Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

શબે બારાતની રાતે બે બંગાળી મુસ્લિમ મિત્રોના મોતઃ દફનવિધી માટે મૃતદેહ બંગાળ લઇ જવાયા

રામનાથપરામાં રહેતાં મુસ્તકીમ (ઉ.૧૭) અને મિત્ર રાહિદ (ઉ.૧૯) ચા પાણી પી નમાઝ પઢવા જવા નીકળ્યા ને મોત મળ્યું: કેકેવી ચોકમાં મોડી રાતે બનાવઃ નવે નવી ફોર્ચ્યુનર કારમાં પણ ભારે નુકશાન

રાજકોટઃ શનિ-રવિવારની મોડી રાત્રે ત્રણેક વાગ્યે કેકેવી ચોકમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. નવે નવી ફોર્ચ્યુનર કારની ઠોકરે બાઇક નં. જીજે૩એફઆર-૪૫૯૮ ચડી જતાં તેના પર સવાર રામનાથપરા-૪માં અલાદી મંજીલ ખાતે રહેતાં મુળ બંગાળના મુસ્તકીમ નરૂઇસ્લામ શેખ (ઉ.૩૭) તથા તેના મિત્રા રાહિદ (ઉ.૧૯) ઉછળી પડતાં ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતાં. શબેબારાતની રાત હોઇ આખી રાત નમાઝ પઢવાની હોવાથી બંને મિત્રો રાત્રીના ત્રણેક વાગ્યે કેકેવી ચોકમાં ચા-પાણી પીધા બાદ નમાઝ પઢવા જવા રવાના થયા હતાં અને નવેનવી ફોર્ચ્યુનર કારની ઠોકરે ચડી જતાં બંનેના મોત નિપજ્યા હતાં. મૃતક બંને મિત્રો તેના પરિવારજનો સાથે ઇમિટેશન અને ચાંદીકામ કરતાં હતાં. તેમજ મુસ્તકીમ સનસાઇન સ્કૂલમાં ભણતો હતો  અને આ વર્ષે જ ધોરણ-૧૨ની પરિક્ષા આપી હતી. બંનેના મૃતદેહને દફનવિધી માટે તેના વતન કોલકત્તા (પશ્ચિમ બંગાળ) લઇ જવાયા હતાં. માલવીયાનગરના પીએસઆઇ મલેક, એએસઆઇ જી. કે. પરમાર, અરૂણભાઇ સહિતે મૃતકો પૈકીના મુસ્તકીમના પિતા નરૂઇસ્લામ નામદારઅલી શેખ (ઉ.૪૬)ની ફરિયાદ પરથી કારચાલક સામે ગુનો નોંધ્યો છે. અકસ્માત બાદ કાર રોડ ડિવાઇડર પર ચડી જતાં તેમાં પણ આગળના ભાગે ભારે નુકસાન થયું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ કાર કોન્ટ્રાકટર ગિરીશભાઇ કથીરીયાની છે. તસ્વીરમાં ઘટના સ્થળે કાર, એકઠા થયેલા લોકો અને બંને મિત્રોના નિષ્પ્રાણ દેહ જોઇ શકાય છે

(3:49 pm IST)