Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

પુરવઠા નિગમના ગોડાઉન ઉપરથી સાંજે ૬ બાદ દુકાનદારોને જથ્થો નહિં આપવા આદેશ

ડીએસઓ જોષી દ્વારા આદેશ બહાર પડાયો : માલની ગેરરીતિ સામે આકરૂ પગલુ

રાજકોટ, તા.૨૧ : રાજકોટ -જીલ્લા પુરવઠા અધિકારી શ્રી યોગેશ જોષીએ આજે એક મહત્વનો આદેશ બહાર પાડી સાંજે ૬ વાગ્યા બાદ પુરવઠા નિગમના એક પણ ગોડાઉનમાંથી સસ્તા અનાજના દુકાનદારોને માલની ડિલીવરી ન કરવા કહ્યુ છે.

મોડી સાંજ બાદ પુરવઠાની ડિલીવરીમાં કોઈ ગેરરીતિ ન થાય તથા બારોબાર માલ વેચાય ન જાય તે માટે આ પગલુ ભરાયાનું પુરવઠાના સૂત્રોએ ઉમેર્યુ હતું.

ડીએસઓ શ્રી જોષીએ રાજકોટ પુરવઠા નિગમના ગોડાઉનનાં મેનેજર ઉપરાંત જીલ્લાના તમામ ગોડાઉન મેનેજરોને પણ સુચના આપી ઉપરોકત આદેશની અમલવારી આજથી જ કરવા અને કેટલો માલ કયારે ડિલીવર થયો તેનો દરરોજ રીપોર્ટ આપવા સુચના આપી છે.

પુરવઠા તંત્રના આ આદેશથી દુકાનદારોમાં પણ થોડો રોષ ફેલાયો છે કારણ કે આખો દિવસ દુકાનેથી કાર્ડધારકોને પુરવઠો આપ્યા બાદ તેઓ નિગમ ખાતે નવા માલ માટે જતા હોય હવે સાંજે ૬ બાદ માલ આપવાનુ બંધ કરાતા ટાઈમ નહિં રહે તેવો બળાપો અમુક દુકાનદારોએ આજે ઠાલવ્યો હતો.(૩૭.૭)

(1:05 pm IST)