાસ ગઇકાલે થયો છે. રાજય સરકાર દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોમ સાયન્સ ફેકલ્ટીના ડીન ડો.નિલામ્બરીબેન દવેની કાર્યકારી કુલપતિ પદે નિમણુંક કરી છે.

આજે કાર્યકારી કુલપતિ ડો.કમલ ડોડીયાનો ડીન પદનો કાર્યકાળ આજે પુર્ણ થતા તેમણે ડો.નિલામ્બરીબેન દવેને ચાર્જ સોપ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બિન વિવાદાસ્પદ વ્યકિત્વ ધરાવતા અને શૈક્ષણીક પ્રવૃતિમાં અગ્રેસર રહેતા હોમ સાયન્સ ભવનના અધ્યક્ષ ડો.નિલામ્બરીબેન દવેની રાજય સરકારે નિમણુંક કરતા યુનિવર્સિટી ક્ષેત્રે નવા સમીકરણો આકાર પામી રહયા છે.

રાજય સરકાર દ્વારા કોઇ કાયમી કુલપતિ પદે લાયક ઉમેદવાર ન મળતા આખરે સ્ત્રી સશસ્ત્રીકરણને બળ આપવા રાજય સરકાર અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના પગલાને મહિલાઓએ ખુબ આવકાર્યુ છે.

(4:21 pm IST)