Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

રાજકોટમાં રેમડેસિવિર ઇન્જેકશન માટે મોટી લાઇનોઃ લોકો આખી રાત બેઠા રહ્યાઃ સવારે વિતરણ શરૂ થયુ, ફરીથી ઠપ્પ

રાઉન્ડ ધ કલોક ઇન્જેકશન આપવાના હતા તો ગઇકાલે ૧૦ વાગ્યે કેમ બંધ કરાયું?: સવારે ૭ વાગ્યાથી રપ૦ લોકોની લાઇન : સાવ મર્યાદીત સ્ટોક હોવાનું તારણઃ પોલીસ બોલાવવી પડીઃ ભારે દેકારો : કલેકટર તંત્ર ઉપર તડાપીટ : સવારે સાડા નવે ટોકન અને ઇન્જેકશન વિતરણ શરૂ થયા બાદ ફરી સાડા દસે બારીઓ બંધ કરી દેવાઇઃ ઇન્જેકશન ન મળતાં ટળવળતાં લોકોઃ અમુકને તો આજે છ ઇન્જેકશન પૈકી છેલ્લો ડોઝ હતો

ઇન્જેકશન માટે દોટઃ રાતથી રેમડેસિવિર ઇન્જેકશન વિતરણ ઠપ્પ થતાં અને સવારે ટોકન વિતરણ માટે ગેઇટ ખોલવામાં આવતાં જ લોકોએ દોટ મુકી હતી. જે પ્રથમ તસ્વીરમાં જોઇ શકાય છે. બીજી તસ્વીરમાં પ્રથમ ૧૦૦ ટોકન મેળવનારાઓને ઇન્જેકશન આપવાનું શરૂ થયું હતું તે બીજી અને ત્રીજી તસ્વીરમાં અને એ પછી ફરીથી કલાકમાં જ ઇન્જેકશન વિતરણ ઠપ્પ થઇ જતાં બારીઓ બંધ થઇ ગઇ હતી તે સોૈથી છેલ્લી તસ્વીરમાં જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા.રરઃ રાજકોટમાં ઓકસીજન બાદ હવે રેમેડેસીવીયર ઇન્જેકશનની તડાપીટ ઉભી થઇ છે. ગઇકાલે પુરતા ઇન્જેકશન આવ્યા ન હતા. જે સ્ટોક હતો તે પહેલા ડેટીકેટેડ હોસ્પીટલ ગંભીર પ્રકારના દર્દીઓને અપાયા હતા અને હવે સ્ટોક સાવ ઓછો હોય ભારે દેકારો બોલી ગયો હતો. જો કે સવારે પોણા દસથી ફરીથી ઇન્જેકશન વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ લોકો રાતથી ઇન્જેકશનની રાહમાં હોઇ ટોકન માટે પણ લાંબી કતારો થઇ ગઇ હતી. જો કે વિતરણ સવારે શરૂ થયાના એકાદ કલાક બાદ ફરી બંધ થઇ ગયું હતું. બારીઓ બંધ કરી દેવામાં આવતાં લોકોમાં દેકારો બોલી ગયો હતો. અઢીસોથી વધુ લોકો ઇન્જેકશન લેવા આવ્યા હોઇ તેમને ઇન્જેકશનનો સ્ટોક છે કે કેમ? ટોકન અને ઇન્જેકશન કયારે મળશે? તેનો પણ કોઇ યોગ્ય જવાબ આપતું નહોતું.

કલેકટર તંત્રએ ચોૈધરી હાઇસ્કૂલ પાસે મીનાબેન કુંડલીયા કોલેજ ખાતે ડેપો ખોલી રાઉન્ડ ધ કલોક ર૪ કલાક ઇન્જેકશન વિતરણની જાહેરાત કરી હતી. આ જાહેરાત મુજબ થોડા દિવસ લોકોને ઇન્જેકશન મળી રહ્યા હતાં. પરંતુ ગઇકાલે સ્ટોક સાવ ઓછો હોઇ રાત્રીના ૧૦ વાગ્યે વિતરણ બંધ કરી દેવાતા ડેપો બંધ થયો હતો અને આ કારણે ઇન્જેકશન લેવા માટે કતારમાં ઉભેલા લોકોમાં ભારે રોષ ફાટી નિકળ્યો હતો. ઘણા લોકો તો વિતરણ બંધ થયું હોવા છતાં કુંડલીયા કોલેજના દરવાજે ઇન્જેકશન માટે વલખા મારતા આખી રાત બેઠા રહયા હતા. પરંતુ કોઇ અધીકારી જવાબ દેવા તૈયાર નહોતા.

દરમિયાન આજે સવારે ૭ વાગ્યાથી ફરી ઇન્જેકશનનો ડેપો ઉપર લોકોની ે લાઇનો લાગી ગઇ છે. અમુકને તો આજે છ ઇન્જેકશન પૈકી છેલ્લા ડોઝ માટે ઇન્જેકશન લેવાનું બાકી હતું. આવા અનેક લોકોમાં દેકારો મચી ગયો હતો. સવારે પોણા દસે રપ૦ લોકો લાઇનમાં ઉભા રહેતા અને ભારે ઉહાપોહ સર્જાતા  પોલીસ બોલાવવી પડી હતી. વહેલી સવારથી લાઇનમાં ઉભેલા લોકોને સવારે ૯ાા વાગ્યે ટોકન દેવાનું શરૂ કરાયું હતું. બાદમાં ઇન્જેકશન વિતરણ શરૂ થયું હતું. પરંતુ એકાદ કલાકમાં જ ફરી બારીઓ બંધ થઇ ગઇ હતી અને વિતરણ ઠપ્પ થઇ ગયું હતું. આવી ખરાબ વ્યવસ્થાને કારણે કલેકટર તંત્ર ઉપર તડાપીટ બોલી ગઇ હતી.

(3:19 pm IST)