Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

દિવસ- રાત જોયા વગર મહેનત કરવાનો મારો વાયદો : મોહનભાઈ

કોંગ્રેસના પાંચ દાયકાના શાસનમાં જે કાર્યો નથી થયા તે ભાજપે ૬૦ મહિનામાં કરી બતાવ્યા : બીનાબેન આચાર્ય : ૬૦ વર્ષ સુધી કોંગ્રેસે માત્ર ગરીબી હટાવોનો નારો આપ્યો અને ભ્રષ્ટાચાર જ કર્યો છે : અંજલીબેન રૂપાણી

રાજકોટ, તા. ૨૨ : ભાજપના ઉમેદવાર શ્રી મોહનભાઈ કુંડારીયાએ આવતીકાલે વધુમાં વધુ પ્રમાણમાં ભાજપની તરફેણમાં મતદાન કરવાની અપીલ કરતા જણાવ્યું છે કે કોંગ્રેસે તેના ૫૦ વર્ષના શાસનમાં રાજકોટને એઇમ્સ નથી આપી ભાજપે તે કરી બતાવ્યું છે. લોકોના આરોગ્ય અને અમે પ્રાથમિકતા આપી છે. આયુષ્યમાન ભારત યોજના અને એઇમ્સની મંજૂરી મળવાથી સાબિત થાય છે એઇમ્સનો લાભ માત્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની જનતા ને મળવાનો છે.

આવી જ રીતે રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓ, વેપારીઓ, કંપનીઓના પ્રતિનિધિઓ અને આમ આદમીને મુંબઈ દિલ્હી જવામાં સુગમતા રહે તે માટે રાજકોટની ભાગોળે રાજકોટ અને ચોટીલા તાલુકાની બોર્ડર પર હીરાસર ગામ નજીક રૂપિયા ૧૨૦૦ કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય સ્તરનું ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવાયું છે તેનું કામ શરૂ થઈ ગયું છે અને બે વર્ષમાં તે પૂરું થઈ જશે. રાજકોટનું એરપોર્ટ કાર્યરત થયા બાદ સૌરાષ્ટ્રવાસીઓને દુનિયાના કોઈપણ ખૂણે જવા રાજકોટથી જ ફ્લાઈટ મળી જશે. અમદાવાદ સુધી જવામાં સમય અને નાણાનો જે બગાડ થતો હતો તે અટકી જશે.હાલ રાજકોટથી મુંબઈ અને દિલ્હીની ફ્લાઈટ ચાલુ જ હોવાનું તેઓએ એક યાદીમાં જણાવ્યું છે.

દરમિયાન શહેર ભાજપનાં પ્રમુખ કમલેશભાઈ મીરાણી મહામંત્રીઓ દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, રાજુભાઈ બોરીચા સહિતનાં આગેવાનોએ એક સંયુકત નિવેદનમાં જણાવ્યું હતું કે, ભાજપનાં શાસનમાં રાજકોટનો ખરા અર્થમાં વિકાસ થયો છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી રાજકોટને રળીયામળા-સુંદર શહેરની ઓળખ ભાજપનાં રાજમાં મળી છે, કોંગ્રેસનાં રાજમાં તો રાજકોટ સુવિધા વિહોણું કહેવાતું હતું અને આજે ભાજપનાં શાસનમાં રાજકોટ રૂડું-રણીયામણું સ્માર્ટ-કલીન સીટી તરીકે સર્વાંગી વિકાસ પામ્યું છે. ભૂતકાળમાં કોંગ્રેસનાં ભ્રષ્ટાચારી શાસનનાં રાજકોટ અને આજનાં ભાજપનાં વિકાસશીલ રાજકોટમાં જમીન-આસમાનનો ફર્ક છે.

