Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

એમપીથી હથીયારો લાવી ગુજરાતમાં વેંચવાનું કારસ્તાન વધુ એકવાર ઉઘાડુ પડ્યું

ક્રાઇમ બ્રાંચે ત્રણ શખ્સને બે દેશી પિસ્તોલ અને બે કટ્ટા-જીવતા કાર્ટીસ સાથે દબોચ્યા

તરઘડીયા પાસેથી મુળી સિધસરના અનિરૂધ્ધસિંહ ઉર્ફ હકુભા ઝાલા, થોરીયાળીના મેહુલસિંહ મસાણી અને રાજપરાના રામજી આલને દબોચી લેવાયા : અનિરૂધ્ધસિંહ ઉર્ફ હકુભા એમપીના મનાવરથી બલવંત ઉર્ફ બલુ સરદારજી પાસેથી હથીયારો લાવતો હતોઃ અગાઉ નકલી નોટો, જૂગાર, હથીયાર, અપહરણના ગુનામાં સંડોવણીઃ કુવાડવાના જૂગારના ગુનામાં પણ ફરાર હતો : હેડકોન્સ. સંતોષભાઇ મોરી, જયંતિભાઇ ગોહિલ, કરણભાઇ મારૂની બાતમી

રાજકોટ તા. ૨૨: મધ્યપ્રદેશથી ગેરકાયદે દેશી તમંચા, પિસ્તોલ લાવી ગુજરાત, સોૈરાષ્ટ્રમાં વેંચવાનું કારસ્તાન અગાઉ પણ અનેક વખત ઉઘાડુ પડ્યું છે. વધુ એક વખત ક્રાઇમ બ્રાંચને સફળતા મળી છે. મુળીના સિધસર ગામના અનિરૂધ્ધસિંહ ઉર્ફ હકુભા શીવુભા ઝાલા (ઉ.વ.૫૨) અને તેના બે સાગ્રીત સાયલાના થોરીયાળીના મહેલસિંહ અગરસંગ મસાણી (ઉ.વ.૩૦) તથા વઢવાણના રાજપરા ગામના રામજી ગોકળભાઇ આલ (ઉ.વ.૪૦)ને રાજકોટ-અમદાવાદ હાઇવે પર તરઘડીયાના બસ સ્ટેશશન પાછળથી બે દેશી બનાવટની પિસ્તોલ રૂ. ૩૦ હજારની, બે દેશી બનાવટના કટ્ટા રૂ. ૨૦ હજારના તથા ૬ જીવતા કાર્ટીસ સાથે પકડી લીધા છે. હથીયારોની સપ્લાયમાં એમપીના મનાવરના બલવંત ઉર્ફ બલુ સરદારજીનું નામ ખુલ્યું છે.

મુળીના સિધસરનો અનિરૂધ્ધસિંહ ઉર્ફ હકુભા ઝાલા અને બે સાગ્રીતો એમપીથી હથીયારો લાવી રાજકોટ તરફ વેંચવા આવી રહ્યા હોવાની બતમી ડીસીબીના હેડકોન્સ. સંતોષભાઇ મોરી, જયંતિભાઇ ગોહિલ અને કરણભાઇ મારૂને મળતાં પીએસઆઇ યુ. બી. જોગરાણા અને ટીમે વોચ રાખી ત્રણેયને સકંજામાં લઇ તલાશી લેતાં દેશી તમંચા, કટ્ટા અને કાર્ટીસ મળતાં કબ્જે કરી ત્રણેયની ધરપકડ કરી કુલ રૂ. ૬૬,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પુછતાછમાં અનિરૂધ્ધસિંહ ઉર્ફ હકુભાએ કબુલ્યું હતું કે પોતે એમપીના મનાવરના બલવંત ઉર્ફ બલુ સરદારજી પાસેથી છુટક છુટક હથીયારો લાવીને ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ વેંચે છે. અગાઉ અનિરૂધ્ધસિંહ ચોટીલામાં નકલી નોટોના ગુનામાં, સાયલામાં જુગારના ગુનામાં, મોરબીમાં ગેરકાયદે હથીયારના ગુનામાં અને રાજકોટ બી-ડિવીઝનમાં અપહરણ-જુગારના ગુનામાં સંડોવાઇ ચુકયો છે. કુવાડવાના જૂગારના એક ગુનામાં પણ તે ફરાર હોઇ તેમાં પકડવાનો બાકી છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા અને પીઆઇ વી. કે. ગઢવીની સુચના તથા માર્ગદર્શન હેઠળ પીએસઆઇ યુ. બી. જોગરાણા, એએસઆઇ બી.આર. ગઢવી, સી. એમ. ચાવડા, હેડકોન્સ. સંતોષભાઇ મોરી, જયંતિભાઇ ગોહિલ, અભીજીતસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, ઇન્દ્રજીતસિંહ ગોહિલ, કરણભાઇ મારૂ સહિતની ટીમે આ કામગીરી કરી છે. આ શખ્સો રાજકોટમાં કોને હથીયાર વેંચવાના હતાં? અગાઉ કેટલા હથીયાર લાવીને કોને કોને વેંચ્યા? તે સહિતના મુદ્દે તપાસ થઇ રહી છે.

(3:20 pm IST)