Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

તરૂબેન પીઠડીયાનું ઓકિસજન લેવલ ૫૬ થઇ ગયું હતું, આમ છતાં કોરોનાને મ્હાત આપી

રાજકોટ : છેલ્લા એક વર્ષથી કોરોનાની મહામારીથી બચવા અમે દેશી ઓસડિયા,ગરમ પાણી,ઉકાળા વગેરેનું નિયમિત રીતે સેવન કરતાં હતા. આમ તો અમાર ઘરમાં ચાર સભ્યોમાંથી કોઇને પણ કોઇ બિમારી નથી જ. છતાં સાવચેતી રાખવી અનિવાર્ય છે. એટલે એના ભાગરૂપે અમે સૌ ચિવટ રાખતાં હતા જ. આમ છતાં હું કોરોનાની ઝપટે ચડી ગઇ. ઓકિસજનનું લેવલ ૫૬ થઇ ગયું. પરિવારજનોએ તાત્કાલિક મને સિવિલમાં ખસેડી. ત્યાંની શ્રેષ્ઠ સારવારે મારું બે દિવસમાં જ ઓકિસજન લેવલ ઠીક કરી દીધુ. અને પછીના ચાર દિવસ મને કેન્સર હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવી.

આ વાત કરે છે ૫૦ વર્ષના તરૂબેન રમેશભાઇ પીઠડિયા. તેઓને ગત તા.૧૩ મી એપ્રિલે સિવિલમાં દાખલ કરાયા હતા. અને તા.૧૮ મી એપ્રિલના રોજ કેન્સર હોસ્પિટલમાંથી સાજા થયા બાદ ઘરે જવા ડિસ્ચાર્જ પણ કરાયા હતા.

પરિવાર વિશે વાત કરતાં તરૂબેને કહયુ હતું કે મારા પતિ દરજી કામ કરે છે,દીકરો ઇલેકટ્રીશ્યન છે. હમણા કામકાજમાં પણ મંદી રહે છે. અમારા જેવા પરિવારો માટે સરકારી દવાખાના - હોસ્પિટલો આશિર્વાદ સમા છે.

સરકારી હોસ્પિટલ હવે આધુનિક બની ગઇ છે. ત્યાં સવાર સાંજ ચા નાસ્તો,બપોરેને રાત્રે પૌષ્ટિક ભોજન અપાતું. ડોકટરો પણ નિયમિત તપાસવા આવતાં. નર્સો દ્વારા દવા,ઇંજેકશન સમયસર અપાતું. સીવીલ હોસ્પિટલમાં મને મળેલ સારવારથી મને સંપૂર્ણ સંતોષ છે.

(3:19 pm IST)