રાજકોટ મહિલા મોરચાનાં પ્રભારી શ્રીમતી અંજલીબેન રૂપાણીએ રાજકોટ લોકસભા મત વિસ્તારનાં મતદારોને ભાજપને વિક્રમજનક વિજય અપાવવાની અપીલ કરતા યાદીમાં જણાવ્યું છે કે, કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીની ભાજપ સરકારનાં શાસનમાં દેશની સાથોસાથ સ્ત્રીઓ પણ શકિતશાળી અને સુરક્ષિત બની છે. કેન્દ્ર અને રાજયની ભાજપ સરકારે સ્ત્રી સશકિતકરણની દિશામાં અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. આ ઉપરાંત સ્ત્રીઓને સ્વરોજગારી, સ્વાસ્થ્ય, શિક્ષા, સુરક્ષા આપવાની દિશામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કામગીરી આશીર્વાદરૂપ રહી છે. બીજી તરફ કોંગ્રેસનાં શાસનમાં મહિલાઓ અસુરક્ષિત, ભયભીત અને અબળા હતી. ૬૦ વર્ષ સુધી કોંગ્રેસે માત્ર ગરીબી હટાવોનો નારો આપ્યો છે જયારે માત્ર ૬૦ મહિનામાં ટૂંકાગાળામાં ભાજપે ગરીબી હટવવાની દિશામાં અનેક નિર્ણયો લીધા છે. આ લોકસભાની ચૂંટણીમાં મતદારો હવે કોંગ્રેસને હટાવશે.

આ તકે મેયર બીનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટે.ચેરમેન ઉદયભાઈ કાનગડ, નેતા શાસક પક્ષ ધનસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમારે સંયુકત યાદીમાં જણાવ્યું છે કે આજે જયારે સમગ્ર દેશમાં એકતરફ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં વિકાસ કાર્યોની બોલબાલા છે ત્યારે બીજી તરફ કોંગ્રેસીઓ જ્ઞાતિ-જાતિના નામે લોકોમાં વેરઝેરની લાગણી ફેલાવી ફાટફૂટ પડાવવા ઈચ્છતા હતા પરંતુ ભાજપ મોવડીમંડળ દ્વારા રાજકોટ-સૌરાષ્ટ્રનાં પ્રજાપ્રિય નેતા મોહનભાઈ કુંડારીયાને ફરી એક વખત ભાજપે રાજકોટ લોકસભાનાં ઉમેદવાર જાહેર કરતા જનતા તરફથી મળી રહેલા વ્યાપક આવકારથી વિરોધીઓની બોલતી બંધ થઈ ગઈ છે.

જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખીયા, મહામંત્રી ભાનુભાઈ મેતા, ભરતભાઈ બોદ્યરા, નીતિનભાઈ ઢાકેચા, નાગદાનભાઈ  ચાવડા, અશોકભાઈ  મહેતા,ચેતનભાઈ રામાણી,ભોગુભા જાડેજાએ પ્રજાજોગ અપીલ કરતા યાદીમાં જણાવ્યું છે કે  રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર મોહનભાઈ કુંડારીયાની ભવ્ય જીત નિશ્યિત છે.  સૌરાષ્ટ્રવાસીઓ માટે રાજકોટ ખાતે  એઈમ્સની મંજૂરી હોય, આંતરરાષ્ટ્રીય કક્ષાનાં એરપોર્ટની મંજૂરી હોય, રાજકોટ-દિલ્હી સીધી વિમાની સેવા હોય, દુરાન્તો એકસપ્રેસનો પ્રારંભ હોય, સુરેન્દ્રનગર-રાજકોટ બ્રોડગેજ હોય, મોરબીમાં કૃષિવિજ્ઞાન કેન્દ્ર હોય, રાજકોટ-અમદાવાદ સિકસલેન હોય કે પછી રાજકોટ-મોરબી ફોરલેન હોય.

મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ગુજરાતના ચેરમેન અને લોકસભાની રાજકોટ બેઠકના ભાજપના ઈન્ચાર્જ ધનસુખભાઈ ભંડેરી એક નિવેદનમાં જણાવ્યું કે છે કે, મોહનભાઈ કુંડારિયાએ ૨૦૧૪માં રાજકોટ લોકસભાની બેઠક જીત્યા બાદ કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં કેન્દ્રિય પ્રધાન તરીકે પણ અસરકારક કામગીરી કરી છે. અગાઉની સરકારમાં છાશવારે જુદા-જુદા શહેરોમાં બોમ્બ ધડાકા થતા અને ત્રાસવાદીઓ હજારો નિર્દોષ નાગરિકોનો ભોગ લેતા હતા. નરેન્દ્રભાઈ મોદી જયારથી વડાપ્રધાન બન્યા ત્યારથી ભારતના કોઈ શહેરમાં એક પણ બોંબ બ્લાસ્ટ થયો નથી.

લોકસભાની આ વખતની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચેની નથી રહી પરંતુ રાષ્ટ્રીય એકતા અને દેશની સુરક્ષા સાથે જોડાયેલી હોવાનું અખબારી યાદીના અંતમાં જણાવાયું છે.

(3:24 pm IST)