Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

તળાવ-જળાશયોમાં પ્રદુષણ અટકાવવા ધાર્મિક વસ્તુઓ પધરાવા કિનારા પર કળશ મુકાશે

સ્મેશ ગ્રૃપનાં સફાઇ અભિયાનમાં ૧૪ ટનથી વધુ કચરો નિકળ્યા બાદ તંત્રનો નિર્ણયઃ તળાવ, જળાશયોમાં ધાર્મિક વસ્તુઓ નહિ પધરાવા અપિલ

રાજકોટ,તા.૨૨: શહેરનાં તળાવ અને જળાશયોમાં લોકો ધાર્મિક વસ્તુઓ પધરાવતા હોવાથી આ જળાશયોમાં પ્રદુષણ ફેલાઇ છે અને ગંદકી પણ વધે છે ત્યારે લોકો ધાર્મિક ચીજ વસ્તુઓ જળાશયોમાં પધરાવાનાં બદલે તળાવનાં કિનારે તંત્ર દ્વારા મૂકવામાં આવેલ કળશમાં આવી વસ્તુઓ પધરાવે તેવી વ્યવસ્થા ટૂંક સમયમાં કરવામાં આવનાર હોવાનું સતાવાર સુત્રો માંથી જાણવા મળ્યુ છે.

રાજકોટ ની ભાગોળે આવેલ રાંદરડા તળાવ વિસ્તારમાં સ્મેશ ગ્રુપ દ્વારા સફાઈ કરવામાં આવી હતી.  કુલ ૧૦૦ થી વધુ લોકો તથા મહાનગરપાલિકાની ટીમનાં સંયુકત પ્રયાસથી બે કલાકમાં કુલ  ૧૪ ટન જેટલો કચરા નિકાલ કરવામાં આવ્યો હતો. સફાઈ દરમિયાન ખાસ કરીને ધાર્મિક વિધી દરમિયાન વપરાતી વસ્તુઓનો મોટો હિસ્સો જોવા મળ્યો હતો. આ સફાઇ કાર્યમાં મ્યુ. કમિશ્નર બંછાનિધિ પાની ખાસ હાજરી આપી ને કાર્યક્રમ ને તથા લોકોને ઉત્સાહ પુરો પાડ્યો. બાળકો, ગૃહિણીઓ, દિવ્યાંગો પણ આ અભિયાનમા જોડાયા હતા. આ અભિયાનને સફળ બનાવવા હરસુખ રાજપરા, કેશવ બિસ્ત, જીજ્ઞેશ વોરા, વિમલ સુવાગિયા, વિજય દોંગા, મયંક બાબિયા, તુષાર જીવાણી સહિતનાં સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

(3:25 pm IST)