Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

ચિત્રકુટમાં રણછોડદાસજી મહારાજની પ્રતિષ્ઠા

'જય ગુરૂદેવા પરમાનંદા, આનંદકંદ પ્રભુ સચ્ચિદાનંદા'ના જયનાદ સાથે પૂ.મોરારીબાપુ અને ભકતોની હાજરીમાં થઇ પ્રતિષ્ઠા

રાજકોટ : ભગવાનશ્રી રામની તપોભૂમિના મધ્યપ્રદેશમાં આવેલ ચિત્રકુટધામમાં પૂજય સંતશ્રી રણછોડદાસજી મહારાજની કર્મભૂમિ શ્રી રઘુવીર મંદિર (બડીગુફામાં) વૈદિક મંત્રોચ્ચાર અને આચાર્યોની નિશ્રામાં પ.પુ.રણછોડદાસજી મહારાજના નવીન ચિત્રપટની પ્રતિષ્ઠા થઇ. આ પ્રતિષ્ઠા દરમિયાન શ્રી સદગુરૂ સેવા સંઘ ટ્રસ્ટના ટ્રસ્ટી ડો.બી.કે.જૈન તથા તેમના ધર્મપત્ની શ્રીમતી ઉષા બી.જૈન સાથે સદગુરૂ ટ્રસ્ટના આશરે ૮૦૦ કાર્યકર્તાઓ, સંસ્કૃત વિદ્યાલયના વિદ્યાર્થીઓ, આચાર્યોની હાજરીમાં ગુરૂપાદુકા પૂજન યોજાયુ. પૂ.ગુરૂદેવના નવીન ચિત્રની પ્રતિષ્ઠા કરી ગાદીએ બેસાડાયા સાથે મંદિરમાં સંત સમાજ, ભકતો અને મહંતોનો ભંડારો પણ યોજાયો હતો.

ગુરૂદેવશ્રી રણછોડદાસજી મહારાજનું પ્રાગટય વર્ષ આજ સુધી અજ્ઞાત છે. તે કારણે તેમની સાચી ઉંમર કેટલી છે તે આજ સુધી સ્પષ્ટ થઇ શકયુ નથી, પણ ભકતો સાથે તેમના સંવાદ પરથી તેમની ઉંમર આશરે ૪૭૦ વર્ષ હતી એવું અનુમાન કરી શકાય છે. પૂજય ગુરૂદેવે વર્ષ ૧૯૭૦ની સાલમાં મુંબઇના સુર્યા એપાર્ટમેન્ટ ખાતે નશ્વર દેહનો ત્યાગ કર્યો હતો તેમની અંતિમ વિધિ તીર્થરાજ પુષ્કરજી રાજસ્થાન ખાતે કરવામાં આવી હતી. જયા તેમનું સમાધી મંદિર અત્યારે પણ બિરાજમાન છે. તેમ યાદીમાં જણાવાયું છે.આ વર્ષે શ્રી રઘુવીર મંદિર બડી ગુફામાં આચાર્ય આશ્રમના પ્રમુખશ્રી ૧૦૮ યુવરાજ સ્વામી બદ્રિપન્નાચાર્યજીના મુખારવિંદથી શ્રીરામકથાનું આયોજન થયુ હતુ. આ દરમિયાન રામકથાના પ્રખર વકતા પૂ.મોરારીબાપુ પણ કથાશ્રવણ કરવા માટે રઘુવીર મંદિર ગયા અને પૂજય ગુરૂદેવના દર્શન પણ કર્યા તેઓ તેમના વકતવ્યમાં કહ્યુ કે, પરમ પૂજય ગુરૂદેવ સાક્ષાત હાલતી ચાલતી રામચરિતમાનસ હતા. ગુરૂદેવ રણછોડદાસજી મહારાજે રામાયણ અને રામચરિતમાનસને ફકત વાંચ્યુ જ નહી પણ એને જીવ્યું છે. એટલે ગુરૂદેવનું જીવન એક સદગુરૂનું જીવન છે એમનું વ્યકિતત્વ અને કર્તુત્વ અલૌકિક હતુ.આ નવ દિવસીય શ્રી રામકથાના વિશ્રામના દિવસે શ્રી સદગુરૂ સેવા સંઘ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી વિશદભાઇ પી.મફતલાલ મુંબઇથી તેમજ ટ્રસ્ટી ડો.બી.કે.જૈન, ડો.વિષ્ણુભાઇ જોબનપુત્રા, શ્રી ગોવર્ધન ઉપાધ્યાય, શ્રી એન.બી.લોહાણા, શ્રી મનોજ પંડયા અને ડો. ઇલેશ જૈન વિ. ઉપસ્થિત રહ્યા હતા.

(3:50 pm IST)