Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

હાઉસીંગ સેકટરમાં જીએસટી સરળીકરણ પ્રક્રિયા અઘરીઃ અભયભાઈ દેસાઈ

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને બિલ્ડર્સ એસો. દ્વારા યોજાય ગયેલ માર્ગદર્શક સેમીનાર

રાજકોટઃ. ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા રાજકોટ બિલ્ડર્સ એસોસીએશનના સંયુકત ઉપક્રમે જીએસટી અંગે સેમિનાર યોજવામાં આવેલ. સેમિનારના પ્રારંભે ઉપસ્થિત વકતા અભયભાઈ દેસાઈનું રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવ, માનદ્મંત્રી નૌતમભાઈ બારસીયા અને રાજકોટ બિલ્ડર્સ એસોસીએશનના પ્રમુખ પરેશભાઈ ગજેરા, ખજાનચી અમિતભાઈ ત્રાંબડીયા દ્વારા પુષ્પગુચ્છ અર્પી સન્માન કરવામાં આવેલ. સેમિનારના મુખ્ય વકતા વડોદરાના નિષ્ણાંત જીએસટી કન્સલ્ટન્ટ / સીએ અભયભાઈ દેસાઈએ પોતાની આગવી શૈલીમાં આજના મુખ્ય મુદ્દાઓ જેમાં બિલ્ડર્સ તથા રિયલ એસ્ટેટમાં આવેલ જીએસટીની નવી જોગવાઈઓ ઉપર પાવરપોઈન્ટ પ્રેઝનટેશન દ્વારા સંપૂર્ણ માર્ગદર્શન આપેલ. જેમાં ખાસ કરીને ૧-૪-૧૯થી આવેલા ફેરફારો હવે પછી બિલ્ડરોએ વિકલ્પો પસંદ કરવાના રહેશે. જેમાં નોન એફોર્ડેબેલ હાઉસીંગ અને એફોર્ડેબલ હાઉસીંગ પ્રોજેકટ માટે કમ્પોઝીશન ટેક્ષનો રેટ ૫ ટકા અને ૧ ટકાનો વિકલ્પ તા. ૧૦ મે, ૨૦૧૯ પહેલા પસંદ કરી લેવાનો રહેશે. જો આ સ્કિમમાં ન જવુ હોય તો જૂના રેટ પ્રમાણે જવા માટે જે તે અધિકારીઓને લેખીત જાણ કરવાની રહેશે. હાઉસીંગ સેકટરમાં સરકાર દ્વારા જીએસટીની સરળીકરણની જે પ્રક્રિયા આ નોટીફીકેશન દ્વારા અઘરી કરી દેવામા આવેલ છે. આ નવી સ્કિમ મુજબ અમલ કરવામાં બિલ્ડર્સ અને રિયલ એસ્ટેટ સેકટરને ઘણી શરતોનો સામનો કરવો પડશે. દરેક ધંધાદારી એકમોએ પોતાના ટેક્ષ સ્ટ્રકચર માટે ઉંડો અભ્યાસ કરી એ પ્રમાણે વિકલ્પ પસંદ કરવાનો રહેશે. આ પસંદગીમાં થયેલી ભૂલો ભવિષ્યમાં બિલ્ડરોને આર્થિક નુકશાન કરતા રહેશે. રેરાના કાયદા પછી બિલ્ડર અને રિયલ એસ્ટેટમાં મુસીબત ઉભી કરનારી આ જીએસટીની જોગવાઈઓમાં સરળીકરણની ખૂબ જ જરૂરીયાત છે. સેમિનારના અંતે રાજકોટ ચેમ્બરના કારોબારી સભ્ય ભાસ્કરભાઈ જોશીએ ઉપસ્થિત સભ્યોનો આભાર વ્યકત કરેલ. કાર્યક્રમનું સંચાલન ચેમ્બરના સબકમિટીના સભ્ય મનિષભાઈ સોજીત્રા દ્વારા કરવામાં આવેલ.

(3:31 pm IST)