Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

'પ્રદ્યુમન પાર્ક ઝૂ ' રાજકોટનું નઝરાણું : વર્ષે ૭ાા લાખ મુલાકાતીઃ ૧.૮૫ કરોડની આવક

ટૂંક સમયમાં પ્રદ્યુમન પાર્ક ઝૂ સ્વનિર્ભર થશે પ્રજાની તિજોરી ઉપરથી ૪૫ લાખ જેટલો બોજો નિકળી જશેઃ ઝૂમાં સફેદ વાઘનાં ૪ બચ્ચા સહિત અનેક પ્રાણીઓ-પક્ષીઓનાં આકર્ષણોઃ 'ઝૂ'ની સાયકલીંગ દ્વારા સમીક્ષા કરતા મ્યુ. કમિશનર બંછાનિધી પાનીઃ પંજાબ અને મૈસુરનાં ઝૂ સાથે પ્રાણીઓ એકસચેન્જના કરારો કરવા તૈયારી

રાજકોટ, તા. ૨૨ :. મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરના લાલપરી રાંદરડા તળાવના કિનારે આવેલ રમણીય ટેકરાળ અને કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા સ્થળ ઉપર પ્રદ્યુમન પાર્ક ઝૂ નુ નિર્માણ કર્યુ છે. આ ઝૂ હવે રાજકોટનું નઝરાણુ બની ચૂકયુ છે કેમ કે દિવસેને દિવસે આ ઝૂની મુલાકાત લેનારાઓની સંખ્યા વધતી જાય છે અને ટૂંક સમયમાં જ ઝૂ સ્વનિર્ભર એટલે કે તેની જેટલી આવક છે તેમાથી જ ઝૂના સંચાલનનો ખર્ચો નિકળી જશે અને પ્રજાની તિજોરી ઉપરથી વર્ષે અંદાજે ૪૫ લાખ રૂપિયાનો બોજો નીકળી જશે તેમ મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ જાહેર કર્યુ છે. ગઈકાલે તેઓએ સાયકલીંગ કરી અને ઝૂની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેઓની જાણમાં આવ્યા મુજબ છેલ્લા એક વર્ષમા કુલ ૭ાા લાખ મુલાકાતીઓએ ઝૂ નઝરાણુ નિહાળ્યુ હતુ અને તેના થકી ટીકીટ વગેરેની આવક ૧.૮૫ કરોડ થઈ છે.

મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ વધુમાં પાર્ક ઝૂ અંગે વિસ્તૃત વિગતો જાહેર કરતા જણાવ્યુ હતુ કે, આ ઝૂ નેશનલ ઝૂ ઓથોરીટી ઓફ ઈન્ડીયાના નિયમો મુજબ મોટટાઈપ ઝૂ બનાવવામાં આવ્યુ છે અને તેમા સિંહ, વાઘ, દિપડા, વાંદરા, હરણ, રીંછ, મગર વગેરે કુદરતી રીતે જ વિચરી શકે તે પ્રકારના પીંજરાઓ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યા છે. ઝૂમાં સફેદ વાઘનું આકર્ષણ ખૂબ જ છે અને તાજેતરમાં જ સફેદ વાઘના ૪ નવજાત બચ્ચાઓએ જન્મ લીધો છે. આ ઉપરાંત દેશ-વિદેશના અનેક પક્ષીઓ, સાપ ઘર, માછલી ઘર વગેરે પણ આકર્ષણરૂપ બન્યા છે. જેના કારણે છેલ્લા એક વર્ષમાં સૌરાષ્ટ્રભરમાં રાજકોટનુ પ્રદ્યુમન પાર્ક ઝૂ લોકોમાં આકર્ષણ જમાવી રહ્યુ છે અને ગત વર્ષ કરતા આ વર્ષે મુલાકાતીઓમાં ૨૦ ટકાનો વધારો જોવા મળ્યો છે.

કમિશ્નરશ્રીના જણાવ્યા મુજબ આ ઝૂના સંચાલન માટે વર્ષે કુલ ૨.૩૫ કરોડનો ખર્ચ થઈ રહ્યો છે અને તેની સામે આવક ૧.૮૫ કરોડ જેટલી છે. આમ હવે આ ઝૂ હવે લગભગ સ્વનિર્ભર થવાની તૈયારીમાં છે. ટૂંક સમયમાં જ ઝૂમાં સોવેનિયર શોપ સહિતના આકર્ષણો ઉમેરવામાં આવશે.

(3:40 pm IST)