Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

આવડત હોય તો તમારી કંઈપણ જણસીના વળતરદાયી ભાવ મળી શકે : દિનેશ ટીલવા

ભરતભાઈ પરસાણાના ફાર્મહાઉસ પર મળી અનોખી ખેડૂત મીટીંગ : શિક્ષિત યુવાનોનું ખેતીમાં આગે કદમ : દેશી ગૌવંશના આધારે સજીવ ખેતીને પ્રાધાન્ય આપવા શીખ

રાજકોટ, તા. ૨૧ : ઓર્ગેનિક કૃષિના નામે જબ્બર વાયરો ચાલી રહ્યો છે ત્યારે રાજકોટમાં ફાઉન્ડ્રી ઉદ્યોગ ક્ષેત્રે ટોપ ટેનમાં કહી શકાય એવા મોટા ગજાના ઈન્ડસ્ટ્રીયાલીસ્ટ ભરતભાઈ પરસાણા (મો.૯૭૨૬૩ ૯૯૬૯૯) ફાર્મહાઉસ ઉપર એક અનોખી ખેડૂત મીટીંગનું આયોજન હતું.

અનોખી એટલા માટે કે એક તો હાજર ખેડૂતો સૂટ-બુટમાં સજ્જ તરવરીયા યુવાનો હતા, એટલુ જ નહિં પરંતુ આ બધામાં કોઈ બેએસસી એગ્રી, એમબીએ, સિવિલ એન્જીનિયરીંગ, કોમર્સ કે સાઈન્સ ફેકલ્ટીના ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કરીને ખેતીમાં આગે કદમ કરતા ખેડૂતો હતા. ભરતભાઈએ સારાયે ગુજરાતમાંથી ટકોરા મારી મારીને ચૂંટેલા ૯૦ થી ૧૦૦ જેટલા ખેડૂતોની હાજરી વચ્ચે આખા દિવસમાં બે સેશનનો અભ્યાસ વર્ગ હતો.

કાર્યક્રમનો પ્રારંભ કરતા સહજાનંદ ગૌશાળાના કાંતિભાઈ પટેલે કહ્યું કે ગાય આધારીત ખેતીની સાથે ગાયના ગૌ-મૂત્રમાંથી અર્ક, ધૂપ, અગરબત્તી અને સાબુ જેવા નાના ઉદ્યોગ સ્થાપી શકાય છે. શ્રીજી ગૌશાળાના રમેશભાઈ ઠક્કરે કહ્યું હતું કે સેન્દ્રીય ખેતીનો ટ્રેક છોડીને આપણે રાસાયણિક ખેતીના રવાડે ચડી જમીનની ફળદ્રુપતા અને માનવ આરોગ્ય ખોઈ બેઠા છીએ. એટલે જ શહેરોમાં દવાખાનાઓના રાફડા ફાટ્યા છે. તેઓએ ફરી વડવાઓની આરોગ્યપ્રદ ખેતી તરફ વળવા ઉપર ભાર મૂકયો હતો.

કોટડાસાંગાણીના ભાડવા દરબાર તરીકે જાણીતા રાઘવેન્દ્રસિંહ જાડેજાના પુત્ર પ્રતાપસિંહે ગીર અને દેશી ગૌવંશની અપ ટુ ડેટ વાત કરી હતી. સજીવ ખેતી તરફ ડગલા માંડતા પહેલા દેશી ગૌવંશને ખીલે બાંધવુ પડશે. ખેડૂત પાસે પોતાની જમીન છે, ત્યારે બીજ ઘરનું, ખાતર ઘરનું અને કીટકનાશી દવાઓ પણ ઘરની બનાવી લેવામાં આવે તો પાણી કુદરત મફતનું જ આપે છે. કોઈપણ કૃષિ જણસીના વેચાણ માટે નવા નવા પ્રયોગો કરવા પડશે. આવુ બને તો જ ખેતી વળતરદાયી બની શકે છે.

માત્ર બાર વર્ષની ઉંમરથી ઓઈલમીલની કકો બારખડી શીખેલા જાણીતા વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલે કહ્યુ હતું કે ખેડૂતોના મગજમાં કોઈએ એવુ ઠસાવી દીધુ છે કે કૃષિ જણસી વેચાણની વચલી કડી કમાઈ જાય છે ને ખેડૂતો હાથ ઘસતા રહી જાય છે. એ વાત તદ્દન ખોટી છે. છેલ્લા બે વર્ષથી વચલી કડી નિષ્ક્રિય થઈ જતા, કૃષિ જણસીના હાલહવાલ આપણી નજર સામે જ છે.

પીપળાના પાને... મોબાઈલ એપથી ખેડૂતોમાં જાણીતા થયેલા દિનેશ ટીલવાએ વકતવ્માં જણાવ્યુ હતું કે માર્કેટના મીડીયેટરને કયારેય દુશ્મન ન સમજો. એની સ્કીલથી તમારી જણસીના વળતરદાયી ભાવ મળી શકે છે. કંઈપણ વાવેતર કરતા પહેલા માર્કેટ સ્ટોર કરી લેવુ, પછી જ જમીનમાં દાણા ઓરવા જોઈએ. દૂધ ડેરી અને માર્કેટ યાર્ડનું પગથીયુ ચડતો ખેડૂત બંધ થશે, ત્યારે જ બે પાંદડે થઈ શકે છે. કોઈપણ ચીજ તમારા ખેતર બેઠા, પછી ગામમાં બેઠા, પછી પંથક બેઠા વેચવા માટે ખુદની બ્રાન્ડ ઉભી કરશો તો કયારેય કોઈને કોંસશો નહિં. સાદો નિયમ યાદ રાખો. ટેકાની ખરીદીના ભરોસે કંઈ વાવવુ નહિં. ઓર્ડર વગરનું રાંધ્યા પછી પસ્તાવાનો કોઈ અર્થ નથી. તમે તો ભણેલા છો, ગાડરીયા પ્રવાહથી કંઈક અલગ ચીલો પાડીને કૃષિ ક્રાંતિ કરવાનો મોકો તમારા હાથમાં છે.

માનવ સેવા ટ્રસ્ટના વિજયભાઈ ડોબરીયાએ ઘટતા જતા વરસાદ અને પર્યાવરણની ચિંતા કરતા વૃક્ષારોપણ ઉપર ખાસ ભાર મૂકયો હતો. કોઈને પણ વૃક્ષ વાવ્યા પછી લોખંડના પિંજરાની જરૂર પડે તો રૂ.૨૦૦ જેવા પડતર ભાવે અને ચાર થી ૬ ફૂટના સેટ થયેલા રોપા ફકત રૂ.૧૦ના ટોકન ચાર્જથી મેળવવા માટે તેમણે માનવ સેવા ટ્રસ્ટનો સંપર્ક કરવાની વાત કરી હતી.(૩૭.૫)

(1:04 pm IST)