Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

મોરબીના ચકચારી ત્રિપલ મર્ડર કેસમાં પકડાયેલ આરોપીની જામીન અરજી રદ

મોરબી તા.૨૨: મોરબીના ચકચારી ત્રિપલ મર્ડર કેસમાં પકડાયેલ આરોપી જીવરાજ રામજી ડાલીએ જામીનપર છુટવા કરેલ અરજીને મોરબીની સેસન્સ અદાલતે નકારી કાઢી હતી.

આ અંગેની વિગત એવી છે કે મોરબી શહેરમાં તા.૧૨-૮-૨૦૧૮ના રોજ મધ્યરાત્રીએ જે બનાવ બનેલ જેમાં લઘુમતી કોમના ત્રણ સભ્યોના ખુન થયેલા જે અંગેની ફરીયાદ વસીનભાઇ મહેબુબભાઇ પઠાણે નોંધાવેલ જેમાં ૧૨ આરોપીઓની ધરપકડ થયેલી જેઓ વિરૂધ્ધ ગુન્હાનું ચાર્જશીટ પણ કરવામાં આવેલ છે જે કેસ હાલમાં મોરબીની સેશન્સ અદાલતમાં પેન્ડીંગ છે.

આ બનાવમાં ત્રણ વ્યકિતઓના ખુન થયેલ જેમાં (૧)મોહમીન દીલાવરખાન પઠાણ (૨)દીલાવરખાન હુસૈનખાન પઠાણ, (૩)અફઝલ અકબર પઠાણનું ગંભીર ઇજાઓને કારણે મોત નિપજેલ હતા.

આ બનાવ સંબંધે આરોપી સંજયભાઇ નારણભાઇ ડાભીએ વળતી ફરીયાદ કરેલ જેમાં મરણજનાર ત્રણેય સામે ફરીયાદ થયેલી જે ક્રોસ ગુન્હામાં પોલીસે એબેટે સમરી ભરેલ હતી.

આ બનાવના અનુસંધાને સહઆરોપી જીવરાજભાઇ રામજીભાઇ ડાભીએ જામીન અરજી કરેલી જે જામીન અરજીમાં પોતે નિર્દોષ છે પોતે પોતાની પાસેથી કોઇ હથીયારો મળેલ નથીતેઓને ખોટી રીતે સંડોવી દેવામાં આવેલ છે તેમ જણાવેલ.

આ બનાવના અનુસંધાને મોરબી તાલુકાના પોલીસ સબ ઇન્સપેકટરશ્રી એન.જે.રાણાએ સોગંદનામું કરી જામીન અરજીનો વિરોધ કરેલ હતો.

તમામ હકિકતો પુરાવો લીધા બાદ નક્કી થઇ શકે તેમ હોય હાલના તબકકે પુરાવાનું મુલ્યાંકન કરી શકાય નહી જેથી આરોપી તરફે કરવામાં આવેલ દલીલ ગ્રાહય રાખવાને પાત્ર જણાતી નથી આરોપીનું નામ ફરીયાદમાં છે હથીયાર કબજે થયેલ છે તેમજ જમીનના વિવાદમાં ત્રણ વ્યકિતઓના ખુન થયેલ છે આવા આરોપીઓને સરળતાથી જામીન આપવામાં આવે તો સમાજમાં કાયદાનો ડર રહે નહી તેવી પરીસ્થીતીનું સર્જન થાય તેવી શકયતા રહેલ છે જેથી આરોપીને જામીન મુકત કરવાની ન્યાયીક વિવેક બુધ્ધીની સત્તાનો ઉપયોગ કરવા હાલના તબક્કે મને ન્યાયોચીત જણાતુ ન હોય જેથી મોરબી જીલ્લાના સત્ર ન્યાયધીશશ્રી આર.એ.ઘોઘારીએ જામીન અરજી નામંજુર કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં મુળ ફરીયાદી તરફે એડવોકેટ દરજજે શ્રી લલિતસિંહ જે.શાહી, ભુવનેશ એલ.શાહી, કૃણાલ એલ.શાહી, ચંદ્રકાંત એમ.દક્ષીણી, યોગેશ બારોટ, તેજશ પટેલ, સુરેશ ફળદુ, વિનય ઓઝા, ધર્મેન્દ્ર ગઢવી, હિતેષ ગોહેલ,મનીષ ગુરૃંગ, નિશાંત જોષી, તેમજ મોરબીના જીલ્લા સરકારી વકીલ શ્રી વિજયભાઇ સી.જાની તથા ગોપાલભાઇ ઓઝા તથા જીતેન અંગેચાણીયા રોકાયેલા હતા.

(3:44 pm IST)